Loksabha Election 2024: લોકસભા ચૂંટણીમાં ભાજપે ઉમેદવાર જાહેર કર્યા ત્યારપછી બે બેઠક પર ઉમેદવારને બદલી પણ નાંખ્યા પરંતુ વિરોધનો વંટોળ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. ખાસ સાબરકાંઠામાં ભીખાજી ઠાકોરને પહેલા ટિકિટ આપવામાં આવી, ત્યારપછી મૂળ કોંગ્રેસી શોભના બારૈયાને ટિકિટ અપાતા આકરો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે ભાજપના મોટા નેતાઓ હિંમતનગર પહોંચ્યા હતા. જ્યાં તેમણે બંધબારણે બેઠક કરી કેટલીક મહત્વની ચર્ચાઓ કરી છે. બેઠકમાં શું થયું?


  • સાબરકાંઠામાં વિરોધનો વંટોળ થશે શાંત?

  • આક્રોશિત કાર્યકર્તાઓ થઈ ગયા મેનેજ?

  • કેમ ભાજપના મોટા નેતાઓ પહોંચ્યા સાબરકાંઠા?

  • બંધ બારણે થયેલી બેઠકમાં શું રંધાયું?

  • બેઠકમાં ડેમેજ કંટ્રોલ કે પછી કંઈક નવું?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકસભાની ચૂંટણીમાં ગુજરાત ભાજપમાં વિરોધનો વંટોળ કદાચ આટલો પહેલી વખત જોવા મળ્યો છે. અને તેથી જ ભાજપે જાહેર કરેલા પોતાના બે ઉમેદવાર બદલવા પડ્યા. ભાજપનો ઈતિહાસ રહ્યો છે કે એકવાર જાહેરાત પછી ઉમેદવારોને બદલવામાં નથી આવતા...પરંતુ વડોદરા અને સાબરકાંઠામાં પહેલી વખત આવું બન્યું અને ઈતિહાસ રચાઈ ગયો. પરંતુ સાબરકાંઠામાં તો ભાજપે ઉમેદવાર બદલીને જાણે ભૂલ કરી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જે પહેલા જાહેર કર્યા હતા તે ઉમેદવાર વખતે વિરોધ નહતો તેટલો વિરોધ બીજા ઉમેદવારમાં જોવા મળી રહ્યો છે. તેનું ઉચિત કારણ પણ છે. કારણ કે 2022માં જ કોંગ્રેસમાંથી આવીને કેસરિયો કરનારા મહેન્દ્રસિંહ બારૈયાના પત્નીને ભાજપે ટિકિટ આપી છે અને તેથી જ ભાજપના કાર્યકરો આક્રોશિત છે. 


વિરોધનો વંટોળ વધી ગયો છે અને સ્થિતિ હાથમાંથી જતી રહે તે પહેલા ભાજપે ડેમેજ કંટ્રોલ શરૂ કરી દીધું છે. રાજ્ય સરકારના બે મંત્રીઓ વડામથક હિંમતનગર પહોંચ્યા છે. જ્યાં તેમણે જિલ્લા સંગઠન, જિલ્લા તથા તાલુકા પંચાયતના સભ્યો સાથે બંધ બારણે ચર્ચા કરી હતી. હર્ષ સંઘવી અને ભીખુસિંહ પરમારે બંધ બારણે યોજેલી આ બેઠકમાં અનેક મુદ્દે ચર્ચા થઈ છે. પરંતુ તેની સ્પષ્ટ વાત બહાર આવી નથી. જો કે ચર્ચાઓ એવી પણ શરૂ થઈ છે કે ભાજપે કેટલાક યોગ્ય નેતાઓને સેન્સ લેવા માટે બોલાવ્યા હતા. અને એવી પણ ચર્ચાઓ શરૂ થઈ છે કે ભાજપે સાબરકાંઠા માટે ત્રીજા ઉમેદવારની શોધ શરૂ કરી છે. આંતરિક વિરોધ એટલો વધી ગયો છે કે ભાજપ ભીખાજી ઠાકોર પછી શોભના બારૈયા અને બારૈયા પછી કોઈ નવા જ ચહેરાને ચૂંટણી લડાવે તો નવાઈ નહીં...જો કે આ મામલે કોઈ કંઈ ખુલીને બોલવા તૈયાર નથી. પરંતુ જિલ્લા ભાજપ અધ્યક્ષે આ બેઠકમાં થયેલી ચર્ચા વિશે માત્ર એટલું કહ્યું કે, કાર્યકર્તાઓનું મનોબળ વધારવા અને માર્ગદર્શન આપવા માટે બે મંત્રીઓ આવ્યા હતા.


  • સાબરકાંઠામાં શું થઈ રહી છે ચર્ચાઓ?

  • ભાજપે કેટલાક યોગ્ય નેતાઓને સેન્સ લેવા માટે બોલાવ્યા હતા

  • ભાજપે સાબરકાંઠા માટે ત્રીજા ઉમેદવારની શોધ શરૂ કરી છે

  • ભીખાજી ઠાકોર, શોભના બારૈયા પછી કોઈ નવો ચહેરો આવે તો નવાઈ નહીં


તો જ્યારે જિલ્લા ભાજપ પ્રમુખને એવું પૂછવામાં આવ્યું કે, શું ભાજપ ઉમેદવાર બદલવાની તૈયારી કરી રહ્યું છે તો તેમણે સ્પષ્ટ ના પાડી દીધી અને આવી કોઈ વાત નથી તેવું કહ્યું. ભાજપમાં ક્યારે શું થાય તેની જાણ જિલ્લા પ્રમુખને હોય ખરાં?...પ્રદેશની પણ નેતાગીરી અજાણ હોય અને ઉમેદવાર બદલાઈ જાય છે. તો પછી જિલ્લા પ્રમુખ શું જાણે? ખેર જે હોય તે...પરંતુ સાબરકાંઠા ભાજપમાં વિરોધનો વંટોળ ખુબ જ જોરદાર છે. જો ભાજપ ડેમેજ કંટ્રોલ ન કરે મોટી નુકસાની વેઠવી પડી શકે તેમ છે. તેથી જ મોટા નેતાઓએ સાબરકાંઠા સુધી લાંબુ થવું પડ્યું છે. ત્યારે જોવાનું રહેશે કે આગળ આગળ શું થાય છે?