VIDEO: મેવાણીના ગઢમાં ભાજપના ધારાસભ્યનું નિવેદન, વડગામની બેઠક ન જીતાડી તમે રાષ્ટ્ર સાથે ગદ્દારી કરી
Viral News : વડગામની બેઠક ન જીતાડી તમે રાષ્ટ્ર સાથે કરી ગદ્દારી..... રાજ્યકક્ષાના સહકાર મંત્રી જગદીશ પંચાલનું નિવેદન....
Gujarat Election Result અલ્કેશ રાવ/બનાસકાંઠા : વિધાનસભાની ચૂંટણીના પરિણામ આવ્યા બાદ વિજેતા ઉમેદવારો પોતાને જીતાડવા બદલ જનતાનો આભાર માની રહ્યા છે. ઘણા હારેલા ઉમેદવારો પણ જનતા વચ્ચે જઈ રહ્યા છે. મતદારોનો આભાર માનીને પોતાની ભૂલ સ્વીકારી રહ્યા છે. ભાજપે આ કાર્યક્રમોને ઋણ સ્વીકાર કાર્યક્રમ નામ આપ્યું છે. આ દરમિયાન જુદા જુદા દ્રશ્યો સામે આવી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણીના પરિણામ બાદ ક્યાંક ખુશીનો, તો ક્યાંક નિરાશાનો માહોલ જોવા મળ્યો. વિજેતા ધારાસભ્યોએ મતદારોનો આભાર માન્યો હતો. તો હારેલા ઉમેદવારોએ આત્મમંથન કર્યું હતું. જો કે ભાજપના એક નેતાએ વડગામમાં હારનું ઠીકરું પોતાના જ પક્ષના કેટલાક કાર્યકરો પર ફોડ્યું છે. ત્યારે વડગામના વરણાવાડા ખાતે આવેલ રાજ્યકક્ષાના સહકાર મંત્રી જગદીશ પંચાલે વડગામમાં હારનો બળાપો ઠાલવ્યો હતો.
જગદીશ પંચાલે સ્થાનિક લોકોને સંબોધીને કહ્યું કે, વડગામની બેઠક ન જીતાડી એનો રંજ છે. ખોટું લાગે તો ખોટું. વડગામની બેઠક ન જીતાડી તમે રાષ્ટ્ર સાથે ગદ્દારી કરી છે. જે પણ વડગામ બેઠકની હાર માટે જવાબદાર હોય એમને રાષ્ટ્ર સાથે ગદ્દારી કરી છે. મારા સ્વાગતમાં ફૂલહારનું આડંબર કરવા કરતાં બેઠક જીતાડી હોત તો ખુશી થાત.
મહિલા અધિકારીને પ્રોટોકોલ સમજાવતો વીડિયો વાયરલ
સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયોમાં કોંગ્રેસના ઉમેદવાર જીગ્નેશ મેવાણી કલેકટરને તેમની ફરજ સમજાવતા જોવા મળી રહ્યા છે. વાયરલ વીડિયોમાં જીગ્નેશ મેવાણી મહિલા કલેકટરને જણાવે છે કે, એક ધારાસભ્ય વિઝિટ કરે તો તમારે ઉભા થવું જોઈએ અને તેમને વેલકમ કરવું જોઈએ અને તે બેસે પછી બેસવું, એ ગેટ સુધી લેવા આવવું અને જગ્યા છોડે ત્યારે તેમને છોડવા આવવું આ એક પ્રોટોકોલ છે.