Gujarat Assembly Elections: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. બીજી તરફ પક્ષપલટાની સિઝન પણ પૂર જોશમાં ચાલી રહી છે. હર્ષદ રિબડિયા બાદ હવે બીજેપીને મોટો ઝટકો લાગ્યો છે. સાવલીમાં વિધાનસભા ચૂંટણી પહેલાં મોટો ઉલટફેર જોવા મળી રહ્યા છે. ભાજપ નેતા અને બરોડા ડેરીના ડાયરેક્ટ કુલદીપસિંહ રાઉલજી ભાજપને બાય બાય કહીને કોંગ્રેસમાં જોડાયા છે. આ પ્રસંગે કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કુલદીપસિંહ રાઉલજીએ કોંગ્રેસ પાર્ટીનો ખેસ ધારણ કર્યા બાદ ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, જ્યાં 10 વર્ષ ભાજપમાં હતો ત્યાં પણ નિષ્ઠાથી કામ કર્યું હતું. સ્થાનિક આગેવાન લોકોના કામ કરતા નથી. યુવાઓને રોજગારી મળે એવા કોઈ પ્રયત્ન કરતા નથી. સ્થાનિક આગેવાન અન્ય સમાજના લોકોને ઉપર આવવા દેતા નથી. દરેક સમાજને સાથે લઈને હું ચાલ્યો, મને દબાવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ હું દબાયો નહીં એટલે અહીંયા આવ્યો છું.



જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, કુલદીપસિંહ અને એમના કાર્યકરો કોંગ્રેસની વિચારધારા જોઈને આવ્યા છે. તેઓએ જે લક્ષ્ય રાખ્યું હતું એ જ્યાં હતા ત્યાં રહીને પુરું થાય એમ નહોતું, એટલે તેઓ અહીંયા આવ્યા છે. જેટલા લોકો કોંગ્રેસમાં જોડાયા એ તમામનું સ્વાગત છે. સાથે વિશ્વાસ પણ આપું છું કે કોંગ્રેસ સમાજના દરેક વર્ગના લોકોનું ધ્યાન રાખશે. તેમણે ભાર પૂર્વક જણાવ્યું હતું કે, ડિસેમ્બર 2022માં 125 બેઠકો સાથે કોંગ્રેસની સરકાર બનવા જઈ રહી છે. કોંગ્રેસમાં ક્યાય તમને અજાણ્યું નહીં લાગે, પરિવારનો અહેસાસ થશે. ભાજપ એ કિન્નાખોરી રાખવાવાળી પાર્ટી છે. ભાજપને જેટલી ધામધમકી આપવી હોય તે આપે, જે કરવું હોય એ કરે પણ કોંગ્રેસમાં જોડાયેલાને કઈ નહીં થવા દઈએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અત્યારે જે જોડાયા છે તેઓને કોઈ કમિટમેન્ટ અપાયું નથી. તેઓ કોંગ્રેસના વિચારથી પ્રેરાઈને આવ્યા છે.


સિદ્ધાર્થ પટેલે જણાવ્યું હતું કે, વડોદરાના સેંકડો આગેવાનો અને ભાજપના કાર્યકરો કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. કુલદીપસિંહ રાઉલજી સરકારી આગેવાન છે, જેઓ આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. પક્ષ વતી હું તમામને પક્ષમાં આવકારું છું. પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરના હસ્તે કુલદીપસિંહ રાઉલજીને ખેસ પહેરાવી કોંગ્રેસમાં સ્વાગત કરાયું હતું.


અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં આજે પ્રજા પરિવર્તન ઈચ્છે છે. સેંકડો લોકો ભાજપ છોડીને કોંગ્રેસમાં આવી રહ્યા છે. RSSની મદદથી કામ કરતી ભાજપની B ટીમ આપને આગળ કરાઈ રહી છે. આજે લોકોને લાગી રહ્યું છે કે આપ એ ભાજપની મદદ કરી રહી છે. એ જ કારણથી આપના હોદ્દેદારો અને કાર્યકરો પણ કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે.


મહત્વનું છે કે, સાવલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ સાદિકભાઈ કુલદીપસિંહને લઈ કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય પર પહોંચ્યા હતા. જ્યાં તેમણે પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે. હવે કોંગ્રેસ કુલદીપસિંહને સાવલીમાં વિધાનસભાની ટિકીટ આપી શકે છે. તમને જણાવી દઈએ કે કુલદીપસિંહ રાઉલજી સાવલીમાં ક્ષત્રિય સમાજના મોટા નેતા છે. કુલદીપસિંહ રાઉલજી ભાજપ ધારાસભ્ય કેતન ઈનામદારના કટ્ટર હરીફ છે. કુલદીપસિંહ રાઉલજી ભાજપમાં હતા, પરંતુ આજે તેમણે કોંગ્રેસ જોઈન્ટ કર્યું છે. કુલદીપસિંહ રાઉલજી બરોડા ડેરીના ડાયરેકટર છે. 


ભાજપે હર્ષ રિબડિયાને પોતાની પાર્ટીમાં લઈને કોંગ્રેસને ઝટકો આપ્યો હતો. તો આજે કોંગ્રેસે વળતો પ્રહાર કરતા વડોદરા ભાજપના આગેવાન કુલદીપસિંહ રાઉલજીને કોંગ્રેસમાં જોડ્યા છે. કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે ખેસ પહેરાવી  તેમનું સ્વાગત કર્યું હતું.આ અવસરે પૂર્વ પ્રમુખ અમિત ચાવડા અને સિદ્ધાર્થ પટેલ હાજર રહ્યા હતા.