કોરોનાના ડરથી કમલમ બંધ, ભાજપની ચિંતન બેઠક પણ રદ
કમલમ (Kamalam) માં કામ કરતા કર્મચારીઓ પણ કોરોના પોઝિટિવ આવતા છેલ્લા ઘણા દિવસથી સી.આરના સંપર્કમાં આવેલા કાર્યકરો અને નેતાઓમાં ફફડાટ વ્યાપ્યો
- એક સાથે 7 લોકો કોરોના પોઝિટિવ આવતા અંતે કમલમ કાર્યકરો માટે બંધ કરી દેવાયું
- ઓફિસ સ્ટાફ સિવાય કોઈને અંદર એન્ટ્રી આપવામાં આવી નથી રહી
- પરેશ ધાનાણીએ કમલમને કોરોનાનું કેન્દ્રબિંદુ ગણાવ્યું
બ્રિજેશ દોશી/ગાંધીનગર :કોરોના મહામારી વચ્ચે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખે નવ નિયુક્ત સી.આર પાટીલ (cr patil) કાર્યાલય કમલમ સહિત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પ્રવાસો કરીને કોરોના (corona virus) ની ગાઇડલાઇનનું સરેઆમ ઉલ્લંઘન કર્યું હતું. જેના પગલે ખુદ પાટીલ સહિત ભાજપ (BJP) ના ધારાસભ્યો, આગેવાનો ઉપરાંત કમલમ (Kamalam) માં કામ કરતા કર્મચારીઓ પણ કોરોના પોઝિટિવ આવતા છેલ્લા ઘણા દિવસથી સી.આરના સંપર્કમાં આવેલા કાર્યકરો અને નેતાઓમાં ફફડાટ વ્યાપ્યો છે. સોમવારે અને મંગળવારે તો કમલમ ખાતે કાર્યકરોનો જાણે મેળો ભરાયો હતો. જો કે હવે એક સાથે 7 લોકો કોરોના પોઝિટિવ આવતા અંતે કમલમ કાર્યકરો માટે બંધ કરી દેવાયું છે.
આ પણ વાંચો : કંગનાનું સુરક્ષા કવચ બનશે ગુજરાતની કરણી સેના, ઘરે સુધી સુરક્ષિત પહોંચાડવાની જવાબદારી લીધી...
કમલમ બહાર બેરિકેટ લગાવી દેવાયા
કોરોનાના કેસ વધતા ભાજપનું કાર્યાલય કમલમ બંધ કરાયું છે. ઓફિસ સ્ટાફ સિવાય કોઈને અંદર એન્ટ્રી આપવામાં આવી નથી રહી. મુખ્ય ગેટ પર પણ પોલીસ કર્મી તૈનાત કરાયા છે. તો બીજી તરફ, ભાજપ પ્રમુખ સીઆર પાટીલ એપોલો હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશન હેઠળ છે. ભાજપ પ્રમુખે કોરોના ટેસ્ટ કરાવ્યો છે. તેમનો એન્ટીજન ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જોકે, RTPCR ટેસ્ટનો રિપોર્ટ આવવાનો બાકી છે. સંસદ સત્ર પહેલા ટેસ્ટ કરાવવો જરૂરી હોવાથી તેઓએ ટેસ્ટ કરાવ્યા હતો. તો ઉલ્લેખનીય છે કે, ભાજપનાં પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત પ્રદેશ કાર્યાલય કમલમનાં કાર્યાલય મંત્રી પરેશ પટેલ, મહિલા મોરચાના કાર્યાલય મંત્રી મોના રાવલ, ટેલિફોન ઓપરેટર રાકેશ પંડ્યા, સફાઇ કર્મચારીઓને લાવનાર ડ્રાઇવર, 2 સફાઇ કર્મચારી સહિત કોરોના પોઝિટિવ આવ્યા છે. આટલા કોરોના પોઝિટિવ આવતા કાર્યાલયની ઓફીસ બહાર રિબિન લગાવીને બેરિકેટ લગાવી દેવામાં આવ્યા છે.
આ પણ વાંચો : જમીન પચાવી પાડવાનો ખેલ હવે ગુજરાતમાં નહિ ખેલાય, આવ્યા મોટા બદલાવ
ભાજપની ચિંતન બેઠક કેન્સલ
આ ઉપરાંત બીજા મોટા સમાચાર એ છે કે, કોરોનાને પગલે ગુજરાત ભાજપની ચિંતન બેઠક રદ કરાઈ છે. 11-12 સપ્ટેમ્બરના રોજ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ તથા મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ચિંતન બેઠક યોજાનાર હતા. કેન્સવિલા ખાતે 2 દિવસીય ચિંતન બેઠકનું આયોજન કરાયું હતું. જોકે ભાજપમાં નેતાઓને કોરોનાના કેસ વધતા આ નિર્ણય લેવાયો છે. આ બેઠકમાં સરકાર, સંગઠન અને સંઘમાંથી 25 હોદ્દેદારો હાજરી આપવાના હતા.
આ પણ વાંચો : કોરોનાકાળમાં કાયદામાં આપેલી ઢીલ પૂરી, આજથી ગુજરાતમાં હેલ્મેટ માટે થશે 500 રૂપિયાનો દંડ
વિપક્ષે કમલમને ગણાવ્યું કોરોનાનું કેન્દ્રબિંદુ
કોરોનાના વધતાં કેસને પગલે વિપક્ષ નેતા પરેશ ધાનાણી (Paresh Dhanani) એ ભાજપ પર આકરા પ્રહાર કર્યાં છે. પરેશ ધાનાણીએ કમલમને કોરોનાનું કેન્દ્રબિંદુ ગણાવ્યું છે. અનેક ભાજપના નેતાઓને કોરોના પોઝિટિવ આવતા પરેશ ધાનાણીએ ટ્વીટ કરી છે. તેઓએ ટ્વીટમાં લખ્યું કે, ભાજપના 'ભાઉં'એ ભક્તોને પણ ભરડામાં લીધા. હવે "કમળ છાપ" કાર્યકર્તાઓથી સૌને દૂર જ રહેવા વિનંતી. ભાજપના કાર્યકારોથી દૂર રહો, નહિ તો કોરોના કરડી જશે. આ સાથે જ ધાનાણીએ સૌને તંદુરસ્ત સ્વાસ્થ્યની શુભેચ્છા પણ પાઠવી.