બ્રિજેશ દોશી/ગાંધીનગર: ચૂંટણી પહેલા જ ભાજપમાં જોડાયેલા હાર્દિક પટેલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી છે. હાર્દિક પટેલે અમિત શાહ સાથે શુભેચ્ચા મુલાકાત કરીને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. હાર્દિક પટેલ ભાજપમાં જોડાયા બાદ અમિત શાહ સાથે પહેલી સત્તાવાર મુલાકાતની તસ્વીર સામે આવી છે. ત્યારે હવે વિરમગામમાંથી હાર્દિક પટેલને ભાજપ ટિકિટ આપે એવી શક્યતા દેખાઈ રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિરમગામમાં હાર્દિક પટેલ છેલ્લા કેટલાય સમયથી કેમ્પઈન કરી રહ્યો છે. એટલું જ નહીં, ભાજપની ગૌરવયાત્રામાં પણ હાર્દિકની હાજરી જોવા મળી હતી. આવતી કાલે વિરમગામ માટે નિરીક્ષકો સેન્સ લેશે, ત્યારે સેન્સ પહેલા હાર્દિક પટેલ અને અમિત શાહની તસ્વીર સૂચક માનવામાં આવે છે.


સોશિયલ મીડિયામાં હાલ કેન્દ્રિય ગૃહમંત્રી શાહ અને ભાજપના નેતા હાર્દિક પટેલ વચ્ચે થયેલી શુભેચ્છા મુલાકાતની તસવીર વાઈરલ થઈ રહી છે. જેમાં હાર્દિક પટેલ અમિત શાહ પાસેથી નવા વર્ષની ભેટ સ્વીકારતા દેખાઈ રહ્યા છે. હાર્દિક પટેલ વિરમગામ બેઠક પર ચૂંટણી લડવા માટે તૈયારીઓ દર્શાવી છે. ત્યારે અમિત શાહ સાથેની મુલાકાત બાદ ભાજપ આ વખતે હાર્દિક પટેલને ટિકિટ મળે છે કે કેમ તે આગામી સમય દેખાડશે.


ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલ કોંગ્રેસનો સાથ છોડ્યા બાદ 2 જુને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ તેમજ અન્ય ભાજપ અગ્રણીઓની હાજરીમાં કમલમ ખાતે કેસરિયા કર્યા હતા. ભાજપમાં જોડાતા પહેલાં હાર્દિક પટેલે કોબાથી કમલમ સુધી રોડ શો કર્યો હતો. જેમાં મોટી સંખ્યામાં તેમના સમર્થકો અને ભાજપના કાર્યકરો જોડાયા હતા. ભાજપમાં જોડાયા બાદ હાર્દિકે પોતાનું નિવેદન આપ્યું હતું. જેમાં ભાજપના વખાણ કર્યાં હતા.


નોંધનીય છે કે, ગઈકાલે નવા વર્ષ બાદ અમિત શાહે પોતાના નિવાસ સ્થાને સવારથી જ ભાજપના કાર્યકરો અને આગેવાનો સાથે મુલાકાત કરી હતી અને તેમનું મોઢું મીઠું કરાવ્યું હતું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube