કિંજલ મિશ્રા/ગાંધીનગરઃ જસદણ બેઠકની પેટાચૂંટણી માટે ભાજપે એક બે નહીં પરંતુ 18 પદાધિકારીઓની ટીમની જાહેરાત કરી છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીએ સીએમ હાઉસમાં ચર્ચા કર્યા બાદ કમલમ ખાતે આ પદાધિકારીઓના નામની જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે, જસદણ કોંગ્રેસની પરંપરાગત બેઠક છે. ભાજપે કોળી ઉમેદવારને જીતાડવા માટે આ પ્લાન ઘડ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમિત શાહની પ્રદેશ સંગઠનની બેઠક બાદ તંત્ર અચાનક હરકતમાં આવી ગયુ છે. લોકસભાની બેઠક દીઠ પ્રભારી ઇન્ચાર્જ અને સહઇન્ચાર્જની જાહેરાત કરાયા બાદ શનિવારે કમલમ ખાતે જસદણની પેટાચૂંટણી માટે 18 હોદ્દેદારોની ટીમની જાહેરાત કરવામાં આવી હતી. આ માટે સીએમ હાઉસ ખાતે પહેલા ચર્ચા વિચારણા કરાઈ હતી. 


ભાજપ દ્વારા આ પ્રથમ વખત કોઇ પેટાચૂટંણી માટે આટલી મોટી ટીમની જાહેરાત કરવામાં આવી છે. તેના મુખ્ય 2 કારણ છે. જસદણ કોંગ્રેસની પરંપરાગત બેઠક છે, જયાં અત્યાર સુધી પ્રજાએ કોગ્રેસના પંજાને આવકાર્યો છે. કુંવરજી બાવળીયાને ભાજપ ભલે કોંગેસમાંથી પાર્ટીમાં લાવવામાં સફળ થયું હોય, પરંતુ પ્રજાનો મૂડ કોંગ્રેસ તરફી છે. તાજેતરમાં જ યોજાયેલી જસદણ તાલુકા પંચાયચની ચુંટણીમાં કોગ્રેસનો વિજય થયો હતો.


ભાજપમાં આંતરિક નારાજગી
કુંવરજી બાવળિયાને જે રીતે પક્ષમાં અને સરકારમાં વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી આપવામાં આવી હતી અને સીધું જ મંત્રીપદ સોંપી દેવાયું હતું તેને લઈને ભાજપમાં અંદરખાને સિનિયર નેતાઓથી માંડીને કાર્યકર્તાઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે


ભાજપની જંબો ટીમ અને જાતિ સમીકરણ


  • મોહન કુંડારીયા (કડવા પટેલ)

  • હિરાભાઇ સોલંકી (કોળી)

  • જયંતિ કવાડીયા (કડવા પટેલ)

  • કિરીટસિંહ રાણા (ક્ષત્રિય)

  • બાબુભાઇ જેબલિયા (કાઠી દરબાર)

  • ગોવિંદભાઇ પટેલ (લેઉઆ પટેલ)

  • આર. સી. મકવાણા (કોળી)

  • નિતિન ભારદ્નાજ (બ્રાહમણ)

  • રમેશ મોંગર 

  • જયંતિ ઢોલ (કડવા પટેલ) 

  • ભરત બોધરા (લેઉઆ પટેલ)

  • પ્રકાશ સોની (સોની)

  • સૌરભ પટેલ (મંત્રી- કડવા પટેલ) 

  • જયેશ રાદડીયા (મંત્રી- લેઉઆ પટેલ)


છેલ્લી વિધાનસભા ચૂંટણીના પરિણામ પર નજર 
કોંગેસનો સાથ છોડી ભાજપની ટિકિટ પર ચુંટણીના મેદાનમાં ઉતરેલા દિગ્ગજ નેતાઓને પ્રજાએ ઘર ભેગા કરી દીધા હતા. આવા સંજોગોમાં ડિસેમ્બરમાં યોજાનારી ચુટણીમાં જો કુંવરજી બાવળીયાની હાર થાય છે તો ભાજપના ચાલુ મિનિસ્ટર હાર્યાનો કોંગ્રેસ ઇતિહાસ રચી શકે છે. જેની માઠી અસર ભાજપ માટે લોકસભાની ચૂંટણી પર વર્તાઇ શકે છે. આ કારણે જ ભાજપે પહેલાથી પાળ બાંધતા પોતાના વર્તમાન મંત્રી તથા કોળી ઉમેદવારને જીતાડવા એડી ચોટીનું જોર લગાવવાનું આયોજન કર્યું છે. 


જસદણ બેઠક પર કોળી અને પાટીદાર મતદારોનો દબદબો છે. મતોનું ધ્રુવીકરણ ન થાય તે માટે ટીમમાં પાટીદાર નેતાઓ, કોળી નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે. આ સાથે અન્ય જ્ઞાતિઓના નેતાઓ પણ ટીમમાં લેવાયા છે. 


જસદણની નેતા સમજુ છેઃ કોંગ્રેસ
આ અંગે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના મનિષ દોશીએ જણાવ્યું કે, જસદણની જનતાએ કોંગ્રેસના નિશાન પર ઉભા રહેલા નેતાને જનાધાર આપ્યો હતો. ભાજપ દ્વારા કોંગ્રેસના ધારાસભ્ય પાસે રાજીનામું અપાવી તેમનું સંખ્યા બળ વધારવાનો આ એકમાત્ર પ્રયાસ છે. જે લોકોએ પક્ષ સાથે દ્રોહ દ્રોહ કર્યો છે, તેમને પ્રજાએ 2017ની વિધાનસભાની ચુટંણીમાં તેમનું સ્થાન બતાવી દીધું હતું. જસદણની જનતા સમજુ છે અને તે પોતાના મતાધિકારનો યોગ્ય ઉપયોગ કરશે.