Bird Flu ની દહેશત વચ્ચે ગુજરાતમાં 140 પક્ષી મર્યાં, સોમનાથમાં પક્ષીઓને ગાંઠિયા ખવડાવવા પર પ્રતિબંધ
- વઘઈ ખાતે સરકારી ખેતીવાડી હાઈસ્કૂલની સામે કાગડા મૃત હાલતમાં મળી આવ્યા
- તકેદારી માટે કાંકરિયા ઝૂનો પક્ષી વિભાગ બંધ કરાયો
- સોમનાથ ત્રિવેણી ઘાટ પર પક્ષીઓને ગાંઠિયા સહિત તરલ ખાદ્યપદાર્થો ખવડાવવા પર પ્રતિબંધ મૂકાયો
ઝી મીડિયા/બ્યૂરો :રાજ્યાં બર્ડ ફ્લૂ (Bird Flu) ની દહેશત વચ્ચે અત્યાર સુધીમાં 140 પક્ષીઓના શંકાસ્પદ મોત થયા છે. જૂનાગઢના માંગરોળમાં 70 અને રાજપીપળામાં 6 કાગડાના મોત થયા છે. સાથે જ જૂનાગઢમાં 6 બગલા અને ડોળાસામાં 3 વિદેશી પક્ષીનાં પણ મોત થયાં હતાં. તો અંજારના ભીમાસરમાં કૂવામાંથી 45 જેટલા રણકાગડા મૃત હાલતમાં મળી આવ્યા હતા. આ ઉપરાંત આજે સવારે ડાંગમાં પણ 10 કાગડાના મોત થયા છે. જેની જાણ કરાતાં વનવિભાગનો સ્ટાફ અને પશુવાનના તબીબો આવ્યા હતા. ફોરેસ્ટના કર્મચારીઓ મૃત પક્ષીઓના સેમ્પલ લઈ ટેસ્ટ માટે મોકલ્યા છે. જેનો રિપોર્ટ હજુ આવ્યો નથી. પરંતુ સાવચેતીના ભાગ રૂપે હાલ રાજ્યના પોલ્ટ્રી ફાર્મમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સાથે જ રાજ્યનાં વિવિધ પક્ષી અભયારણ્ય પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યાં છે.
ડાંગમાં 10 કાગડાના મોત
વઘઈ ખાતે 10 કાગડાના ભેદી મોત થયા છે. સરકારી ખેતીવાડી હાઈસ્કૂલની સામે કાગડા મૃત હાલતમાં મળી આવ્યા છે. ત્યારે સ્થાનિક લોકોમાં બર્ડ ફ્લૂની દહેશત વચ્ચે કાગડાના મોતથી લોકોમાં ભય ફેલાયો છે. વનવિભાગ દ્વારા મૃત કાગડાના સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલ્યા છે.
અમદાવાદના કાંકરિયા ઝૂનું પક્ષી વિભાગ બંધ કરાયું
અમદાવાદમાં બર્ડ ફ્લૂના સંભવિત ખતરાને લઈ એએમસી તંત્ર એલર્ટમાં આવ્યું છે. તકેદારી માટે કાંકરિયા ઝૂનો પક્ષી વિભાગ બંધ કરાયો છે. મુલાકાતીઓને પક્ષી વિભાગમાં જવાની મંજૂરી આપવામાં નહિ આવે. હાલ ઝુમાં 1200 જેટલા વિવિધ પક્ષીઓ છે. ફક્ત તકેદારી માટે નિર્ણય લેવાયો હોવાનું ઝુ ડાયરેક્ટરે જણાવ્યું છે.
અંજામ 40 પક્ષી મૃત મળ્યાં
અંજાર તાલુકાના ભીમાસર ગામના તળાવમાંથી મોટી સંખ્યામાં પક્ષીઓના મૃતદેહ મળી આવ્યા છે. 30 થી 40 જેટલા જળચર પક્ષીઓ મૃત હાલતમાં મળી આવતા લોકોમાં ભય ફેલાયો છે. સ્થાનિક લોકોએ તંત્રનું ધ્યાન દોરતા કાર્યવાહી કરવામાં આવે છે. હાલમાં બર્ડ ફલૂ વાયરસની દહેશત વચ્ચે પક્ષીઓના મોતથી લોકોમાં ભય ફેલાયો છે. વનવિભાગ અને પશુ વિભાગ દ્વારા એક પક્ષીના સેમ્પલ લઈ લેબમાં મોકલવાની તજવીજ હાથ ધરી છે. બાકીના પક્ષીઓના મૃતદેહનો ગ્રામજનો દ્વારા અંતિમ સંસ્કાર કર્યા હતા.
સોમનાથમાં પક્ષીઓને ગાંઠિયા ખવડાવવા પર પ્રતિબંધ
ગીર સોમનાથનું વન વિભાગ સોરઠમાં બર્ડફ્લૂની દહેશતના પગલે તંત્ર સતર્ક બન્યું છે. વન વિભાગ દ્વારા રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ શરૂ કરાયું છે. સોમનાથ ત્રિવેણી ઘાટ પર પક્ષીઓને ગાંઠિયા સહિત તરલ ખાદ્યપદાર્થો ખવડાવવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. શિયાળામાં સોમનાથ ત્રિવેણી સંગમ, સુત્રાપાડાના ધામળેજ, લોઢવા બંધારા પર મોટાપ્રમાણમાં વિદેશી પક્ષીઓ મહેમાન બને છે. ત્યારે ચોરવાડથી મૂળ દ્વારકા સુધીની 11 વેટલાઈનો (ખાડીઓ) સહિત ના તમામ સ્થળોએ વન વિભાગ દ્વારા પેટ્રોલિંગ સઘન બનાવાયું છે.
રાજપીપળાથી 6 કાગડાના મૃતદેહ મળ્યાં
ગુજરાતમાં બર્ડ ફલૂની દહેશતના પગલે નર્મદા જિલ્લા તંત્ર પણ સાવધાન બન્યું છે. કારણ કે ગત 6 તારીખે જિલ્લાના મુખ્ય મથક રાજપીપળાથી 6 કાગડાના મૃતદેહ મળી આવ્યા હતા અને તેના કારણે જ જિલ્લા પંચાયત નર્મદાના નાયબ પશુ નિયામકની ટીમે રાજપીપળા અને નર્મદા જિલ્લામાં આવેલ પોલ્ટ્રી ફાર્મ અને મરઘાં વેચાણ કેન્દ્રોની મુલાકાત લીધી. જ્યાં આ રોગ સામે રક્ષણ મેળવવા જરૂરી સલાહ સૂચન આપવામાં આવ્યા હતા. જિલ્લામાંથી મળેલ 6 કાગડાના મૃતદેને પોસ્ટમોર્ટમ કરી તેના સેમ્પલ ભોપાલ મોકલવામાં આવ્યા છે અને રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.
ગુજરાતમાં બર્ડ ફ્લૂનો પ્રથમ કેસ નોંધતા જૂનાગઢનું તંત્ર એક્શનમા આવ્યું છે. જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રાલયના પક્ષી વિભાગને બંધ કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા અન્ય સૂચના ન આવે ત્યાં સુધી પક્ષી વિભાગને બંધ કરવાનો નિર્ણય કર્યો છે. બર્ડ ફ્લૂની દહેશતથી તકેદારીના ભાગરૂપે પક્ષી વિભાગમાં પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સાથે બર્ડ ફ્લૂથી બચવા પક્ષીઓના પાંજરાને ગ્રેન નેટથી ઢાંકવામાં આવ્યા છે અને પક્ષી વિભાગના કર્મચારીઓએ પીપીઈ કીટ પહેરીને જ પાંજરામાં પ્રવેશવા આદેશ કરાયો છે. મહત્વનું છે કે, હાલ જુનાગઢમાં કોઈ બર્ડ ફ્લૂનો કેસ નથી નોંધાયો. પરંતુ તેકેદારીના ભાગ રૂપે અત્યારથી તંત્ર કામગીરી શરૂ કરી છે.