સમય પૂરો થઈ ગયો, પણ કોંગ્રેસમાંથી રાજ્યસભા માટે ફોર્મ ન ભરાયુ, ભાજપના બંને ઉમેદવાર બિનહરીફ થયા
હવે બંને ઉમેદવારો બિનહરીફ થતા રાજ્યસભામાં ભાજપની 8 બેઠકો થશે. તો કોંગ્રેસના 3 સાંસદ થશે
કોંગ્રેસને રાજ્યસભાની ચૂંટણીમાં જીતની આશા ન હોવાથી તે ઉમેદવાર નહિ રાખે તેવું સ્પષ્ટ હતું
બ્રિજેશ દોશી/ગાંધીનગર :1 માર્ચના રોજ ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી યોજાનાર છે. ત્યારે આજે ઉમેદવારી કરવાનો છેલ્લો દિવસ હતો. રાજ્યસભાની ચૂંટણી માટે ફોર્મ ભરવાનો સમય પૂર્ણ થઈ ગયો છે. પરંતુ કોંગ્રેસમાંથી કોઈ પણ ફોર્મ ન ભરાયું. ત્યારે હવે ભાજપના બંને ઉમેદવારો બિનહરીફ થશે. ઉમેદવારોના ફોર્મની ચકાસણી બાદ રામ મોકરીયા અને દિનેશ પ્રજાપતિને વિજેતા જાહેર કરાશે. હવે આ બંને ઉમેદવારો બિનહરીફ થઈને રાજ્યસભામાં જશે. આ સાથે જ રાજ્યસભામાં ભાજપનું સંખ્યાબળ વધશે.
રાજ્યસભમાં ભાજપના 8 સાંસદો થશે
રાજ્યસભામાં ગુજરાતની કુલ 11 બેઠક છે, આ પૈકીની સૌથી વધુ 7 બેઠક હાલ ભાજપ પાસે છે, જ્યારે બાકીની બેઠકો હાલમાં કૉંગ્રેસ પાસે છે. ભાજપમાંથી પરસોતમ રૂપાલા, મનસુખ માંડવિયા, નરહરિ અમીન, અભય ભારદ્વાજ, રમીલા બારા, ડૉ.એસ.જયશંકર અને જુગલજી ઠાકોર રાજ્યસભાના સાંસદ છે. તો કૉંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલ, અમીબેન યાજ્ઞિક, નારણસિંહ રાઠવા, અહેમદ પટેલ રાજ્યસભાના સાંસદ હતા, જેમાંથી ભાજપના રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ અને કોંગ્રેસના સાંસદ અહેમદ પટેલનું તાજેતરમાં નિધન થયું હતું. ત્યારે હવે બંને ઉમેદવારો બિનહરીફ થતા ભાજપની 8 બેઠકો થશે. તો કોંગ્રેસના 3 સાંસદ થશે.
આ પણ વાંચો : બે પત્નીઓ વચ્ચે પતિનો મરો... ભાજપા નેતાની બે પત્નીઓ અલગ અલગ પક્ષમાંથી લડી રહી છે ચૂંટણી
કોંગ્રેસ ઉમેદવારની જાહેરાત નહિ કરે તે નક્કી હતું
કોંગ્રેસ દ્વારા બપોર સુધી સુધી કોઈ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા ન હતા. કોંગ્રેસને રાજ્યસભાની ચૂંટણીમાં જીતની આશા ન હોવાથી તે ઉમેદવાર નહિ રાખે તેવું સ્પષ્ટ હતું. કારણ કે, રાજ્યસભાની ચૂંટણી માટે એક જાહેરનામાને બદલે અલગ અલગ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. જેથી કોંગ્રેસ પાસે જીત માટે પૂરતા ધારાસભ્યોનું સંખ્યાબળ નથી. આથી કોંગ્રેસ પોતાની હાર ભાળી ગઈ છે. જેથી તે ઉમેદવારોની જાહેરાત નહિ કરે તેવું ચર્ચાયુ હતું. જો કોંગ્રેસ ઉમેદવાર જાહેર નહિ કરે તો ભાજપના બંને ઉમેદવાર બિનહરીફ વિજેતા બનશે. પહેલી માર્ચે સવારે 9થી 4 વાગ્યા સુધી મતદાન યોજાશે. ચૂંટણીની મતગણતરી પહેલી માર્ચે સાંજે પાંચ વાગે યોજાશે.
આ પણ વાંચો : મળો ગુજરાતની પ્રથમ ટ્રાન્સવુમન ડોક્ટરને, પોતાના જ બાળકની માતા અને પિતા બનશે
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની આગેવાની સાથે ભાજપના રાજ્યસભાની ચૂંટણીના ઉમેદવારોએ ફોર્મ ભર્યાં હતા. રામભાઇ મોકરીયા અને દિનેશ પ્રજાપતિએ રાજ્યસભાના સભ્ય તરીકે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. ભાજપના પ્રમુખ સીઆર પાટીલ તથા પક્ષના દિગ્ગજ નેતાઓ પણ ઉમેદવારી ફોર્મ ભરતી વખતે હાજર રહ્યા હતા. જોકે, ચૂંટણીના અલગ અલગ નોટિફિકેશન હોવાથી કોંગ્રેસે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી નથી. દિનેશ પ્રજાપતિ એ અહેમદ પટેલની ખાલી થયેલી સીટ ઉપર ઉમેદવારી કરી છે. જ્યારે કે, રામભાઈ મોકરીયા એ અભયભાઈની ખાલી પડેલી સીટ ઉપર ઉમેદવારી કરી છે.