રાજનીતિના પાકા ખેલાડી ભરતસિંહ, જગદીશ ઠાકોર ક્રિકેટની પીચ પર સાધારણ દેખાયા, પણ રાજનીતિમાં જમાવટ...
ભારતમાં યુવાઓની સૌથી લોકપ્રિય રમત ક્રિકેટ છે. આ રમત થકી જ યુવાઓને પક્ષ કે વિચારધારા સાથે જોડવાનો પ્રયત્ન ભાજપ અને કોંગ્રેસ સમયાંતરે કરતા રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ ગાંધીનગર લોકસભા પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજનની જાહેરાત કરી છે..
ગૌરવ પટેલ/અમદાવાદ: કોંગ્રેસથી વિમુખ થયેલા યુવાનોને ભારતની સૌથી લોકપ્રિય રમત ક્રિકેટ થકી પક્ષ સાથે જોડવાનો ગુજરાત કોંગ્રેસે પ્રયત્ન શરૂ કર્યો છે. અમદાવાદમાં રાહુલ ગાંધી પ્રિમિયર લીગ ટુર્નામેન્ટની શરૂઆત કરી રમતના માધ્યમથી યુવાઓ સુધી પહોંચવાનું આયોજન કોંગ્રેસ પાર્ટીએ કર્યું છે. પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે ટુર્નામેન્ટની શરૂઆત કરાવી યુવાઓના સામર્થ્યને બહાર લાવવા કોંગ્રેસ જરૂરી મદદ આપશે તેવુ આશ્વાસન આપ્યું છે.
ભારતમાં યુવાઓની સૌથી લોકપ્રિય રમત ક્રિકેટ છે. આ રમત થકી જ યુવાઓને પક્ષ કે વિચારધારા સાથે જોડવાનો પ્રયત્ન ભાજપ અને કોંગ્રેસ સમયાંતરે કરતા રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ ગાંધીનગર લોકસભા પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજનની જાહેરાત કરી છે તો બીજી તરફ કોંગ્રેસે અમદાવાદમાં રાહુલ ગાંધી પ્રીમિયર લીગની શરૂઆત કરી દીધી છે. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, ભરતસિંહ સોલંકી સહિતના નેતાઓએ ઉપસ્થિત રહી ટુર્નામેન્ટની શરૂઆત કરાવી ક્રિકેટ પર હાથ પણ અજમાવ્યો હતો. રાજનીતિના પાકા ખેલાડી ભરતસિંહ અને જગદીશ ઠાકોર ક્રિકેટની પીચ પર સાધારણ દેખાયા, પરંતુ દ્રષ્ટિ રાજનીતિની પીચ પર જમાવટની જણાઈ.
કોંગ્રેસે અમદાવાદમાં શરૂ કરેલ રાહુલ ગાંધી પ્રીમિયર લીગમાં 24 ટીમો ભાગ લઇ રહી છે.. જેમાંથી વિજેતા ટીમને ત્રણ લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી સોશિયલ મીડિયા ઇન્ચાર્જ રોહન ગુપ્તા આર જી ટુર્નામેન્ટ નું સંચાલન કરી રહ્યા છે અને એમનો દાવો છે કે કોંગ્રેસ હંમેશા યુવાઓને જોડવાનું કામ કરે છે.. પછી એ વિચારસરણીથી હોય કે રમતથી હોય.
અમદાવાદથી રાહુલ ગાંધી ક્રિકેટ ટૂર્નામેન્ટની સફળતા બાદ રાજ્યના અલગ અલગ જિલ્લાઓ અને સમગ્ર દેશમાં ક્રિકેટ થકી યુવાઓને કોંગ્રેસ સાથે જોડવાનું આયોજન કરાઇ રહ્યું છે. તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટી પણ ગાંધીનગર લોકસભા બેઠકમાં આવતી તમામ વિધાનસભા બેઠક દીઠ ક્રિકેટ ટુર્નામેન્ટ તેમજ કબડી મેચ થકી યુવાઓને જોડવા પ્રયત્ન થઈ રહ્યા છે. ચૂંટનીના વર્ષમાં રાજકીય પાર્ટીઓ યુવાઓને રમતની પીચ પર ખેંચી આવી છે.