અમદાવાદઃ ગુજરાતમાં 26માંથી 26 બેઠકો જીતવા માટે ભાજપે કમરકસી છે. આજ કાલમાં ભાજપના જાહેર થનારા લિસ્ટમાં ગુજરાતના કેટલાક ઉમેદવારોના નામ પણ હશે. દેશમાં આપ અને કોંગ્રેસના ગઠબંધન વચ્ચે ગુજરાતમાં પણ 2 સીટ આપ લડી રહી છે. આપે ધારાસભ્યો પર દાવ લગાવ્યો છે. ભાવનગરમાં ઉમેશ મકવાણા અને ભરૂચ સીટ પરથી ચૈતર વસાવાને ઉમેદવાર બનાવ્યા છે. ચૈતરને ભરૂચમાં આદીવાસી સમાજનો નેતા કહેવામાં આવે છે. હવે ભાજપે એવો ખેલ પાડ્યો છે કે છેક દિલ્હી સુધી મરચાં લાગશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સીઆર પાટીલ સાથે બેઠક


ચૈતર વસાવા જે પાર્ટીના બેનર તળે નેતા બન્યો છે એ બીટીપીના સરવે સરવા છોટુ વસાવાના દીકરા મહેશ વસાવાએ આજે સીઆર પાટીલ સાથે બેઠક કરી છે. ભાજપ કોઈ પણ સંજોગોમાં આદીવાસી વોટબેંકમાં ભાગલા પાડવા માગે છે. હાલમાં ભરૂચની સીટ પરથી મનસુખ વસાવા સાંસદ છે. ભરૂચ એ 2 દાયકાથી ભાજપનો ગઢ છે. આમ છતાં 13 ટકા મતને સહારે ચૈતર વસાવા અહીં મેજિક કરવા માગે છે. આપને અહીં ચૈતર વસાવા પર પૂરો ભરોસો છે. 


આ પણ વાંચોઃ ભગવાન શ્રીરામના દર્શન કરવા શનિવારે અયોધ્યા જશે ગુજરાતનું મંત્રીમંડળ


ગુજરાત કોંગ્રેસે અહીં અહેમદ પટેલની દીકરી મુમતાઝ પટેલને સાઈડલાઈન કરી આપ સાથે ગઠબંધન કર્યું છે. ભરૂચ સીટ પર આપ કરતાં કોંગ્રેસના મત વધુ હોવા છતાં દિલ્હી અને હરિયાણાના ગઠબંધનને ધ્યાને લઈને કોંગ્રેસે આ સીટ આપને ભેટ ધરી દીધી છે. ભાજપ માટે આ સીટ એ વટનો સવાલ છે. ગુજરાતમાં ભાજપ હેટ્રીક ફટકારવા માગે છે. આપ ભરૂચની સીટ જીતી જાય તો મોદી પીએમ બને તો પણ આ કલંકને કેજરીવાલ ભૂલવા ના દે.. એક સીટ ગુજરાતમાં જીતીને મોદી અને અમિત શાહના હોમ ટાઉનમાં આપના પગપેસારાના દિલ્હી સુધી પડઘા પડે. એટલે ભાજપ સક્રિય થઈ છે. 


મહેશ વસાવા આજે જોડાશે ભાજપમાં


પાટીલે આજે બીટીપીના મહેશ વસાવા સાથે બેઠક કરી છે. મહેશ વસાવા અને છોટું વસાવાનો આજે પણ આદીવાસી સમાજ પર હોલ્ડ છે. ચૈતર વસાવા બીટીપીમાંથી મોટો થઈ આપમાં જોડાઈ ધારાસભ્ય બન્યો છે. ભાજપ આદીવાસી સમાજના મતમાં ભાગલા પાડવા માટે મહેશ વસાવાને આગળ કરી રહી છે. મહેશ વસાવા ભાજપમાં જોડાય તો ભાજપ અહીં મોટો ખેલ પાડી શકે છે. ગુજરાતમાં આદીવાસી બેલ્ટમાં છોટુ વસાવાને કારણે ભાજપને મોટો ફાયદો થઈ શકે છે. ભાજપ અહીં વસાવા વર્સિસ વસાવાનો જંગ ખેલી શકે છે. છેલ્લા 2 દાયકાથી અહીં જીતતા મનસુખ વસાવાને ફરી રીપિટ કરવાના ભાજપ મૂડમાં નથી. જેથી મહેશ વસાવાને ભરૂચ સીટ પર લોટરી લાગી શકે છે. અહીં જો અને તોના સમીકરણો વચ્ચે એક બેઠકે ભરૂચમાં હલચલ જગાવી છે.