કેતન બગડા/અમરેલી :ગુજરાતમાં શિક્ષણના કથળેલા સ્તર તથા પેપર લીકના વિવાદો પર આમ આદમી પાર્ટી સતત આકરા પ્રહારો કરી રહી છે. ત્યારે ખુદ ભાજપના નેતા ભરત કાનાબારે ગુજરાતના શિક્ષણ પર સવાલો કરતી ટ્વીટ કરતા ખળભળાટ મચી ગયો છે. જે મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ ટ્વીટર વોરમાં ઝંપલાવ્યુ છે. ભરત કાનાબારના ટ્વીટ પર અરવિંદ કેજરીવાલે પ્રતિક્રિયા આપતા કહ્યુ કે, સારા શિક્ષણ માટે ગુજરાતમાં હવે માગ ઊઠી રહી છે. ભાજપના જ લોકો શિક્ષણની સ્થિતિ સવાલ ઉઠાવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપના જ નેતાએ ઉઠાવ્યા શિક્ષણ પર સવાલ 
ભાજપના નેતા ભરત કાનાબારે ગુજરાતના શિક્ષણ પર સવાલ ઉઠાવતી ટ્વીટ કરી હતી. અમરેલી ભાજપના નેતા ડો. ભરત કાનાબારે ટ્વીટમાં કહ્યુ કે, 'ક' કમળનો 'ક' તો બરાબર ઘૂંટ્યો. 'ક્ષ' શિક્ષણનો 'ક્ષ' એવું કોઈએ ભણાવ્યું નહીં. શિક્ષણ એક કોમોડિટી બની ચૂક્યું છે. 900 યુનિવર્સિટી અને 40 હજાર કોલેજોના આ દેશમાં શિક્ષણ એક કોમોડિટી બની ચૂક્યું છે, જેના ખરીદદાર અને વેચનાર બંને બેશરમ છે. પેપર લીક,પરીક્ષા ચોરી, નકલી ડિગ્રી સર્ટિફિકેટ જેવા વાયરસથી શિક્ષણ વ્યવસ્થા ત્રસ્ત છે.



વિવાદ બાદ સ્પષ્ટતા કરી
એક ટ્વીટથી વિવાદ બાદ ભરત કાનાબારને બીજી ટ્વીટથી સ્પષ્ટતા કરવી પડી. તેમણે ટ્વીટ કરી કે, ટ્વીટમાં દર્શાવેલા ફોટગ્રાફ બિહારના છે. મૂળ મુદ્દો શિક્ષણ ક્ષેત્રની બદીઓ અંગેનો છે. આનાથી કોંગ્રેસ કે AAPને હરખાવાની જરૂર નથી. 35 વર્ષથી ભાજપનો સક્રિય કાર્યકર્તા છું. રાષ્ટ્રવાદની વિચારધારા નસ નસમાં છે એટલે ઊંઘમાંથી ઉઠાડીને પૂછો તો પણ “ક” કમળનો “ક” જ બોલાય જાય. 



કાનાબારની ટ્વીટ પર કેજરીવાલનો સવાલ
ભરત કાનાબારના ટ્વીટ પર રાજનીતિ શરૂ થઈ ગઈ છે. અરવિંદ કેજરીવાલે ગુજરાતના શિક્ષણ પર સવાલો ઉઠાવતા પ્રતિક્રિયા આપી કે, સારા શિક્ષણ માટે ગુજરાતમાં હવે માગ ઊઠી રહી છે. ભાજપના જ લોકો શિક્ષણની સ્થિતિ સવાલ ઉઠાવે છે. 27 વર્ષમાં ભાજપ સારું શિક્ષણ ના આપી શકી. ગુજરાતમાં દિલ્લીની જેમ AAP સારું શિક્ષણ આપશે. ગુજરાતના તમામ લોકો અને રાજકીય પાર્ટીઓને સાથે લઈને આપ ગુજરાતમાં સારું શિક્ષણ આપશે.