ભૂપેન્દ્ર પટેલ સરકારમાંથી ઘરભેગા થયેલા 2 નેતાઓને દિલ્હીએ સાચવ્યા, આપી આ જવાબદારીઓ
ગુજરાત ભાજપના બે નેતાઓને પાર્ટીએ નવી જવાબદારી સોંપી છે. ધારાસભ્ય પૂર્ણેશ મોદીને સંઘ પ્રદેશ ભાજપના પ્રભારી બનાવવામાં આવ્યા છે. જ્યારે પૂર્વ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીએ જવાબદારી સોંપી છે.
અમદાવાદઃ ભાજપમાં ક્યારે શું થાય એનો કોઈ પામી શકે એમ નથી. એક તબક્કે ભૂપેન્દ્ર પટેલની સરકારમાં નંબર ટુ અને નંબર 3ની પોઝિશન ધરાવતા ભાજપના નેતાઓ રાજેન્દ્ર ત્રિવેદી અને પૂર્ણશ મોદીને અધવચ્ચેથી ઘરભેગા કરી દેવાયા હતા. આ પ્રકરણ ખૂલીને સામેથી બહાર આવ્યું નથી પણ હવે દિલ્હી હાઈકમાન્ડ એમની પર રિઝતાં પાટીલને ઝટકો લાગ્યો છે. સુરતમાં પાટીલ અને પૂર્ણેશ મોદી વચ્ચે બારમો ચંદરમાં હોવાની ચર્ચાઓ છે. પૂર્ણેશ મોદીને દિલ્હી હાઈકમાન્ડ સાથે સારા સંબંધો હોવાનો હવે લાભ થયો છે.
ગુજરાતના રાજકીય ઈતિહાસની પ્રથમ ઘટનાથી આ બંનેની રાજકીય કારકિર્દી ઉપર પૂર્ણવિરામ મુકાઈ ગયા હોવાની વાતો ચાલી હતી. ડિસેમ્બર-૨૦૨૨માં ટિકિટની વહેંચણી વખતે ત્રિવેદીનું પત્તું કપાઈ ગયું હતું. અલબત્ત પૂર્ણેશ મોદીએ ટિકિટ તો મેળવી લીધી અને જીત પણ મેળવી લીધી પણ ભાજપમાં કોઈ જગ્યા મળી ન હતી. તાજેતરમાં જ પૂર્ણેશ મોદીને સંઘ પ્રદેશમાં ભાજપના પ્રભારી બનાવાયા છે જયારે રાજેન્દ્ર ત્રિવેદીને રાજસ્થાન ચૂંટણીમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતના ગઢ જોધપુરમાં ભાજપના તમામ ઉમેદવારોને જીતાડવાની જવાબદારી સોંપાઈ છે. આમ, એક વર્ષે આ બંને નેતાઓ ફરી સક્રિય થતાં ભાજપી નેતાઓમાં ગણગણાટ થવા લાગ્યો છે. ભાજપે આ જ પ્રકારે રૂપાણીને પણ સાચવ્યા છે અને નીતિન પટેલને પણ. હાલમાં રાજસ્થાન ચૂંટણીની મોટી જવાબદારી નીતિન પટેલ પાસે છે. રાજસ્થાનમાં ભાજપ જીતે તેવા હાલમાં સરવેને પગલે આ નેતાનું કદ લોકસભા પહેલાં વધશે.
આ પણ વાંચોઃ વિશ્વકપ જોવા દિલ્હીથી આવેલા યુવક પાસે ગુજરાત પોલીસે કર્યો મોટો તોડ, જાણો સમગ્ર મામલો
ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી પુર્ણેશ મોદીને અચાનક જ પ્રમોશન મળતાં ભાજપ વર્તુળમાં ચર્ચા શરૂ થઈ છે. પૂર્ણેશ મોદીને રાહુલ ગાંધી ફળી ગયા છે. મોદી સરનેમ' કેસમાં સુરત કોર્ટે રાહુલ ગાંધીને સજા ફટકારી હતી જો કે બાદ જામીન પણ મળી ગયા હતા. જે સમગ્ર મામલો જણાવી દઈએ કે, પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. વર્ષ 2019માં કર્ણાટક ચૂંટણીમાં રાહુલ ગાંધીએ ભાષણ દરમિયાન જણાવ્યું હતું કે, 'બધા ચોરોની અટક મોદી કેમ છે?' જે નિવેદનને લઈ પુર્ણેશ મોદીએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં રાહુલ ગાંધીને સુરત કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવી હતી જેની નોંધ હાઈ કમાન્ડ દ્વારા લેવાતા તેનો શિરપાંવ રૂપે દીવ દમણ દાદરા નગર હવેલીના પ્રભારી બનાવાયા છે. આમ પણ પૂર્ણેશ મોદીની વાત કરીએ તો તેઓ મંત્રી બન્યા એ સમયે પણ એકાએક છેલ્લી ઘડીએ એમને દિલ્હીથી ટિકિટ ફાળવાઈ હતી. જેઓ વિજેતા બનતા એમને માર્ગ અને મકાન વિભાગના મંત્રી પણ બનાવાયા હતા. જોકે, કેટલાક કારણોસર એમની મંત્રીપદથી હકાલપટ્ટી કરાઈ હોવા છતાં તેઓને હવે ટિકિટ ન મળે એવા પૂરતા પ્રયાસો વચ્ચે તેઓ ફરી ટિકિટ મેળવીને વિજેતા બન્યા હતા. આમ પૂર્ણેશ મોદી પર દિલ્હી હાઈકમાનના ચાર હાથ એ પહેલાંથી જ છે. હવે એ સાબિત પણ થઈ ગયું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube