• મોરબીમાં ભાજપ તરફી પરિણામ લાવવામાં બ્રિજેશ મેરજાનો રોલ કહી શકાય. બ્રિજેશ મેરજા કોંગ્રેસના મતદારોને ભાજપ તરફ લાવવામાં સફળ થયા


ઝી મીડિયા/બ્યૂરો :મોરબી નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાઈ ચૂક્યો છે. આ સાથે જ બપોરના પરિણામ સુધી ભાજપ 6 નગરપાલિકા કબજે કરી ચૂક્યું છે. જેનાથી કહી શકાય કે, ધારાસભ્ય બ્રિજેશ મેરજાનો પક્ષપલટો ભાજપને ફળ્યો. મોરબીમાં ભાજપ તરફી પરિણામ લાવવામાં બ્રિજેશ મેરજાનો રોલ કહી શકાય. બ્રિજેશ મેરજા કોંગ્રેસના મતદારોને ભાજપ તરફ લાવવામાં સફળ થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોરબી નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. મોરબી નગરપાલિકાની ચૂંટણીમાં લેટેસ્ટ અપડેટ મુજબ, કુલ 52 બેઠકમાંથી 27 બેઠક ઉપર ભાજપ કબજો મેળવી ચૂક્યું છે. જોકે, હજુ સુધી કોંગ્રેસે મોરબી પાલિકામાં ખાતુ ખોલાવ્યું નથી. જે બતાવે છે કે, મોરબીમાં કોંગ્રેસનો સફાયો થયો છે. મોરબીમાં તમામ મોરચે ભાજપ આગળ ચાલી રહ્યું છે. મોરબી જિલ્લા પંચાયતમાં પણ ભાજપ આગળ ચાલી રહ્યું છે. મોરબી નગરપાલિકામાં ભાજપ આગળ છે. તો તાલુકા પંચાયતમાં પણ લગભગ તમામ બેઠકો પર ભાજપ આગળ છે. જે 2015નું પરિણામ પલટવા જઈ રહ્યું છે. 


આ પણ વાંચો : 2015ના પરિણામોને પલટશે ભાજપ, વિજય તરફ રમરમાટ દોટ લગાવી 


તો મોરબીમાં 2015નું પરિણામ બદલશે ભાજપ
મોરબી જિલ્લા પંચાયતની 24 બેઠકમાંથી 2015માં ભાજપને 2 અને કોંગ્રેસને 22 બેઠક મળી હતી. મોરબી નગરપાલિકામાં 2015માં 52 બેઠકમાંથી 19 ભાજપને અને 32 બેઠક કોંગ્રેસને મળી હતી. જ્યારે વાંકાનેર નગરપાલિકામાં 2015માં 28 બેઠકમાંથી 22 બેઠક ભાજપને અને એક બેઠક કોંગ્રેસને મળી હતી. મોરબી જિલ્લાની 5 તાલુકા પંચાયતમાં 2015માં 102 બેઠકમાંથી 21 બેઠક ભાજપ, 75 બેઠક કોંગ્રેસ અને 1 બેઠક અન્યને મળી હતી. ત્યારે હવે 2021ની ચૂંટણીમાં ભાજપ જીત તરફ આગળ વધી રહ્યું છે. જોકે, માળિયા મિયાણામાં કોંગ્રેસનો વિજય થયો છે.


આ પણ વાંચો : 7 નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો, મોરબી-ગોંડલમાં કોંગ્રેસનું ધોવાણ થયું   


બ્રિજેશ મેરજાએ ગત વર્ષે પક્ષપલટો કર્યો હતો
વિધાનસભાની ચૂંટણીમાં મોરબી કોંગ્રેસનો ગઢ ગણાતી હતી. પરંતુ ગત વર્ષે કોંગ્રેસના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ પક્ષપલટો કર્યો હતો. તેના બાદ પેટાચૂંટણીમાં ભાજપે આયાતી ઉમેદવાર બ્રિજેશ મેરજાને ટિકિટ આપી હતી. મોરબી બેઠક પર અત્યંત રસાકસીભર્યા માહોલ વચ્ચે અંતે ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાની જીત થઈ હતી અને કોંગ્રેસના જયંતી પટેલ હાર્યા હતા. જોકે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બ્રિજેશ મેરજાની હાજરીનો ભાજપને ફાયદો થયો છે. 


ઉલ્લેખનીય છે કે, મોરબી જિલ્લા પંચાયતની 24 બેઠક પર 70 ટકા મતદાન થયું છે. તેમજ 5 તાલુકા પંચાયતની 76 બેઠક પર 66.44 ટકા મતદાન થયું છે. મોરબી જિલ્લાની ત્રણ નગરપાલિકામાં 104 બેઠક પર 55.22 ટકા મતદાન નોંધાયું છે.