લોકસભામાં ભાજપ OBCના સહારે: ગુજરાતમાં પાટીદારો થયા સાઈડલાઈન, જાણો કોણ કોના પર ભારે
Loksabha Election 2024: લોકસભા ચૂંટણીની તારીખો આવતીકાલે જાહેર થવાની છે ત્યારે ગુજરાતમાં ભાજપે અત્યાર સુધી 22 ઉમેદવાર જાહેર કરી દીધા છે, જેમાં જ્ઞાતિગત સમિકરણ સમજીએ તો ભાજપે અત્યાર સુધી જે 22 નામ જાહેર કર્યા તેમાં 8 OBCને ટિકિટ આપી છે. તો પાટીદાર 4, બ્રાહ્મણ, 1, અનુસુચિત જાતિને 2, અનુસુચિત જનજાતિને 5, 4 મહિલા અને અન્ય સવર્ણમાં 2 લોકોને ટિકિટ આપી છે.
Loksabha Election 2024: લોકસભા ચૂંટણીની તારીખો આવતીકાલે જાહેર થશે પરંતુ ચૂંટણીનો ખરાખરીનો જંગ હવે જાણે જામી ગયો છે. રાજકીય પક્ષો ધીરે ધીરે પોતાના ઉમેદવાર જાહેર કરી રહી છે. ગુજરાતમાં ભાજપે અત્યાર સુધી 22 ઉમેદવાર જાહેર કરી દીધા છે, તો કોંગ્રેસે અત્યાર સુધી 7 ઉમેદવારના નામ પર મંજૂરીની મહોર મારી છે. ત્યારે જુઓ લોકસભાની લડાઈમાં કોણ કોના પર ભારે પડી રહ્યું છે.હાલમાં ભાજપ અને કોંગ્રેસ પોત પોતાના ઉમેદવાર જાહેર કરી રહયાં છે. ભાજપે 22 ઉમેદવારો જાહેર કરી દીધા છે. જેમાં ઓબીસીનું પ્રભુત્વ છે.
ભાજપે જાહેર કર્યા કુલ 22 નામ
તો વાત ભાજપે અત્યાર સુધી જે 22 ઉમેદવાર જાહેર કર્યા છે, તેની કરીએ તો...સાબરકાંઠાથી ભીખાજી ઠાકોર, અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલ, ભાવનગરથી નીમુબહેન બાંભણિયા, વડોદરાથી રંજનબહેન ભટ્ટ, છોટાઉદેપુરથી જશુભાઈ રાઠવા, સુરતથી મુકેશ દલાલ અને વલસાડથી ધવલ પટેલ, પાટણથી ભરતસિંહ ડાભી, કચ્છથી વિનોદ ચાવડા, ગાંધીનગરથી અમિત શાહ, અમદાવાદ પશ્રિમથી દિનેશ મકવાણા, બનાસકાંઠાથી રેખા ચૌધરી, રાજકોટથી પરશોત્તમ રૂપાલા, પોરબંદરથી મનસુખ માંડવિયા, જામનગરથી પુનમ માડમ, આણંદથી મિતેષ પટેલ, ખેડાથી દેવુસિંહ ચૌહાણ, પંચમહાલથી રાજપાલસિંહ જાદવ, દાહોદથી જશવંતસિંહ ભાભોર, ભરૂચથી મનસુખ વસાવા, બારડોલીથી પ્રભુ વસાવા અને નવસારીથી સી.આર.પાટીલના નામનો સમાવેશ થાય છે.
કોંગ્રેસે હજુ 19 નામ જાહેર કરવાના બાકી
દેશમાં સૌથી મોટી લોકસભાની ચૂંટણીની તારીખો ગમે ત્યારે જાહેર થઈ શકે છે. નવા ચૂંટણી કમિશનરોની પણ નિમણૂક કરી દેવાઈ છે. ચૂંટણી કમિશન તારીખો જાહેર કરે તે પહેલા રાજકીય પાર્ટીઓએ કેટલીક બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દીધા છે. જેમાં ગુજરાતમાં હાલ ભાજપ આગળ જોવા મળી રહ્યું છે. ગુજરાતની 26માંથી ભાજપે અત્યાર સુધી કુલ 22 ઉમેદવાર જાહેર કરી દીધા છે. ભાજપે હવે માત્ર મહેસાણા, જૂનાગઢ, અમરેલી અને સુરેન્દ્રનગર બેઠકના પર જ નામ જાહેર કરવાના બાકી છે. બીજી તરફ કોંગ્રેસ હજુ પાછળ ચાલી રહ્યું છે. કોંગ્રેસે અત્યાર સુધી 7 નામ જાહેર કર્યા છે અને તેણે હજુ 19 નામ જાહેર કરવાના બાકી છે.
ટિકિટ ફાળવણીમાં ક્યાંક જોવા મળ્યો કકળાટ
ભાજપે પહેલી યાદીમાં 15 અને બીજી યાદીમાં 7 નામ જાહેર કર્યા છે. બીજી યાદીમાં જે સાત નામ જાહેર કર્યા તેમાં વડોદરાથી ફરી એકવાર રંજન ભટ્ટ પર વિશ્વાસ મુકવામાં આવ્યો. વડોદરાથી રંજન ભટ્ટને ટિકિટ અપાતા વડોદરા ભાજપમાં ભડકા જેવી સ્થિતિનું નિર્માણ થયું. વડોદરાથી ટિકિટ માટે વલખાં મારતા જ્યોતિ પંડ્યાએ ખુલીને રંજન ભટ્ટનો વિરોધ કર્યો છે. ભાજપે જ્યોતિ પંડ્યાને સસ્પેન્ડ કરી દીધા છે પરંતુ શિસ્તવાળી પાર્ટીના દાવા કરતી ભાજપમાં મોટો કકળાટ જોવા મળ્યો છે. પક્ષમાંથી સસ્પેન્ડ થયા બાદ જ્યોતિ પંડ્યાએ પોતાનો બળાપો કાઢ્યો હતો.
લોકસભાના જંગમાં કોણ કોના પર પડી રહ્યું છે ભારે?
તો કોંગ્રેસમાં પણ કકડાટ છે પરંતુ હજુ ખુલ્લીને બહાર નથી આવ્યો. જો કે હજુ જેમ જેમ ઉમેદવાર જાહેર થતાં જશે તેમ તેમ આ રોષ બહાર નીકળતો જોવા મળશે. બીજી તરફ ગુજરાતમાં અત્યાર સુધી 9 બેઠક પર બન્ને પાર્ટીના ઉમેદવાર જાહેર થઈ ગયા છે. જેના કારણે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. તેની વાત કરીએ તો, વલસાડથી ભાજપના ધવલ પટેલ સામે કોંગ્રેસના અનંત પટેલ, અમદાવાદ પૂર્વથી ભાજપના હસમુખ પટેલ સામે કોંગ્રેસના રોહન ગુપ્તા, પોરબંદરથી મનસુખ માંડવિયા સામે લલિત વસોયા, બનાસકાંઠાથી રેખા ચૌધરી સામે ગેનીબહેન ઠાકોર, બારડોલીમાં ભાજપના પ્રભુ વસાવા સામે કોંગ્રેસના સિદ્ધાર્થ ચૌધરી, અમદાવાદ પશ્ચિમથી દિનેશ મકવાણા સામે ભરત મકવાણા, કચ્છમાં ભાજપના વિનોદ ચાવડા સામે કોંગ્રેસના નીતિશ લાલન, તો ભરૂચમાં ભાજપના મનસુખ વસાવા સામે આપ-કોંગ્રેસના ગઢબંધનના ચૈતર વસાવા અને ભાવનગરમાં ભાજપના નિમુબહેન બાંભણિયા સામે આપ-કોંગ્રેસ ગઠબંધનના ઉમેશ મકવાણા વચ્ચે ટક્કર થશે.
કોંગ્રેસે જાહેર કર્યા કુલ 7 ઉમેદવાર
અત્યાર સુધી ભાજપના 22 અને કોંગ્રેસના જે 7 નામ જાહેર થયા છે તેનું જ્ઞાતિગત સમિકરણ પણ સમજી લો. ભાજપે અત્યાર સુધી જે 22 નામ જાહેર કર્યા તેમાં 8 OBCને ટિકિટ આપી છે. તો પાટીદાર 4, બ્રાહ્મણ, 1, અનુસુચિત જાતિને 2, અનુસુચિત જનજાતિને 5, 4 મહિલા અને અન્ય સવર્ણમાં 2 લોકોને ટિકિટ આપી છે. વાત કોંગ્રેસની કરીએ તો, કોંગ્રેસે જે સાત નામ જાહેર કર્યા તેમાં એક પાટીદાર, એક OBC, અનુસુચિત જાતિને 2, અનુસુચિત જનજાતિને 2, એક મહિલા અને એક સવર્ણને ટિકિટ આપી છે.
જ્ઞાતિજાતિના ગણિતને જોઈને જ દરેક પાર્ટી પોતાના ઉમેદવાર બનાવતી હોય છે. હજુ તો બન્ને પાર્ટીના તમામ ઉમેદવાર જાહેર થવાના બાકી છે. તમામ ઉમેદવાર જાહેર થઈ ગયા બાદ જ જ્ઞાતિ-જાતિનું સાચુ ગણિત ખબર પડશે.