ભાઈ માટે `સાસરી` વાવમાંથી તો મામેરું ભરી દીધું પણ ગેનીબેન `પિયર` ભાભરમાં કંઈ ના કરી શક્યા!
1300 મતથી ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે. તો કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતની હાર થઈ છે. હાલનું પરિણામ આવ્યા બાદ એવું લાગી રહ્યું છે કે ભાઈ માટે સાસરી વાવમાંથી તો મામેરું ભરી દીધું પણ ગેનીબેન ઠાકોર પિયર ભાભરમાં કંઈ કરી શક્યા નહોતા. જેના કારણે ભાજપની જીત થઈ છે.
Vav Assembly By Election 2024: કાંટાની ટક્કર વચ્ચે ભાજપે વાવ વિધાનસભા પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થતાં હવે કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ સીધા ઘર ભેગા થયા છે. છેલ્લી ઘડી સુધી શ્વાસ અદ્ઘર કરી દે તેવું વાવ પેટાચૂંટણીનું પરિણામ રહ્યું હતું. વાવ વિધાનસભામાં 20 રાઉન્ડ સુધી આગળ રહેલાં કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતને પછાડીને ભાજપના સ્વરુપજી ઠાકોરે ભવ્ય જીત મેળવી છે. 1300 મતથી ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે. તો કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતની હાર થઈ છે. હાલનું પરિણામ આવ્યા બાદ એવું લાગી રહ્યું છે કે ભાઈ માટે સાસરી વાવમાંથી તો મામેરું ભરી દીધું પણ ગેનીબેન ઠાકોર પિયર ભાભરમાં કંઈ કરી શક્યા નહોતા. જેના કારણે ભાજપની જીત થઈ છે.
ભાજપ વાવ જીતીને કોંગ્રેસ સાથે લોકસભાનો બદલો લીધો!
મહત્વનું છે કે વાવથી ધારાસભ્ય રહેલા ગેનીબહેનની લોકસભામાં જીત થઈ હતી. જેથી આ બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી. ભાજપ માટે આ બેઠક જીતવા ખુબ મહેનત કરી છે તો કોંગ્રેસ માટે આ બેઠક સાચવી રાખવા ખુબ મથામણ કરી હતી. પરંતુ ભાજપ વાવ જીતીને કોંગ્રેસ સાથે લોકસભાનો બદલો લઈ લીધો છે. 2022માં ઐતિહાસિક 156 બેઠક જીતનારુ ભાજપ વાવ જીતવા તનતોડ મહેનત કરી રહ્યું હતું અને તે જીતીને બતાવ્યું પણ છે.
ગેનીબહેન ઠાકોરે સાસરી- પિયરમાં કંઇ કરી શક્યા નહી!
તમને જણાવી દઈએ કે કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોર આ બેઠક જીતવા માટે એડીચોંટીનું જોર લગાવ્યું હતું. જેમાં ગેનીબેનનું મામેરું અને બીજી બાજુ પાઘડીની લાજની રાજનીતિ શરૂ થઈ હતી. ગેનીબહેન ઠાકોરે અનેક સભાઓ કરી જેમાં મામેરાનો મુદ્દો ગૂંજતો રહ્યો હતો. પરંતું હાલનું પરિણામ આવ્યા બાદ એવું લાગી રહ્યું છે કે ગેનીબહેન પોતાનું મામેરૂ ભર્યુ એ ભાઇ માટે પોતાના પિયર ભાભરમાં કંઇ કરી શક્યા નથી. વાવમાં ભાજપની મહેનત કામે લાગી છે અને કમળ ખીલ્યું છે. બીજી બાજુ રાધનપુરના લવિંગજી દેશી ઢોલ ઉપર મરચી, ટેટુડો લેવાની તૈયારી કરી રહ્યા છે.
નોંધનીય છે કે, વાવ વિધાસભાની પેટાચૂંટણીના પરિણામમાં ભાજપના સ્વરુપજી ઠાકોરની 2500થી વધુ મતની લીડથી જીત થઇ છે. 13 નવેમ્બરના રોજ મતદાન થયા બાદ સૌની નજર આજના દિવસ પર હતી. આજે પાલનપુરના જગાણા સ્થિત સરકારી ઈજનેરી કોલેજ ખાતે મતગણતરી હાથ ધરાઇ હતી. વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં વાવ, સુઈગામ અને ભાભર તાલુકાના 179 ગામોના 321 બુથો પર 70.54 % ટકા મતદાન થયું હતું. 3 લાખ 10 હજાર 681 મતદારોએ પૈકી 2 લાખ 19 હજાર 266 મતદારોએ પોતાનો મત આપ્યો હતો. જેમાં 1 લાખ 20 હજાર 619 પુરુષ અને 98 હજાર 647 મહિલા મતદારોએ મત આપ્યો હતો. પાલનપુરના જગાણા સ્થિત સરકારી ઈજનેરી કોલેજ ખાતે કુલ 321 બુથની 23 રાઉન્ડમાં મતગણતરી હાથ ધરાઇ હતી. જેમાં ભારે રસાકસી બાદ અંતે વાવ બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે.