Gujarat Election 2022: અરવલ્લીમાં ઝડપાયેલો દારૂ કોનો? ભાજપના નેતા દારૂ ભરેલી કાર મુકીને ભાગ્યા, સ્થાનિકોએ લગાવ્યો મોટો આરોપ
Gujarat Election 2022: માલપુરના અણિયોર નજીક વિદેશી દારૂ ઝડપાયો હતો. આ દારૂ ભરેલી કારને જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ પાયલોટિંગ આપતા હોવાનો આરોપ અહીંના લોકો લગાવી રહ્યા છે. બાબતની ભારે ચકચાર મચી જતા માલપુર પોલીસ પણ સ્થળ પર દોડી આવી છે.
Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કાનું મતદાન આવતીકાલે થનાર છે. તે પહેલા નેતાઓ જનતાને રિઝાવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે અરવલ્લીમાં જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ રાજુ પટેલ દારૂ સાથે ઝડપાયા હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે. માલપુરના અણિયોર નજીક સ્થાનિકો એકઠા થતાં રાજુ પટેલ કાર મૂકીને ભાગ્યા હોવાનો આરોપ લાગી રહ્યો છે. વિવાદ વકર્યા બાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી.
સ્થાનિક યુવાનોને મળેલી માહિતીને આધારે એક કાર અટકાવી હતી. જોકે અહીં સમગ્ર ઘટનાનો પર્દાફાશ થતાં અરવલ્લી જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ દારુ ભરેલી કાર મુકીને ફરાર થઈ ગયા હોવાની ચર્ચાઓ પણ સામે આવી છે. જેમાં ભાજપની ટોપી પહેરેલા વ્યક્તિ રાજુ પટેલ જિલ્લા બાજપ સંગઠનના પ્રમુખ હોવાનું જાણવા મળી રહ્યું છે. જેઓ કારને અટકાવી રહેલા લોકોને કારથી દુર કરવાના પ્રયત્નો કરી રહ્યા હતા.
માલપુરના અણિયોર નજીક વિદેશી દારૂ ઝડપાયો હતો. આ દારૂ ભરેલી કારને જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ પાયલોટિંગ આપતા હોવાનો આરોપ અહીંના લોકો લગાવી રહ્યા છે. બાબતની ભારે ચકચાર મચી જતા માલપુર પોલીસ પણ સ્થળ પર દોડી આવી છે. દારૂ ભાજપનો હોવાના અને મતદારોને આપવા લાવ્યા હોવાના ગંભીર આરોપો લગાવાઈ રહ્યા છે. જોકે પોલીસ હવે સત્તાવાર રીતે શું જાહેર કરે છે તેના પર મીટ મંડાઈ છે.
ઉલ્લેખનીય છે કે ચૂંટણીને લઈને ગુજરાતની તમામ બોર્ડર પર પોલીસ અને તંત્રની ચાંપતી નજર છે. બીજી બાજુ સ્થાનિક બુટલેગર અને તેમના નેટવર્ક પર પોલીસની સતત નજર હોવાનું જાહેર કરાય છે. છતા ગુજરાતમાં ચૂંટણી દરમિયાન આટલી મોટી માત્રામાં દારુનો જથ્થો લઈ કેવી રીતે કારમાં અવરજવર થઈ શકે? તે પ્રશ્ન ઊભો થયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube