વાવાઝોડા પહેલાં જ સરકારના મંત્રીએ કરી મોતની આગાહી! માઈબાપ તમારે તો લોકોને બચાવવાના છે
Biporjoy Cyclone: બિપરજોય વાવાઝોડુ ખુબ જ ઝડપથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. પવનની ગતિ અને વાવાઝોડાનો વ્યાપ ખુબ જ વધારે છે. હવામાન વિભાગ અને નિષ્ણાતો પણ બિપરજોયને તાઉતે કરતા પણ ખતરનાક ગણાવી રહ્યાં છે. એવામાં ગુજરાત સરકારના મંત્રીએ આપેલા નિવેદનથી મચ્યો હડકંપ.
Biporjoy Cyclone Gujarat Weather Update/ઝી બ્યૂરો, અમદાવાદઃ ગમે ત્યારે ગુજરાતમાં ત્રાટકી શકે છે વિનાશક વાવાઝોડુ. બિપરજોય વાવાઝોડાને લીધે થઈ શકે છે જાનમાલનું નુકસાન. ઢોર ઢાંખરો સહિત માણસોના જીવને પણ છે મોટું જોખમ. ગુજરાતના માથે તોળાઈ રહ્યું છે મોતનું તાંડવ. વિનાશક વાવાઝોડુ નોતરી શકે છે મોત. આ અમે નથી કહી રહ્યાં પણ ગુજરાત સરકારે પોતે આ વાતની કબુલાત કરી છે કે આ વિનાશક વાવાઝોડુ મોત નિપજાવી શકે છે. ગુજરાત સરકારના મંત્રીએ પોતે આ વાતની કબુલાત કરી છેકે, વાવાઝોડાને કારણે મોત થઈ શકે છે. સરકારના આ નિવેદનને કારણે લોકોમાં વધુ ભય પ્રસરી રહ્યો છે. વાવાઝોડુ આવતા પહેલાં જ સરકારનું આ પ્રકારનું નિવેદન એ અનેક તર્ક વિતર્ક ઉભા કરે છે. સૌથી મોટો સવાલ એ પણ થાય છેકે, શું ગુજરાત સરકાર વિપરિત પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ છે ખરાં?
ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે વિનાશક વાવાઝોડુઃ
બિપરજોય વાવાઝોડુ ખુબ જ ઝડપથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. પવનની ગતિ અને વાવાઝોડાનો વ્યાપ ખુબ જ વધારે છે. હવામાન વિભાગ અને નિષ્ણાતો પણ બિપરજોયને તાઉતે કરતા પણ ખતરનાક ગણાવી રહ્યાં છે. જેને કારણે ગુજરાતના માથે મોટું જોખમ તોળાઈ રહ્યું છે. જોકે, આવી પરિસ્થિતિમાં સરકારે દરેકને સાચવવાના હોય છે. આવી પરિસ્થિતિમાં સરકારે દરેકનું રક્ષણ કરવાનું હોય છે. જેના બદલે હાલ ગુજરાત સરકારના એક મંત્રીના નિવેદનને પગલે હડકંપ મચી ગયો છે. આ નિવેદન આપ્યું છે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે. ઉલ્લેખનીય છેકે, ગુજરાત સરકારે બિપરજોય વાવાઝોડાની ગંભીરતાને ધ્યાને લઈને સરકારના વિવિધ મંત્રીઓને જુદા જુદા સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓની સાચવણીને જવાબદારી સોંપી છે. જેમાં રાજ્યના સૌથી મોટા કચ્છ જિલ્લાની જવાબદારી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને સોંપવામાં આવી છે.
'ઝીરો કેજ્યુલિટી થાય તેવો સરકારનો પ્રયાસ'
ઋષિકેશ પટેલે કચ્છમાં પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું છેકે, વાવાઝોડાથી ઓછામાં ઓછા માણસો અને ઢોરનું મૃત્યુ થાય એ માટે તૈયારી કરી છે. પશુ કે માનવો, એકપણ મૃત્યુ ના થાય એની ચિંતા સરકાર કરી રહી છે. મોટા નુકસાનની શક્યતા છે. 9 જિલ્લામાં મંત્રીઓ સહિતની ટીમો મુકાઈ છે. સરકાર પોતાના તમામ વિભાગોના અધિકારીઓ સાથે કામે લાગી છે. વાવાઝોડુ આવશે તેનો અને તેના પછી આવનારી વિપદા માટે નો એક્શન પ્લાન તૈયાર છે. લોકોએ પણ પોતાના પરિવારને બચાવવા પ્રયાસ કરવાનો છે. સાયક્લોન દરમિયાન લોકો પોતાની, પોતાના બાળકોની અને પોતાના માતા-પિતાની જાન બચાવે. સ્થળાંતર માટે લોકો સરકારને સહકાર આપે. વાવાઝોડાની તીવ્રતા, પવની તીવ્રતા દર વખત કરતા ખુબ વધારે છે. અરે મંત્રી સાહેબ... જીવાડવાળો અને મારવાવાળો તો ઉપર બેઠો છે તમારે તો બચાવવાના હોય, એડવાન્સમાં તો મોતની આગાહીઓ ના કરો. આ નિવેદનનો અર્થ શું સમજવો એ પણ એક મોટો સવાલ છે. મહત્ત્વનું છેકે, વાવાઝોડાની અસરના પગલે ભૂજમાં દિવાલ પડવાને કારણે અત્યાર સુધીમાં બે લોકોના મોત થઈ ચુક્યા છે.
કચ્છમાં 8 હજારથી વધારે લોકોનું સ્થળાંતરઃ
કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાએ માહિતી આપી હતીકે, કચ્છમાંથી વાવાઝોડાની સ્થિતિને પગલે અત્યાર સુધીમાં 8 હજારથી વધારે લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છેકે, ગુજરાતના માથે વાવાઝોડા બિપરજોયનું જોખમ તોળાઈ રહ્યું છે. જો કે એક રાહતની વાત એ પણ છે કે આ વાવાઝોડાની કેટેગરી પાછી બદલાઈ છે. બિપરજોય હવે એક્સટ્રીમલી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાંથી વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાં પરિવર્તિત થયું છે. પરંતુ આમ છતાં તેની અસરની સંભાવના હજી પણ યથાવત છે. સાયક્લોન હાલ પોરબંદરથી 290 કિમિ , દેવભૂમિ દ્વારકાથી 300 કિમિ , જખૌ થી 360 કિમિ અને નલિયા થી 370 કિમિ દૂર છે. 13 થી 15 જૂન દરમ્યાન દરિયાઈ વિસ્તારોમાં અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. આ બધા વચ્ચે હજુ પણ એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે કે વાવાજોડું બિપરજોય થોડા સમય પહેલા ગુજરાતની હચમચાવી નાખનારા તૌકતે વાવાઝોડા જેટલી જ તારાજી સર્જે તેવી શક્યતા છે. વર્ષ 2021માં આવેલું તૌકતે નામનું વાવાઝોડું ગુજરાતમાં 11 હજાર કરોડનું નુકસાન કરી ગયું હતું.
અત્યાર સુધીનું સૌથી ભયાનક વાવાઝોડુઃ
બિપરજોય નામનું આ વાવાઝોડું તૌકતે જેવું જ ભયાનક હોવાનું હવામાન ખાતાના વૈજ્ઞાનિક મનોરમા મોહન્તિએ જણાવ્યું હતું. અત્રે જણાવવાનું કે વર્ષ 2021માં આવેલા આ વાવાઝોડાએ ગુજરાતમાં 11 હજાર કરોડનું નુકસાન કર્યું હતું. તે સમયે મે મહિનામાં અરબી સમુદ્રમાં તૌકતે વાવાઝોડું સર્જાયું હતું અને 17મી મેના રોજ ગુજરાતના ઉના અને વેરાવળના દરિયાકાંઠા વચ્ચે લેન્ડફોલ થયું હતું. તે વખતે પવનની ઝડપ કલાકના 180 કિમી સુધી પહોંચી હતી. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં પવન અને વરસાદે નુકસાન સર્જ્યું હતું. અંદાજે 45 લોકોએ જીવ પણ ગુમાવ્યા હતા. તૌકતેએ તે સમયે કૃષિ-બાગાયત, મેરિટાઈમ, પંચાયત, પાણી પૂરવઠો, માર્ગ-મકાન, શહેરી વિકાસ, વન, શિક્ષણ જેવા વિભાગોમાં નુકસાન કર્યું હતું. 23 જિલ્લાઓમાં વિનાશ વેરાયો હતો. 17મીએ ત્રાટકેલા આ વાવાઝોડાએ 28 કલાક સુધી ગુજરાતને ધમરોળ્યું હતું. સૌથી વધુ નુકસાન અમરેલી, ગિર, સોમનાથ, ભાવનગર અને જૂનાગઢમાં જોવા મળ્યું હતું.
ક્યાં-ક્યાં સર્જાઈ શકે છે તારાજી?
આ વખતે પણ બિપરજોય વાવાઝોડાથી સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, મોરબી, જૂનાગઢ અને કચ્છ વિસ્તારોમાં તારાજી સર્જાય તેવા સંકેતો મળી રહ્યા છે. તૌકતે વખતે પણ હવામાન વિભાગ દ્વારા વેરાવળ જાફરાબાદ બંદર પર 10 નંબરનું સિગ્નલ મુકાયું હતું. આ વખતે પણ અનેક બંદરો પર 10 નંબરનું સિગ્નલ લાગ્યું છે.
સાત જિલ્લાઓમાં ગુરુવારે (15 તારીખે) આ પ્રકારનું નુકસાન થઈ શકે:
કાચા મકાનો સંપૂર્ણ ધરાશાયી થઈ શકે છે અને પાકા મકાનોને પણ નુકસાન થઈ શકે. આ ઉપરાંત કોઈ પણ ઉડતી વસ્તુ ઉપર મોટું જોખમ., હોર્ડિંગ બોર્ડ, છાપરા ધસી પડી શકે છે. વિજળી અને મોબાઈલ ટાવર ધરાશાયી થઈ શકે. વિજપૂરવઠો ખોરવાઈ શકે. કચ્છ-સૌરાષ્ટ્રના કાંઠાળા તથા નીચાણવાળા વિસ્તારોમાં પૂર આવી શકે. રસ્તા પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ થાય. ઊભા પાક, છોડવા, વૃક્ષો પડી શકે. હોડી વગેરે દરિયામાં તણાઈ શકે છે. દરિયાના પાણી જમીન પર ધસીને વસ્તુ, વ્યક્તિને ખેંચી જઈ શકે છે. ભારે વરસાદથી જળબંબાકાર થઈ શકે છે.
કચ્છ ઉપરાંત આ જિલ્લાઓ પર જોખમ:
- કચ્છ
- દેવભૂમિ દ્વારકા
- પોરબંદર
- મોરબી
- જામનગર
- રાજકોટ
- જૂનાગઢ