ભાવનગરની ડિસ્ટ્રીક્ટ બેંકની ચૂંટણીમાં ભગવો લહેરાયો, કોંગ્રેસે હારથી વર્ષોનું આધિપત્ય ગુમાવ્યું
ભાવનગરમાં 13 વર્ષ બાદ યોજાયેલી ભાવનગર ડિસ્ટ્રીક્ટ બેંકની ચુંટણીમાં આજે ભાજપે કુલ 16 બેઠકો પૈકી 13 બેઠકો પર જીત મેળવી ભગવો લહેરાવ્યો હતો. લાંબા સમયથી કોંગ્રેસની પેનેલનું આ બેંક પર આધિપત્ય હતું, જેમાં આખરે કોંગ્રેસને પોતાની સત્તા ગુમાવવાનો વારો આવ્યો છે. જ્યારે બેંકમાં ભવ્ય જીતના પગલે ભાજપના કાર્યકરોએ ફટાકડા ફોડી એકબીજાના મોંઢા મીઠા કરાવી જીતની ઉજવણી કરી હતી. જયારે જીતના પગલે ભાજપે આવનારા સમયમાં સરકારની ખેડૂતો અંગેની તમામ યોજનાઓનો લાભ આ બેંકના ખાતેદારોને મળશે તેમ જણાવ્યું હતું.
નવનીત દલવાડી/ભાવનગર :ભાવનગરમાં 13 વર્ષ બાદ યોજાયેલી ભાવનગર ડિસ્ટ્રીક્ટ બેંકની ચુંટણીમાં આજે ભાજપે કુલ 16 બેઠકો પૈકી 13 બેઠકો પર જીત મેળવી ભગવો લહેરાવ્યો હતો. લાંબા સમયથી કોંગ્રેસની પેનેલનું આ બેંક પર આધિપત્ય હતું, જેમાં આખરે કોંગ્રેસને પોતાની સત્તા ગુમાવવાનો વારો આવ્યો છે. જ્યારે બેંકમાં ભવ્ય જીતના પગલે ભાજપના કાર્યકરોએ ફટાકડા ફોડી એકબીજાના મોંઢા મીઠા કરાવી જીતની ઉજવણી કરી હતી. જયારે જીતના પગલે ભાજપે આવનારા સમયમાં સરકારની ખેડૂતો અંગેની તમામ યોજનાઓનો લાભ આ બેંકના ખાતેદારોને મળશે તેમ જણાવ્યું હતું.
ભાવનગર ડિસ્ટ્રીક્ટ બેંકની ચુંટણીના પરિણામો અંગેની મતગણતરીનો આજે સવારે 9 કલાકે વિદ્યાનગર તાલુકા પંચાયત કચેરી ખાતે પ્રારંભ થયો હતો. ભાવનગર ડિસ્ટ્રીક્ટ બેંકની ચૂંટણીમાં કુલ 16 બેઠકો પૈકી ૩ બેઠકો બિનહરીફ જાહેર થઇ હતી. જેમાં સાવરકુંડલા અને જેસર બેઠકના ભાજપના ઉમેદવારો તેમજ ખ વિભાગના કોંગ્રેસના ઉમેદવાર બિનહરીફ વિજેતા બનતા 13 બેઠકો માટેની ચુંટણીના પરિણામો આજે જાહેર થયા હતા. ઘોઘા અને ભાવનગરની ઘ વિભાગની બેઠકને બાદ કરતા બાકીની તમામ 12 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો હતો. એટલે કે કુલ 16 બેઠક પૈકી 13 ભાજપ અને ૩ કોંગ્રેસને ફાળે ગઈ હતી.
આ પણ વાંચો : રાજકોટના જાણીતા કડવા પાટીદાર આગેવાન મહેન્દ્ર ફળદુએ કરી આત્મહત્યા
આ ચુંટણીમાં બેંકના વર્તમાન ચેરમેન નાનુભાઈ વાઘાણી અને તેના પુત્રને પણ હારનો સામનો કરવો પડ્યો હતો, જયારે જેમના નેજા હેઠળ આ ચુંટણી ભાજપે લડી હતી તે ગારીયાધારના ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી હવે ભાવનગર ડિસ્ટ્રીક્ટ બેન્કના નવા ચેરમેન બનશે. એક પછી એક ભાજપના પક્ષમાં પરિમાણો જાહેર થતા ભાજપના કાર્યકરો ગેલમાં આવી ગયા હતા. વિજેતા ઉમેદવારોને ફૂલહાર કરી મો મીઠું કરાવાયુ હતું. તો ફટાકડા ફોડી જીતની ઉજવણી કરી હતી. જ્યારે જીતની સાથે જ ગુજરાત ભાજપ સંગઠનના ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયાએ કહ્યું કે, આ બેંકમાં ભૂતકાળમાં થયેલા ગોટાળા અંગે તપાસ કરવામાં આવશે. તેમજ આજ દિન સુધી સરકારની અનેક યોજનાઓ આ બેંકમાં અમલી ન હતી. એટલે કે આ યોજનાઓ લાભ ખેડૂતોને મળતો ન હતો. જે તમામ લાભો હવે ખેડૂતોને મળશે અને તે જ ખેડૂતોએ મુકેલા અમારા પરના વિશ્વાસની ભેટ હશે.
આ ચુંટણીમાં વર્ષોથી સત્તારૂઢ રહેલી કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો છે. લાંબા સમયથી કોર્ટમાં કેસ મૂકી ચુંટણીને યેનકેન પ્રકારે ટાળી રહેલા વર્તમાન ચેરમેન નાનુભાઈ વાઘાણીને હારનો સામનો કરવો પડ્યો હતો. જયારે હારની સાથે જ કોંગ્રેસે હારનું ઠીકરું અધિકારીઓ પર ફોડ્યું હતું. મોટી ચુંટણીઓ ઈવીએમનુ કારણ ગણાવતી કોંગ્રેસે કલેક્ટર અને એસપીની કામગીરીને હાર માટે જવાબદાર ગણાવી હતી.