ધર્મેન્દ્ર શાહ OUT, રજની પટેલ IN: પાટીલે અંગત સચિવને પણ સાચવી લીધા, હવે સીધી રાખશે નજર
AHMEDABAD : અમદાવાદ મહાનગર પાલિકાના પ્રભારી તરીકે શુક્રવારે અચાનક ધર્મેન્દ્ર શાહને હટાવી દેવામાં આવ્યા હતા. હવે નવા પ્રભારી તરીકે પૂર્વ ગૃહ રાજ્યમંત્રી રજની પટેલને જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત પાટીલે શ્રીનાથ શાહને પણ કમલમની જવાબદારી સોંપી પોતાના ખાસ માણસોને ગોઠવી દીધા છે.
અમદાવાદઃ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલ દ્વારા શુક્રવારે એક મોટો નિર્ણય કરવામાં આવ્યો હતો. ભાજપે શુક્રવારે અમદાવાદ મહાનગર પાલિકાના પ્રભારી ધર્મેન્દ્ર શાહને તમામ જવાબદારીમાંથી મુક્ત કરી દીધા હતા. હવે ભારતીય જનતા પાર્ટીએ અમદાવાદ મહાનગર પાલિકાના નવા પ્રભારી તરીકે પૂર્વ ગૃહ રાજ્યમંત્રી રજની પટેલની નિમણૂંક કરી છે. રજની પટેલ વર્તમાન પ્રદેશ મહામંત્રી પણ છે.
ભાજપે કરી જાહેરાત
ભારતીય જનતા પાર્ટીએ અમદાવાદ મહાનગર પાલિકાના પ્રભારી તરીકે પૂર્વ ગૃહરાજ્યમંત્રી રજની પટેલની નિમણૂંક કરી છે. રજની પટેલ પ્રદેશ મહામંત્રીની પણ જવાબદારી સંભાળી રહ્યાં છે. મહત્વનું છે કે પહેલા અમદાવાદ કોર્પોરેશનના પ્રભારી તરીકે ધર્મેન્દ્ર શાહ જવાબદારી સંભાળી રહ્યાં હતા, પરંતુ પાર્ટીએ શુક્રવારે અચાનક એક આદેશ જાહેર કરી શાહને તમામ પદો પરથી હટાવી દીધા હતા.
આ પણ વાંચોઃ PMOના મુખ્ય સચિવ તરીકેની ઓળખ આપી ભાજપના મહિલા નેતા સામે છેતરપિંડીનો પ્રયાસ
ધર્મેન્દ્ર શાહ હતા પ્રભારી
ભાજપ પક્ષના પ્રભારી તરીકેની ધર્મેન્દ્ર શાહની જવાબદારી હતી. પરંતુ સૂત્રો જણાવી રહ્યા છે કે ધર્મેન્દ્ર શાહની amcની વહીવટી બાબતોમાં પણ સતત હસ્તક્ષેપ રહેતો હતો. અધિકારીઓ સાથે gpmc એક્ટના નિયમ બહાર મહત્વની બેઠકોમાં પણ ઉપસ્થિત રહેતા હતા. નાના ક્લાર્કથી માંડી ઉપરી અધિકારીઓની બદલીમાં પણ સીધા આદેશ કરતા હતા. હવે ગુજરાતમાં નવા પ્રભારી કોણ મુકાય છે એના પર સૌ કોઈની નજર રહેલી છે.
તમને જણાવી દઈએ કે અમદાવાદ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિપક્ષના નેતા રહી ચૂકેલા ધર્મેન્દ્ર શાહને મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રભારી બનાવવામાં આવ્યા હતા. છેલ્લા કેટલાક સમયથી કેટલાક નિર્ણયો અને કોર્પોરેટરોમાં નારાજગીને લઈ પ્રભારીની ફરિયાદો પ્રદેશના નેતાઓ સુધી કરવામાં આવી હતી. કમલમની વ્યવસ્થામાં આ નવા ફેરફારો ગુજરાત ભાજપના કાર્યકરોમાં ભારે ચર્ચામાં છે. પ્રદેશ અધ્યક્ષના અંગત સચિવને કાર્યાલય મંત્રીની જવાબદારી સોંપાઇ છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે ભાજપમાં ફેરફારો કર્યા છે. પ્રદેશ કાર્યાલય મંત્રી પરેશ પટેલને પ્રમોશન અપાયુ છે. પરેશ પટેલને કાર્યાલય મંત્રીથી પ્રદેશ મંત્રી બનાવાયા છે. શ્રીનાથ શાહ છેલ્લા 25 વર્ષથી એલ. કે. અડવાણી સાથે કાર્યરત હતા. હાલ શ્રીનાથ શાહ કાર્યાલય મંત્રી તરીકે કમલમમાં ફરજ નિભાવશે.