ખરાબ વાતાવરણના કારણે સીઆર પાટીલનું હેલિકોપ્ટર ઉડ્યુ જ નહિ, ગોંડલ ન જઈ શક્યા
- ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ભાજપ પ્રદેશ પ્રમુખની ગેરહાજરીમાં સરપંચ સન્માન સમારોહ યોજાયો
- ખરાબ વાતાવરણના કારણે સીઆર પાટીલનું હેલિકોપ્ટર ગાંધીનગરથી ઉડી ન શક્યું
જયેશ ભોજાણી/ગોંડલ :ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે તાજેતરમાં ચૂંટાઈને આવેલા 77 ગ્રામ પંચાયતના સરપંચો અને સદસ્યોનો સન્માન સમારોહ અને શ્રમયોગી કાર્ડ વિતરણ કાર્યક્રમ ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયો હતો. જોકે, ખરાબ વાતાવરણના કારણે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ ગોંડલ પહોંચી શક્યા ન હતા.
સીઆર પાટીલ છેલ્લા એક અઠવાડિયામાં સતત ત્રીજી વખત રાજકોટ જિલ્લાની મૂલાકાતે આવવાના હતા. પરંતુ ખરાબ વાતાવરણને કારણે તેઓ ગાંધીનગરથી જ નીકળી શક્યા ન હતા. તેમણે બે કલાક એરપોર્ટ પર રાહ જોઈ હતી. પણ વાતાવરણ ક્લિયર ન થતા આખરે તેમણે ગોંડલ જવાનો પ્લાન કેન્સલ કર્યો હતો. તેમનુ હેલિકોપ્ટર ગાંધીનગરથી જ ઉડી શક્યુ ન હતું.
ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં રાજ્ય મંત્રી અરવિંદભાઈ રૈયાણી, મનસુખભાઇ ખાચરિયા, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને મહેન્દ્રસિંહ સરવૈયા સહિતના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. શહેરના રાજમાર્ગો ઉપર બાઈક રેલી સ્વરૂપે નીકળી માર્કેટીંગ યાર્ડ ખાતે પહોંચી હતી. જેના બાદ ચૂંટાયેલા સરપંચો અને સદસ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : કેમિકલ માફિયાઓના પાપની સજા મજૂરોને મળી, અંધારામાં દહેજથી આવ્યુ હતું કેમિકલ ભરેલું ટેન્કર
આ પ્રસંગે અરવિંદ રૈયાણીએ જણાવ્યું હતું કે, પ્રજાલક્ષી કોઈપણ કાર્ય અટકશે નહિ. પ્રજાની સુખ સુવિધા માટે ત્વરિત નિર્ણય લઇ કાર્યો કરવામાં આવશે. ગોંડલથી ગાંધીનગરના આગેવાનોનો સંપર્ક કરી કાર્યો માટે જરૂરથી જણાવશો.
ઉલ્લેખનીય છે કે, સીઆર પાટીલ છેલ્લા એક અઠવાડિયામાં સતત ત્રીજી વખત રાજકોટ જિલ્લાની મૂલાકાતે આવવાના હતા. સી.આર. પાટીલે 31 ડિસેમ્બરે રાજકોટના ભવ્ય રોડ શોમાં હાજરી આપી હતી. જે બાદ તા. 1 જાન્યુઆરીના ખોડલધામની મુલાકાત લીધી હતી અને હવે આજે ગોંડલ ખાતે આયોજિત કરાયેલા કાર્યક્રમમાં હાજરી આપનાર હતા. પરંતુ તે પહેલા જ વાતાવરણ વિધ્ન બન્યુ હતું.