અમદાવાદ: વિધાનસભાની ચૂંટણી ટાણે ગુજરાતની જનતાને આકર્ષવા માટે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. આજે તેઓ દાહોદમાં સભા યોજ્યા બાદ તિરંગા યાત્રામાં ભાગ લેવા વડોદરા પહોંચ્યા હતા. જ્યાં તેમણે રોડ શો દરમિયાન એક નિવેદન આપ્યું હતું. જે હાલ ચર્ચાનો વિષય બન્યું છે. આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલના કંસના નિવેદન પર ભાજપે વળતા પ્રહારો શરૂ કરી દીધા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અરવિંદ કેજરીવાલના કંસના નિવેદન પર ભાજપ નેતા ઋત્વિજ પટેલે જણાવ્યું હતું કે, કેજરીવાલ પોતાની જાતને કૃષ્ણ માને છે. પરંતુ મહાઠગ ગપ્પીદાસને ગુજરાતની જનતા ઓળખે છે. કેજરીવાલ વિરુદ્ધ સમગ્ર રાજ્યમાં પોસ્ટર લાગ્યા છે. પોસ્ટર લગાવનારાને કેજરીવાલે કંસના વંશજો ગણાવ્યા છે. 


ભાજપના નેતા હરીશ ખુરાનાએ પણ કેજરીવાલને આડેહાથ લીધા છે. તેમણે ટ્વીટ કરીને કેજરીવાલના નિવેદનને ખોટું પાડ્યું છે. તેમણે જણાવ્યું છે કે, શું તમે ગુજરાતની જનતાને મૂર્ખ માનો છો? તમે કહી રહ્યા છો કે તમારો જન્મ કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે થયો હતો, પરંતુ સત્ય એ છે કે તમારો જન્મ 16 ઓગસ્ટ 1968ના રોજ થયો હતો અને તે વર્ષે જન્માષ્ટમી 15 ઓગસ્ટના રોજ હતી. મત માટે પોતાને કૃષ્ણભક્ત તરીકે બતાવવા માટે કંઈપણ...



કોણ છે હરીશ ખુરાના
હરીશ ખુરાના દિલ્હીના રાજકારણમાં અજાણ્યું કે નવું નામ નથી. તેમણે રાજકારણના દાવપેચ વારસામાં મળ્યા છે. તેઓ દિલ્હીમાં ભાજપના પ્રથમ મુખ્યમંત્રી સ્વ.મદનલાલ ખુરાનાના પુત્ર છે. ચાર ભાઈ-બહેનોમાં સૌથી નાના અને વ્યવસાયે બિઝનેસમેન હરીશ ખુરાના હાલમાં દિલ્હી ભાજપના પ્રવક્તા છે. તેઓ છેલ્લા 9 વર્ષથી દિલ્હી બીજેપીના મીડિયા વિભાગ સાથે જોડાયેલા છે અને અલગ-અલગ હોદ્દા પર મીડિયાને સંભાળે છે. અગાઉ તેઓ વિદ્યાર્થી જીવનમાં પણ એબીવીપીમાં સક્રિય હતા.


કેજરીવાલે શું આપ્યું નિવેદન? 
અરવિંદ કેજરીવાલે વડોદરામાં રોડ શો દરમિયાન એક નિવેદન આપ્યું છે, તેમણે જણાવ્યું હતું કે, આ બધા કંસની ઓલાદ છે. આ બધા લોકો ભગવાનનું અપમાન કરે છે, ભક્તોનું અપમાન કરે છે, બધી જગ્યાએ ગુંડાગર્દી કરે છે, લફંગાઇ કરે છે, મારપીટ કરે છે, હું તેમને કહેવા માંગુ છું કે, મારો જન્મ જન્માષ્ટમીના દિવસે થયો હતો, ભગવાને મને એક ખાસ કામ સાથે મોકલ્યો છે, આ કંસની ઓલાદોનો નાશ કરવા માટે. જેટલા પણ ભ્રષ્ટાચારી, ગુંડાગર્દી કરવાવાળા લોકો છે એ સૌને જનતાથી મુક્તિ અપાવવા માટે આપણે સૌ ભેગા મળીને ભગવાનનું આ કાર્ય પૂરું કરીશું. ભગવાન અમારી સાથે છે, લોકો અમારી સાથે છે,જનતા પરિવર્તન ઈચ્છે છે અને તેના કારણે આ લોકો બધી બાજુથી બોખલાઈ ગયા છે. હું તેમને કહેવા માંગુ છું કે, તમે કેજરીવાલને નફરત કરી લો, પરંતું જો ભગવાન વિરુદ્ધ આવા અપશબ્દો લખશો તો જનતા તેને સહન કરશે નહીં.


આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વડોદરામાં આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત ત્રિરંગા યાત્રામાં હજારોની ભીડને સંબોધતા જણાવ્યું હતું કે, આજનાં દિવસે જ્યારે મારું ગુજરાતમાં આવવાનું નક્કી થયું તો ભાજપવાળાએ મારી વિરુદ્ધ દરેક જગ્યાએ પોસ્ટર લગાવી દીધા. તે મારી વિરુદ્ધ ગમે તે કરે, મને તેની સાથે કોઈ જ વાંધો નથી, પરંતુ તેમણે પોસ્ટર ઉપર ભગવાન માટે અપશબ્દો લખ્યા અને ભગવાનનું અપમાન કર્યું. જે લોકોએ આ પોસ્ટર લગાવ્યા છે એ લોકો મારી નફરતમાં એટલા આંધળા થઈ ગયા છે કે તેઓએ ભગવાનને પણ છોડ્યા નથી અને અપશબ્દો લખીને ભગવાનનું અપમાન કર્યું છે. હું એક ધાર્મિક માણસ છું, હનુમાનજીનો કટ્ટર ભક્ત છું. હનુમાનજીની અસીમ કૃપા મારા પર છે. બધી જ આસુરી અને રાક્ષસી શક્તિઓ મારી સામે વિરુદ્ધ એકઠી થઈ ગઈ છે.