ગાંધીનગર :ગુજરાતની ચૂંટણીઓમાં અત્યાર સુધી બે રાજકીય પક્ષો વચ્ચે હોડ ચાલતી હતી. ત્યારે હવે આમ આદમી પાર્ટીની એન્ટ્રી થતા ત્રિકોણીયો જંગ જોવા મળી રહ્યો છે. ગોપાલ ઈટાલિયાના મહિલાઓના વિવાદને લઈને રાજકીય મામલો ગરમાયો છે. ભાજપ અને આપના નેતાઓ સામસામે પ્રહાર કરી રહ્યાં છે. ત્યારે આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાની અટકાયત બાદ ભાજપના નેતા સ્મૃતિ ઈરાની મેદાનમાં આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની માતાના અપમાન મામલે સ્મૃતિ ઈરાનીએ ગોપાલ ઈટાલિયા પર પ્રહાર કરતા કહ્યુ કે, ઈટાલિયાએ રાજકારણમાં ચમકવા માટે હીરાનું અપમાન કર્યુ છે. ગુજરાતની જનતા PMની માતાનું અપમાન સહન નહીં કરે, ચૂંટણીમાં જનતા જવાબ આપશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

AAP ને ગુજરાતની જનતા પાઠ ભણાવશે
ભાજપના નેતા સ્મૃતિ ઈરાનીના આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, AAP ને ગુજરાતની જનતા પાઠ ભણાવશે. આમ આદમી પાર્ટીએ ગુજરાતીઓનું અપમાન કર્યુ છે. રાજકીય ફાયદા માટે લોકોની ભાવનાને ઠેસ પહોંચાડી છે. ચૂંટણીમાં ફાયદા માટે આપના નેતાઓ નિવેદન આપી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણીમાં AAP ધ્વસ્ત થઈ જશે.



ગોપાલ ઈટાલિયાનો સ્મૃતિ ઈરાનીને વળતો જવાબ
સ્મૃતિ ઈરાનીને જવાબ આપવા ગોપાલ ઇટાલીયાએ ભાજપ સરકાર પર પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે, ભાજપ જુના વીડિયો વાયરલ કરી મત માંગવા નીકળ્યા છે. NCW માં હું જવાબ રજૂ કરવા ગયો ત્યારે મેડમે મારી સાથે ખરાબ વર્તન કર્યું. ગોપાલ ઇટાલીયાના નામની કેન્દ્રીય મંત્રીઓ પણ માળા ફેરવી રહ્યા છે. ભૂતકાળમાં ભાજપના નેતાઓએ પણ કોઈને ગાળો ભાંડવામાં બાકી રાખ્યું નથી. પૂર્વ પ્રધાનમંત્રી અને કોંગ્રેસના મહિલા રાષ્ટ્રીય અધ્યક્ષ સામે પણ મુખ્યમંત્રી પદેથી ગાળો ભાંડી છે. મારે પાટીદાર આગેવાનો સાથે પણ વાત થઈ છે. પાટીદાર આગેવાનો સાથે વાત થતા કહ્યું, આવું ન થવું જોઈએ. સ્મૃતિ ઈરાની મારા જુના વિડીયો પોસ્ટ કરે છે પણ તે ગેસના બાટલા માથે લઈને રોડ પર નાચતા હતા તેવા વીડિયો પણ તેને પોસ્ટ કરવા જોઈએ. 



ગોપાલ ઈટાલિયાના શબ્દો ગુજરાતના સંસ્કાર નથી
તો PMના માતાના અપમાન મામલે ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ AAP પર પ્રહાર કરતા કહ્યું કે, ગોપાલ ઈટાલિયાએ જે શબ્દો કહ્યા તે ગુજરાતના સંસ્કાર નથી. સરદાર સાહેબના વંશજ આ પ્રકારના શબ્દ પ્રયોગ ન કરે. ગોપાલ ઈટાલિયા કોઈ વાત પાટીદાર સમાજ સાથે ન જોડે. આ પાટીદાર સમાજના સંસ્કાર નથી. પાટીદાર સમાજના આગેવાન, વડીલો આ વાતથી નારાજ છે. પાટીદાર સમાજ આ વાતનો સખ્ત વિરોધ કરે છે. પાટીદાર સમાજનો ઉપયોગ થશે તો રોડ પર ઉતરીને વિરોધ થશે.