ભાજપની અસલી જીત આ 5 બેઠકો પર છે, જ્યાં ગુજરાત સ્થાપના બાદ ક્યારેય કમળ ખીલ્યુ ન હતું, પહેલીવાર ભગવો લહેરાયો
BJP Big Victory In Gujarat Election 2022 : ગુજરાત બન્યું ત્યારથી આ 5 બેઠક ભાજપ આજદિન સુધી ક્યારેય કમળ ખીલ્યુ ન હતુ, માત્રને માત્ર કોંગ્રેસનું શાસન રહ્યુ હતું, ત્યારે કમળે આ વખતે કરી દીધી કમાલ!
Gujarat Assembly Election Results 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને આપનો કારમો પરાજ્ય થયો છે. ભાજપે 156 બેઠક સાથે ઐતિહાસિક જીત મેળવી છે. તો 182 સીટમાંથી કોંગ્રેસને માત્ર 17 તો આપને 5 સીટ જ મળી છે. ભાજપે 2022 ની ચૂંટણીમાં અનેક એવા રેકોર્ડ તોડ્યા છે, જે આજદિન સુધી ક્યારેય તૂટ્યા ન હતા. ભાજપ કોંગ્રેસની એવી બેઠકો જીતવામાં સફળ રહ્યું, જ્યાં ક્યારેય કમળ ખીલ્યુ ન હતું. ક્યાંક આઝાદી બાદ તો ક્યાંક ગુજરાતની સ્થાપના બાદ આ બેઠકો પર માત્રને માત્ર કોંગ્રેસનું શાસન હતું, પરંતું પહેલીવાર ભાજપે આ બેઠકો કોંગ્રેસ પાસેથી આંચકી છે.
ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસના 5 અભેદ્ય કિલ્લા સર કરવામાં સફળતા મેળવી છે. ભાજપે અત્યાર સુધી ક્યારેય ન જીતેલી 5 બેઠકો પર જીત મેળવી છે. ગુજરાત મહારાષ્ટ્રથી અલગ રાજ્ય થયું, ત્યારથી આ બેઠકો કોંગ્રેસ પાસે હતી. પરંતું આ બેઠકો પર હવે ભાજપનો ભગવો લહેરાયો છે. આવી બેઠકો વિશે જોઈએ...
બોરસદમાં ભાજપના ઉમેદવાર રમણ સોલંકીની જીત થઈ
ઝઘડિયા બેઠક પર ભાજપના રિતેશ વસાવાની જીત
તાપીની વ્યારા બેઠક પર ભાજપના મોહન કોંકણીની જીત
ખેડાની મહુધા બેઠક પર ભાજપના સંજય મહીડાની જીત
દાહોદના ગરબાડા બેઠક પર ભાજપના મહેન્દ્ર ભાભોરની જીત
વ્યારામાં ભાજપે આઝાદી બાદ જીતનો સ્વાદ ચાખ્યો
ભાજપ માટે આ બહુમત કરતા પણ સૌથી મહત્વની જીત વ્યારાની કહી શકાય. કારણ કે, ભાજપે પહેલીવાર વ્યારામા જીતનો સ્વાદ ચાખ્યો છે. આઝાદી બાદ વ્યારામાં ક્યારેય કમળ ખીલ્યુ ન હતું, આ બેઠક કોંગ્રેસ પાસે જ રહી હતી. ત્યારે પહેલીવાર ભાજપે કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી છે. જેનુ શ્રેય પ્રધાનમંત્રી મોદીને જાય છે. ચૂંટણી પ્રચારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દક્ષિણ ગુજરાત પર વધુ ફોકસ કર્યુ હતું અને અહીથી જ ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા હતા. ત્યારે આ મહેનત પીએમ મોદીને ફળી છે. કારણ કે, વ્યારામાં આઝાદી બાદ પહેલીવાર કમળ ખીલ્યું છે. આઝાદી બાદથી અથાગ મહેનત છતાં ભાજપને ક્યારેય વ્યારામાં બહુમત મળી ન હતી. ભાજપ હંમેશાથી વ્યારામાં સત્તાથી દૂર રહી હતી. પરંતું 2022 ની ચૂંટણીમાં પરિવર્તન થયું છે, અને વ્યારામાં ભાજપે જીતનો સ્વાદ ચાખ્યો છે.
મહુધામાં કોંગ્રેસના ગઢમાં ગાબડું
ખેડા જિલ્લાની 6 બેઠકો પર ભગવો લહેરાયો છે. પરંતુ ભાજપની સૌથી મોટી જીત મહુધામાં છે. મહુધામાં ગુજરાતની સ્થાપના બાદ ભાજપે પ્રથમવાર જીત મેળવી. છે. મહુધા વિધાનસભાના કોંગ્રેસના ગઢમાં ભાજપ ગાબડું પાડવામાં સફળ રહ્યું છે. એક હથ્થું શાસનમાં રહેલી કોંગ્રેસની સીટ ભાજપે આંચકી લીધી છે. ભાજપના સંજયસિંહ મહીડા મહુધા વિધાનસભાના બેઠક પરથી વિજયી થયા છે. ગુજરાતની સ્થાપના બાદ સૌપ્રથમ વખત ભાજપે આ સીટ પર વિજય મેળવ્યો.
ઈતિહાસમા મહુધામાં પ્રથમ વખત ભાજપની જીત....
ખેડા જિલ્લામાં કોંગ્રેસનો ગઢ રહી ચૂકેલા મહુધા વિધાનસભા વર્ષ 1961થી એટલે કે રાજ્યના સ્થાપના સમયથી વિધાનસભાની બેઠક કોંગ્રેસના હસ્તક હતી. મહત્વનું છે કે, વર્ષ 2002ના ગોધરાકાંડ વખતે પણ કોંગ્રેસની આ બેઠક પર જીત થઈ હતી. આ બેઠક કોઈપણ સંજોગોમાં કોંગ્રેસ ગુમાવવા માંગતી નહોતી. જે ગણતરી આજે ખોટી પડી છે. કેટલાય પાકા નેતાઓ આ સીટ પર લડ્યા અને કોંગ્રેસ પાસેથી આંચકી લેવા પ્રયાસો કર્યા હતા. પરંતુ તે તમામ નિષ્ફળ રહ્યા છે.