વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપમાં ફેરફાર: વિજય રૂપાણી-નીતિન પટેલને ફરી મળ્યું મોટું પદ
Gujarat Election 2022: ભાજપે વિધાનસભા ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે, જેના ભાગરૂપે આજે સાંજે ભાજપની કોર કમિટીની બેઠક મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને કોર કમિટીની બેઠક મળવાની છે.
ઝી ન્યૂઝ/ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણીને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ગઈકાલે ભાજપે સમગ્ર દેશમાં પહેલો પ્રયોગ ગુજરાતમાં કર્યો છે, એટલે કે સરકારના 2 મંત્રીઓના ખાતા છીનવી લીધા હતા. ત્યારબાદ આજે એક મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. આજે 6 સિનિયર નેતાઓને સંગઠનમાં મહત્વની જવાબદારી સોંપાઇ છે.
ભાજપે વિધાનસભા ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે, જેના ભાગરૂપે આજે સાંજે ભાજપની કોર કમિટીની બેઠક મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને કોર કમિટીની બેઠક મળવાની છે. જેમાં મુખ્યમંત્રી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ હાજર રહેશે. આ સિવાય કોર ગ્રુપના સભ્યો પણ બેઠકમાં હાજર રહેશે. વિધાનસભાની ચૂંટણી ટાણે ફરી સિનિયર નેતાઓને કોર ગ્રુપમાં સ્થાન અપાયું છે. અહીં બેઠકમાં ચૂંટણી લક્ષી રણનીતિ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે અને આગળની રણનીતિ ઘડવામાં આવશે. આ બેઠકમાં સરકાર અને સંગઠનની કામગીરીની પણ સમીક્ષા થશે.
આગામી વિધાનસભાની ચૂંટણી માટેના મુદ્દાઓ પર આજે સાંજે ગાંધીનગરમાં મંથન થશે. પરંતુ મહત્વપૂર્ણ વાત એવી છે કે 2 મંત્રીઓના ખાતા પરત લીધા બાદની સ્થિતિ અંગે ચર્ચા થશે અને કેન્દ્રીય નેતૃત્વનો મેસેજ પણ અપાશે. પ્રદેશની સ્થિતિનું આંકલન બેઠકમાં થશે. અહીં ઉમેરવાનું રહ્યું કે ભાજપની કોર કમિટીમાં પણ ફેરફાર કરાયો છે. જેમાં ફરીથી બે સિનિયર નેતાઓને કોર કમિટીમાં સમાવેશ કરાયો છે. એટલે કે વિજય રૂપાણી, નીતિન પટેલ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, આરસી ફળદુ તથા ભારતી બેન શિયાળનો કોર કમિટીમાં સમાવેશ કરાયો છે. આ પહેલા કોર કમિટીમાં 12 સભ્યો હતા.
મહત્વનું છે કે, ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ.સંતોષ ગુજરાતની મુલાકાતે આવેલા છે. ત્યારે ગાંધીનગરમાં પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર સાથે મુલાકાત કરી હતી. કમલમ ખાતે પણ બી.એલ.સંતોષના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. જેમાં કોર કમિટીના સભ્યો સાથે મંથન કરાયું હતું.
કોર કમિટિમાં 6 સિનિયર નેતાઓનો સમાવેશ
કોર કમિટીમાં 6 સિનિયર નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે. કોર કમિટીમાં વિજય રૂપાણી, નીતિન પટેલ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને ભરત બોધરાની એન્ટ્રી થઇ છે. તો આર.સી.ફળદુ અને ભારતીબેન શિયાળનો પણ સમાવેશ થયો છે. અગાઉ કોર કમિટીમાં 12 સભ્યો હતા. સી.આર.પાટીલ, ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી, જીતુ વાધાણી, શંકર ચૌધરી, ગણપત વસાવા, રંજન બેન ભટ્ટ અને 5 મહામંત્રીઓનો કોર કમિટીમાં સમાવેશ થયો હતો.
કોર કમિટીમાં કોણ કોણ સામેલ?
સી.આર. પાટીલ, ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી, વિજય રૂપાણી, નીતિન પટેલ, જીતુ વાઘાણી, શંકર ચૌધરી, ગણપત વસાવા, રંજન ભટ્ટ, રત્નાકર, પ્રદીપસિંહ વાઘેલા, ભાર્ગવ ભટ્ટ, વિનોદ ચાવડા, રજની પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ભરત બોઘરા, આર.સી. ફળદુ અને ભારતીબેન શિયાળ.
નોંધનીય છે કે, 2022ની ચૂંટણી પહેલા ભાજપમાં રાષ્ટ્રીય મહાસચિવ બી.એલ.સંતોષે કમલમ ખાતે સોશિયલ મીડિયા અને IT સેલના હોદ્દેદારો સાથે બેઠક યોજીને કામગીરીનો ચિતાર મેળવ્યો હતો. વર્તમાન સ્થતિમાં IT અને સોશિયલ મીડિયાની કામગીરીનું નિરિક્ષણ કર્યું અને કેવી તૈયારી તે અંગે ચર્ચા કરાઇ હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube