ચૂંટણી પહેલા ભાજપે જાહેર કર્યા નિરીક્ષકોના નામ, હવે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા થશે શરૂ

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો ચૂંટણી પંચ ગમે ત્યારે જાહેર કરી શકે છે. તે પહેલા ગુજરાતમાં ભાજપ પોતાના ઉમેદવારો નક્કી કરવા માટેની તૈયારી હાથ ધરી છે.
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને પગલે ભાજપે નિરીક્ષકોની નિમણૂક કરી છે. અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં 6-6 નિરીક્ષકો તો જિલ્લા પ્રમાણે 3-3 નિરીક્ષકોની નિમણૂક કરાઈ છે. ગુજરાતમાં ચૂંટણીને લઈને ધમધમાટ ચાલી રહ્યો છે. તેવામાં વિધાનસભા ચૂંટણીની રણનીતિ, આગામી કાર્યક્રમો, ઉમેદવારો નામ સહીતના મુદ્દે મંથન ચાલી રહ્યું છે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો ચૂંટણી પંચ ગમે ત્યારે જાહેર કરી શકે છે. તે પહેલા ગુજરાતમાં ભાજપ પોતાના ઉમેદવારો નક્કી કરવા માટેની તૈયારી હાથ ધરી છે. આવતી કાલથી સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે ત્યારે આજે ભાજપે આજે ઝોન વાઇઝ નિરીક્ષકોની યાદી જાહેર કરી છે.
ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણાય છે અને અહીં સતત ભાજપ જીતતી આવી છે ત્યારે આ વખતે ચૂંટણીમાં વિજય મેળવવા માટે શુ સ્ટેટેજી અપનાવે છે તે મહત્વનું રહેશે. તેવામાં ચુંટણીની જાહેરાત અગાઉ ભાજપે નિરીક્ષકોના નામ જાહેર કર્યા છે. ઉમેદવાર નક્કી કરવા ભાજપ 3-3 નિરીક્ષકોની પ્રત્યેક વિધાનસભા બેઠકમાં નિમણૂંક કરવામાં આવી છે. 3 દિવસ સુધી નિરીક્ષકો ગ્રાઉન્ડમાં રહી ઉમેદવારની સેન્સ પ્રક્રિયા હાથ ધરશે. સેન્સ પ્રક્રિયા બાદ નિરીક્ષકો પ્રત્યેક વિધાનસભાના નામો પ્રદેશ ભાજપને સોંપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, આવતી કાલથી તારીખ 27, 28, 29 ઓક્ટોબર 2022 દરમ્યાન રાજ્યના તમામ જીલ્લાઓમાં નિરીક્ષકો પ્રવાસ કરશે. આ નિરીક્ષકોની ટીમ દરેક જિલ્લાઓમાં પદાધિકારીઓ તેમજ જિલ્લાના પદાધિકારીઓ, નગરપાલિકા, મહાનગરપાલિકા, જીલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, વિધાનસભા ક્ષેત્રના તેમજ મંડલ સ્તરે સંગઠનનું કામ કરતાં કાર્યકર્તાઓ તથા ઉમેદવારી કરવાની ઈચ્છા ધરાવતા તમામ કાર્યકર્તાઓને મળશે અને તેમને સાંભળશે.
નોંધનીય છે કે, ભાજપ દ્વારા વિધાનસભા ચુંટણી 2022માં પેટર્ન બદલવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube