ચૈતર વસાવાનો ભાજપે શોધી લીધો તોડ, કેજરીવાલ અને ઈસુદાનના ગણિતો ખોરવાશે
Lok Sabha Election 2024: ભાજપની ગાંધીનગરમાં વેલકમ પાર્ટી! લોકસભાની ચૂંટણી પહેલા ભરૂચ બેઠક ચર્ચામાં આવી છે. કોંગ્રેસના ચાણક્ય ગણાતા અહેમદ પટેલે ખૂબ નાની ઉંમરે આ બેઠક જીતીને હેટ્રિક ફટકારી હતી, પરંતુ 1989ની ચૂંટણીમાં ભાજપની હાર બાદ તેઓ ફરીથી રાજ્યસભામાં ચૂંટાવા લાગ્યા હતા. ભરૂચ એ ગુજરાતની એક બેઠક છે જે હિન્દુત્વના ગઢના કેન્દ્ર તરીકે જોવામાં આવે છે.
Lok Sabha Election 2024: હવે ભાજપે ભરૂચ બેઠક પર AAPનો તોડ કાઢી લીધો છે. ભાજપ આદીવાસી નેતા મહેશ વસાવા માટે ગાંધીનગરમાં વેલકમ પાર્ટી યોજી હતી. ભાજપે મહેશ વસાવાને ભાજપમાં લઈ ચૈતર વસાવાનો તોડ શોધી લીધો છે. પિતાની નારાજગી વચ્ચે દીકરાએ ભાજપમાં જવાનો નિર્ણય લીધો છે. આદિવાસીઓમાં મહેશ વસાવા એ ભાઈ અને છોટુ વસાવા એ દાદા તરીકે લોકપ્રિય છે. ચૈતર વસાવાએ પણ આમની આંગળી પકડીને રાજકારણમાં પ્રવેશ કર્યો છે. હાલમાં ભરૂચ લોકસભા બેઠક પર 7માંથી 6 સીટો ભાજપ પાસે છે. જે બેઠક પરથી ચૈતર વસાવા જીત્યા છે એજ બેઠક મહેશ વસાવાનો ગઢ રહી છે. આદિવાસી બેલ્ટ પર છોટુ વસાવા અને મહેશ વસાવાનું પ્રભુત્વ છે. આમ ભાજપે ચૈતરને હરાવવા માટે તોડ શોધી લીધો છે. જે આપને ભારે પડી શકે છે. કેજરીવાલે ઈસુદાનના ભરોસે ગુજરાતમાં કોંગ્રેસ સાથે સોદો કર્યો છે. હવે આ સોદો ભારે પડે તેવી સંભાવના છે.
ભાજપ 35 વર્ષથી સત્તામાં છે-
ભરૂચ લોકસભા બેઠક 1989થી ભાજપ પાસે છે. પાર્ટી છેલ્લા 35 વર્ષથી સતત આ સીટ જીતી રહી છે. આદિવાસી નેતા મનસુખ વસાવા અહીંથી સતત છઠ્ઠી વખત સાંસદ છે. હવે અહેમદ પટેલના સંતાનોને સાઈડલાઈન કરી કોંગ્રેસે આ બેઠક આપને આપી દીધી છે. ભરૂચ લોકસભા બેઠક પરથી જ્યાં મુમતાઝ પટેલે અને ફૈઝલે ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને તેઓએ પ્રચાર પણ શરૂ કર્યો હતો પણ હવે આ સીટ આપને ફાળે ગઈ છે. સ્થાનિક કોંગ્રેસે પણ આ સીટ આપને ન સોંપવા કરેલી રજૂઆતોને સાઈડલાઈન કરી છે. હવે સવાલ એ છે કે સ્થાનિક કોંગ્રેસ અને અહેમદ પટેલનો પરિવાર આ સીટ પર આપને મદદ કરશે કે કેમ? સ્થાનિક કોંગ્રેસને આપને મદદરૂપ ના થાય તો આ સીટ પર ગઠબંધનનો કોઈ મતલબ નથી. ગુજરાતની ભરૂચ લોકસભા બેઠક પર ભાજપનો કબજો છે. વરિષ્ઠ આદિવાસી નેતા મનસુખ વસાવા અહીંથી સાંસદ છે. આ બેઠક હવે આમ આદમી પાર્ટીને આ ભેટમાં ધરી દેવાઈ છે. આપના સંદીપ પાઠકે એડવાન્સમાં જાહેરાત કરી દીધી છે કે ગુજરાતમાં પહેલી લોકસભા બેઠક ભાજપ ચૈતર વસાવા સામે હારી રહી છે. ભાજપ માટે પણ આ નાકનો સવાલ છે. અહીં ભાજપે મનસુખ વસાવાને રિપિટ કર્યા છે.
કોંગ્રેસના પ્રભુત્વવાળી બેઠક હાલમાં ભાજપનો ગઢ-
લોકસભાની ચૂંટણી પહેલા ભરૂચ બેઠક ચર્ચામાં આવી છે. કોંગ્રેસના ચાણક્ય ગણાતા અહેમદ પટેલે ખૂબ નાની ઉંમરે આ બેઠક જીતીને હેટ્રિક ફટકારી હતી, પરંતુ 1989ની ચૂંટણીમાં ભાજપની હાર બાદ તેઓ ફરીથી રાજ્યસભામાં ચૂંટાવા લાગ્યા હતા. ભરૂચ એ ગુજરાતની એક બેઠક છે જે હિન્દુત્વના ગઢના કેન્દ્ર તરીકે જોવામાં આવે છે. ભરૂચમાં 1984થી ભાજપે માત્ર લોકસભાની બેઠક જ નહીં પરંતુ વિધાનસભાની બેઠકો પર પણ પ્રભુત્વ જમાવ્યું છે પરતું આ લોકસભામાં માહોલ થોડો અલગ છે. જેનો ડર ભાજપને પણ છે. આમ છતાં પાર્ટીએ દરેક બેઠક 5 લાખની લીડથી જીતવાના સંકલ્પ સાથે ચૂંટણી મેદાનમાં ઝંપલાવી દીધું છે.
દીકરાના નિર્ણયથી પિતા છોટુ વસાવા નારાજ!
ગુજરાતના આદીવાસી વિસ્તારની રાજનીતિમાં (Gujarat Politics) મહેશ વસાવાનો આ નિર્ણય ખૂબ જ મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. ત્યારે હવે આવનાર સમયમાં રાજ્યની આદિવાસી વિસ્તારની રાજનીતિમાં કેવા ફેરફાર થશે તે જોવાનું રહેશે. મહેશ વસાવા ભારતીય ટ્રાયબલ પાર્ટીના (BTP) રાષ્ટ્રીય અધ્યક્ષ અને ડેડીયાપાડાના (Dediapada) માજી ધારાસભ્ય છે. તેમના પિતા છોટુ વસાવા (Chhotu Vasava) ગુજરાતના ટ્રાયબલ બેલ્ટની નેતાગીરીમાં મોટું નામ અને પ્રભુત્વ ધરાવે છે. આ બેલ્ટ પર છોટુ વસવાનું એકહથ્થુ રાજ રહ્યું છે. પરંતુ, હવે દીકરા મહેશ વસાવાના બીજેપીમાં (BJP) સામેલ થવાના નિર્ણયથી છોટુ વસાવામાં નારાજગી જોવા મળી રહી છે. હવે છોટુ વસાવા BTP પાર્ટીમાં નહીં રહે અને તેઓ નવી પાર્ટી ઊભી કરી શકે છે.
ભરૂચમાં 7 વિધાનસભામાંથી 6 ભાજપ પાસે છે-
લોકસભાની ચૂંટણી લઈ ભાજપએ ભરૂચ બેઠક પર આમ આદમી પાર્ટી ઉમેદવાર ચૈતર વસાવા સામે મજબૂત ટક્કર લેવા માટે રાજકીય ચોગઠા ગોઠવવાનું શરૂ કરી દીધું છે. જેનો માસ્ટર સ્ટોક પ્રથમ મહેશ વસાવાને ભાજપમાં લઈ જવાનું છે. અત્રે જણાવીએ કે, ભરૂચમાં 7 વિધાનસભામાંથી 6 ભાજપ પાસે છે. ત્યારે એક ડેડિપાડા બેઠક પર આપનો પ્રભાવ છે અને જ્યાં ટક્કર લેવા માટે મહેશ વસાવાને ભાજપમાં ભેળવી દેવાયા છે.
વર્ષ 2017માં મહેશ વસાવા જીત્યા હતા-
દક્ષિણ ગુજરાતના ડાંગથી ઉત્તર ગુજરાતના દાંતા સુધીના બેલ્ટમાં આદિવાસીઓની એક કરોડ જેવી વસ્તી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આદિવાસી મતદારો નિર્ણાયક સાબિત થાય છે. જેથી તમામ રાજકીય પક્ષોએ આદિવાસી મતદારોને આકર્ષવા માટે આ વિસ્તારોમાં પ્રચંડ પ્રચાર કર્યો હતો. દેડિયાપાડાની ગત ચૂંટણી વિશે વાત કરીએ તો 2017માં અહીં ભાજપ કે કોંગ્રેસની BTPના ઉમેદવાર જીત્યા હતા. બીટીપીના મહેશ વસાવા ગત ટર્મમાં જીત્યા હતા. મહેશભાઈ વસાવાએ ભારતીય જનતા પાર્ટીના મોતીલાલ વસાવાને 21,751 મતોથી મ્હાત આપી હતી. 2012માં આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર મોતીલાલ વસાવા જીત્યા હતા.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ડેડિયાપાડ બેઠક પર 2019માં ચતુષ્કોણીય જંગ જામ્યો હતો. આ બેઠક પર ભાજપે હિતેશ વસાવા પર વિશ્વાસ મૂક્યો હતો. જ્યારે કોંગ્રેસે જેરમાબેન વસાવાને ટિકિટ આપી હતી. આમ આદમી પાર્ટીએ ચૈતર વસાવાને અને BTP (ભારતીય ટ્રાયબલ પાર્ટી)એ બહાદુરસિંહ વસાવાને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. જોકે, ચૈતર વસાવા વિજેતા થયા હતા. જેઓ હાલમાં આપના લોકસભાના ઉમેદવાર છે.