ભાવનગર જિલ્લા પંચાયતમાં ભાજપે કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી
કોંગ્રેસે ભાજપ પર આરોપ લગાવ્યો કે, ભાજપે 35 લાખમાં સભ્યોને ખરીદ્યા છે.
ભાવનગરઃ ભાવનગર જિલ્લા પંચાયતમાં સત્તા પરિવર્તન થઈ ગયું છે. જિલ્લાની 40 બેઠકોમાંથી 22 સીટો કોંગ્રેસના કબજામાં હતી. અઢી વર્ષ સુધી કોંગ્રેસના સંજયસિંહ સરવૈયા પ્રમુખ પદ્દે હતા. ત્યારે આજે ફરી ચૂંટણી યોજાઈ હતી. તો ચૂંટણીના આગલા દિવસે કોંગ્રેસના સભ્ય હીરાબેન અવૈયા તથા ગીતાબેન ખેનીએ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. જેથી આજની ચૂંટણીમાં હીરાબેન અવૈયા ગેરહાજર રહ્યાં અને કોંગ્રેસના ભાનુભાઈ ચૌહાણ અને બગદાણા બેઠકના મંગુભાઈ બારૈયા ભાજપ સાથે જતા રહ્યાં હતા. કોંગ્રેસના બે સભ્ય ગેરહાજર રહ્યાં હતા. આ દરમિયાન ચૂંટણીમાં ભારે રસાકસી જોવા મળી હતી. ભાજપને 20 તથા કોંગ્રેસને 19 મત મળ્યા હતા. આથી ભાજપનો ભાવનગર જિલ્લા પંચાયતમાં વિજય થયો હતો. કોંગ્રેસ પાસે બહુમતી હોવા છતા સત્તામાંથી બહાર થવાનો વારો આવ્યો છે. કોંગ્રેસે ભાજપ પર આક્ષેપ કર્યો કે, કોંગ્રેસે 35 લાખમાં સભ્યોને ખરીદ્યા છે. જ્યારે ભાજપે આ આક્ષેપોનું ખંડન કર્યું છે.