અમદાવાદઃ સરદાર પટેલની જરૂરિયાત ભાજપને કેટલી? શું માત્ર એકતા યાત્રા પૂરતી જ...? આ સવાલ ઉભો થયો છે. નિકોલમાં સરદાર પટેલની પ્રતિમાને જેમની તેમ છોડી દેવાયા બાદ આ પ્રશ્ન થઈ રહ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે અને તેના પ્રચાર માટે ભાજપ દ્વારા એકતા યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સરદાર પટેલની પ્રતિમા લઈને એકતા યાત્રા યોજવામાં આવી રહી છે. પરંતુ યાત્રા પહેલા પ્રતિમાની જેટલી જાળવણી કરવામાં આવે છે તેટલી જાળવણી યાત્રા પૂર્ણ થયા બાદ જોવા મળતી નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદના નિકોલમાં એકતા યાત્રાના પ્રારંભ સમયે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, મેયર બિજલ પટેલ, નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલ, મહેસૂલ મંત્રી કૌશિક પટેલ સહિત અને નેતાઓ હાજર રહ્યા હતા. જોકે આ તમામ નેતાઓએ કાર્યક્રમ સમયે તો સરદાર પટેલ સામે શિશ ઝુકાવ્યું હતું, પરંતુ હાલ આ પ્રતિમાની શું હાલત છે તેની કોઈએ પણ તસ્દી લીધી નથી. જેને કારણે સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.


19 ઓક્ટોબરે નિકોલ વિસ્તારમાં એકતા યાત્રા યોજવામાં આવી હતી. સરદાર પટેલની પ્રતિમાને ફૂલ હાર પહેરાવવામાં આવ્યા હતા. પરંતુ એકતા યાત્રા પૂર્ણ થયા બાદ આ પ્રતિમાને જેમની તેમ છોડી દેવામાં આવી છે. છેલ્લા 4 દિવસથી સરદાર પટેલની પ્રતિમા ખુલ્લા મેદાનમાં પડી રહી છે. જેને જોઈને આસપાસના રહીશોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.