ભાજપમાં જોડાયેલા મહેન્દ્રસિંહ વાઘેલાએ પિતાની નારાજગી પર આપ્યો જવાબ
ઉલ્લેખનીય છે કે શનિવારે મહેન્દ્ર સિંહ વાઘેલા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.
અમદાવાદઃ રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાના પુત્ર અને પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલા ગઈકાલે ભાજપમાં જોડાયા હતા. ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ તેમને ભાજપનો ખેસ પહેરાવીને આવકાર્યા હતા. ત્યારબાદ શંકરસિંહ વાઘેલાએ પત્રકાર પરિષદ સંબોધીને મહેન્દ્ર સિંહના ભાજપમાં જોડાવા અંગે અનેક ખુલાસા કર્યા હતા. બાપુએ મહેન્દ્ર સિંહને એક સપ્તાહનો સમય આપ્યો હતો. તેમણે કહ્યું કે, મહેન્દ્ર એક સપ્તાહમાં તમામ ટેકેદારોને બોલાવે અને પછી તેમનું મંતવ્ય લઈને ભાજપમાં જોડાવું કે નહીં તે અંગે નિર્ણય કરે. જો તે એક સપ્તાહમાં ટેકેદારો ને ન બોલાવે તો રાજીનામું આપે. ત્યારે શંકરસિંહના નિવેદન પર પોતાની પ્રતિક્રિયા આપવા માટે મહેન્દ્ર સિંહે આજે પત્રકાર પરિષદ સંબોધી હતી. તેમણે કહ્યું કે, પિતા મારાથી નારાજ નથી પરંતુ પુત્રની ચિંતા કરે છે.
મહેન્દ્ર વાઘેલાએ પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું કે, હું અષાઢી બીજના દિવસે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું. છ મહિના સુધી વિચાર કર્યા બાદ આ નિર્ણય કરવામાં આવ્યો છે. અમારા મોટાભાગના સમર્થકો ભાજપમાં જોડાયા છે. બાપુ મારાથી નારાજ નથી તેમણે પોતાની ચિંતા વ્યક્ત કરી છે.
મહેન્દ્ર સિંહ ભાજપમાં જોડાતા બાપુ થયા નારાજ, આપ્યો એક સપ્તાહનો સમય
તેમણે કહ્યું કે, બાપુ ચિંતા કરે તે સ્વાભાવિક છે. બાપુએ કહ્યું હતું કે, સમર્થકોને પૂછીને નિર્ણય કરવો જોઈએ. મેં ઘણા સમર્થકોને પૂછીને આ નિર્ણય લીધો છે. મારા પર કોઈ દબાણ નથી. હજુપણ બે બાકીના સમર્થકો છે તેમની સાથે પણ ચર્ચા કરીશું. મહેન્દ્ર સિંહને પૂછવામાં આવ્યું કે, શું બાપુ ભાજપમાં ઘરવાપસી કરશે તો તેમણે જણાવ્યું કે, તેમનો નિર્ણય તેઓ જાતે લેશે. તે પોતાની વિચારધારા પર ચાલે છે હું મારી વિચારધારા પર ચાલું છું.