કેતન જોશી/અમદાવાદ : ભાજપ માટે હમેશા સૌરાષ્ટ્ર કમજોર કળી જેવું રહ્યું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસનો હાથ બીજેપી કરતા ઉંચો રહ્યો છે. ત્યારે ભાજપ હવે આગામી લોકસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં પોતાનો પક્ષ નબળો થવા દેવા માંગતુ નથી. આ કારણે સૌરાષ્ટ્રના એક પછી એક ધારાસભ્યોને કોંગ્રેસમાંથી ખેડવીને ભાજપમાં જોડવામાં આવી રહ્યાં છે. આ નેતાઓને રાજી કરવા માટે જરૂર પડ્યે મંત્રી પદ પણ આપવામાં આવી રહ્યું છે. ભાજપ માટે સૌરાષ્ટ્રની લોકસભાની જુનાગઢ, જામનગર, સુરેન્દ્રનગર, પોરબંદર સીટો નબળી પડી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છેલ્લા એક જ અઠવાડિયામાં કોંગ્રેસના જવાહર ચાવડા, વલ્લભ ધારવિયા અને પરસોતમ સાબરીયા હવે ભાજપનો ખેંસ પહેરી ચૂક્યા છે. તો આજે કોંગ્રેસ જામનગર ગ્રામ્યના ધારાસભ્ય વલ્લભ ધારવીયા પણ કોંગ્રેસને રાજીનામુ સોંપી ચૂક્યા છે. ભાજપે શા માટે જવાહર ચાવડાને કેબીનેટ મંત્રીપદ આપીને પક્ષમાં પ્રવેશ કરાવ્યો તેની પાછળનું કારણ છે આહીર જ્ઞાતિના મતો. તો બીજી તરફ જામનગર ગ્રામ્યના કોંગી ધારાસભ્ય વલ્લભ ધારવિયાને પાર્ટીમાં લેવાનું કારણ સૌરાષ્ટ્રમાં રહેલા સતવારા જ્ઞાતિના લાખો મત છે. તો પરસોતમ સાબરીયાને લઈને પણ ભાજપ હવે જ્ઞાતિનું ગણિત અંકે કરવા માંગે છે. 


આ અગાઉ પણ સૌરાષ્ટ્રના પાટીદાર દિગ્ગજ નેતા વિઠલ રાદડીયા અને તેના દીકરા જયેશને ભાજપમાં ભેળવીને સૌરાષ્ટ્રના લેઉવા પાટીદારોના મત ભાજપે અંકે કર્યા હતા. આ પછી સૌરાષ્ટ્રના કોળી જ્ઞાતિના મતો ઉપર પુરુષોત્તમ સોલંકી કરતા કુવરજી બાવળિયાનું વર્ચસ્વ વધવા લાગ્યું હતું અને આ જ ગણતરી માંડીને ભાજપે કુંવરજીને પણ ભાજપમાં લીધા અને તેમને મંત્રીપદની લોલીપોપ આપી હતી.  


સૌરાષ્ટ્રના જ પાટીદાર દિગ્ગજ નેતા અને મૂળ ભાજપી એવા રાઘવજી પટેલ પણ યેનકેન પ્રકારે ભાજપમાં આવે તેવા દાવમાં ભાજપ સફળ રહ્યું. આટલું જ નહિ પરંતુ લોકસભા ચૂંટણી પહેલા હજુ સૌરાષ્ટ્રના મજબુત કહી શકાય તેવા ધારાસભ્યો અને નેતાઓ ભાજપમાં આવે તો બિલકુલ નવાઈ પામવા જેવું નથી. હવે જોવાનું એ રહ્યું કે જે રીતે કોંગ્રેસના જૂના જોગી જે રીતે ભાજપમાં પ્રવેશ કરીને મોટા હોદ્દા અને મંત્રી પદ મેળવી રહ્યાં છે, ત્યારે તેની નકારાત્મક અસર ક્યાંક ભાજપ ઉપર તો નથી પડવાની ને. ભાજપને તેમના જ ધારાસભ્યોની નારાજગી વહોરવી ન પડે.