ગાંધીનગર :ગુજરાતની દરેક ચૂંટણીમાં દરેક પક્ષ માટે પાટીદાર ફેક્ટર બહુ જ મહત્વનું હોય છે. આ ફેક્ટરને ધ્યાનમાં રાખીને દરેક પક્ષ ગણતરી માંડતુ હોય છે, પાટીદાર મતો અંકે કરવા માટે કયા ઉમેદવારને વોટ આપવા તે બહુ જ મહત્વનું હોય છે. ત્યારે વિધાનસભા ચૂંટણીની જેમ લોકસભામાં પણ પાટીદાર આંદોલનની અસર જોવા મળવાની છે. હાર્દિક પટેલની ચૂંટણી લડવાની જાહેરાત બાદ અન્ય પાટીદાર આગેવાનોના નામ પણ ચર્ચામાં આવ્યા છે. ભાજપ પાટીદારોને રીઝવવા માટે ત્રણ દિગ્ગજો ટિકીટ આપે તેવી શક્યતા છે. રાજકોટ બેઠક પર પરેશ ગજેરા, અમદાવાદ પૂર્વ અને મહેસાણા બેઠક માટે સી.કે.પટેલ તથા ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, નરેશ પટેલની ચૂંટણી લડવાની અટકળો વિધાનસભા સમયે પણ ઉઠી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મંગળવારે ખોડલધામ ટ્રસ્ટના બે મોટા માથા કહેવાતા નરેશ પટેલ અને પરેશ ગજેરાનું નામ ચૂંટણીલક્ષી વાતોમાં ચર્ચામાં રહ્યું. 2015 બાદ ભાજપને પાટીદાર મતોમાં જે ફટકો પડ્યો હતો. તેની સીધી અસર ગત 2017ની વિધાનસભાની ચૂંટણીમાં જોવા મળી હતી. એટલું જ નહિ, 2015 બાદ ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજીન ચૂંટણીઓમાં પણ ભાજપને પાટીદાર મતોનો મોટો ફટકો પડ્યો હતો.  ત્યારે ભાજપ હવે આ મામલે કોઈ ઢીલી દોર છોડવા માંગતુ નથી. ત્યારે ભાજપ આ ત્રણ દિગ્ગજોને ચૂંટણી લડાવે તેવી શક્યતાઓ ઉભી થઈ છે. તેમાં પણ સૌરાષ્ટ્રમાં ભાજપનું જોર નબળુ છે. તેથી જ કોંગ્રેસના મજબૂત નેતાઓને પક્ષપલટો કરાવીને ભાજપ કોંગ્રેસને સૌરાષ્ટ્રમાં નબળુ પાડવા માંગે છે. તો બીજી તરફ, દિગ્ગજોને ટિકીટ આપીને પાટીદારોમાં વિશ્વાસ ફરીથી સ્થાપિત કરવા માંગે છે. 


પાટીદાર મતો વિમુખ થયા
2014માં નરેન્દ્ર મોદી કેન્દ્રમાં ગયા બાદ તેમના અનુગામી તરીકે આનંદીબેન પટેલની નિમણૂંક કરાઈ હતી. તેના બીજા જ વર્ષે 2015માં ભાજપને પાટીદાર અનામત આંદોલનનો સામનો કરવો પડ્યો હતો. જેને કારણે આનંદીબેનને સત્તા તો ગુમાવવી પડી હતી, પણ સાથે જ ભાજપે પાટીદારોનો વિશ્વાસ ગુમાવ્યો હતો. જેની અસર વિધાનસભા તથા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમા જોવા મળી હતી. 


ઓપરેશન પાટીદાર પાર પાડશે ભાજપ 


  • કોણ છે નરેશ પટેલ


લેઉવા પટેલના મોટા સંગઠન અને પટેલ સમાજની આસ્થાના કેન્દ્ર એવા ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન છે નરેશ પટેલ. પાટીદારોમાં નરેશ પટેલ ઘણા લોકપ્રિય આગેવાન છે, તેમજ તેઓ હરહંમેશ વિવાદથી તેમજ કોઈની તરફેણ કરવાથી દુર રહે છે. નરેશ પટેલ પાટીદાર અનામત આંદોલન તથા તેના બાદ વિધાનસભાની ચૂંટણીથી ચર્ચામાં આવ્યા હતા. વિધાનસભાની ચૂંટણીમાં એક તરફ રાહુલ ગાંધીએ ખોડલધામ મંદિરના દર્શન કર્યા હતા, તો ચૂંટણીના આગામી દિવસે જ નરેશ પટેલે ભાજપને ટેકો જાહેર કર્યો હતો. આમ, તેઓ પાટીદાર ફેક્ટર અને રાજકારણમાં મોટું સ્થાન ધરાવે છે. 


  • કોણ છે સી.કે.પટેલ 


વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના સંયોજક સી.કે. પટેલની બીજી ઓળખ એનઆરઆઈ ગુજરાતી તરીકેની છે. તાજેતરમાં જ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના કાર્યક્રમમાં તેઓ મુખ્ય રોલમાં હતા, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાજરી આપી હતી. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન કડવા પટેલો માટે કેન્દ્રનું સ્થાન છે. આજકાલ પાટીદારો અને સરકાર વચ્ચે મધ્યસ્થી બનાવાની તેમની નવી છાપ ઉભરી રહી છે. 2007માં તેઓ હિમંતનગરની બેઠક પરથી કોંગ્રેસ માટે વિધાનસભાનું ઈલેક્શન લડ્યા હતા, પરંતુ તેમાં હારી ગયા હતા. પણ, તેના બીજા જ વર્ષે તેઓ ભાજપમાં જોડાયા હતા. હાલ, ચર્ચાઈ રહ્યુ છે કે, તેઓ રાજકીય રીતે ફરીથી સક્રિય થયા છે. 


  • કોણ છે પરેશ ગજેરા


પરેશ ગજેરા વર્ષ 2000માં કોંગ્રેસમાંથી વોર્ડ નંબર 17માંથી ચૂંટણી લડી કોર્પોરેટર બન્યા હતા. તેઓ ગુજરાતમાં સૌથી નાની વયના કોર્પોરેટર પરેશભાઈ ગજેરા છે. વર્ષ 2001થી નરેશભાઈ પટેલ સાથે જોડાયેલા છે. ખોડલધામ ટ્રસ્ટની સ્થાપના વર્ષ 2009માં થઈ ત્યારથી પરેશભાઈ ખોડલધામ ટ્રસ્ટ સાથે જોડાયા હતા અને  21 જાન્યુઆરી, 2017માં ટ્રસ્ટના પ્રમુખ બન્યા હતા. થોડા સમય પહેલા તેમણે ખોડલધામમાંથી રાજીનામુ આપ્યું હતું. વર્ષ 2017થી તેઓ ક્રેડાઈના ગુજરાત પ્રમુખ તરીકે ફરજ બજાવી રહ્યા છે.