BJP ના નવા કેન્દ્રીય મંત્રીઓ આજથી મેળવશે જનતાના આશીર્વાદ, શરૂ કરી `જન આશીર્વાદ યાત્રા`
કેન્દ્રીય મંત્રીમંડળમાં સામેલ થયા બાદ અને ચાર્જ સંભાળ્યા બાદ નવા મંત્રીઓ હવે જનતાના આશીર્વાદ મેળવવા માટે નિકળશે. રાજ્યમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશ, દેવુસિંહ ચૌહાણ અને ડો. મહેન્દ્ર મુંજપરા જનતાના આશીર્વાદ મેળવવા જશે.
અમદાવાદઃ આશરે એક મહિના પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું હતું. જેમાં ગુજરાતમાંથી બે નેતાઓને કેબિનેટ અને ત્રણ નેતાઓને રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યા હતા. હવે નવા બનેલા મંત્રીઓ જનતાના આશીર્વાદ મેળવવા માટે ત્રણ દિવસની જન આશીર્વાદ યાત્રા કાઢવાના છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશ, મહેન્દ્ર મુંજપરા અને દેવુસિંહ ચૌહાણ જન આશીર્વાદ યાત્રાએ જવાના છે.
જનતાના આશીર્વાદ મેળવશે નવા મંત્રીઓ
કેન્દ્રીય મંત્રીમંડળમાં સામેલ થયા બાદ અને ચાર્જ સંભાળ્યા બાદ નવા મંત્રીઓ હવે જનતાના આશીર્વાદ મેળવવા માટે નિકળશે. સંસદના ચોમાસુ સત્રની સમાપ્તિ બાદ ભાજપે કેન્દ્રીય મંત્રીમંડળમાં સામેલ કરેલા તમામ મંત્રીઓને જનતાના આશીર્વાદ મેળવવા માટે જન આશીર્વાદ યાત્રા કાઢવાનું આયોજન કર્યું હતું. દેશભરમાં આજથી આ જન આશીર્વાદ યાત્રાનો પ્રારંભ થવાનો છે. આ યાત્રા 16 ઓગસ્ટથી 18 ઓગસ્ટ સુધી ચાલશે.
અમદાવાદથી લીમડી સુધી મહેન્દ્ર મુંજપરાની યાત્રા
સુરેન્દ્રનગરથી સાંસદ અને કેન્દ્રીય રાજ્ય મંત્રી મહેન્દ્ર મુંજપરા પોતાની જન આશીર્વાદ યાત્રાનો પ્રારંભ અમદાવાદથી કરશે. તેમની યાત્રા બાવળા, ગણપતપુરા, બગોદરા, ધંધુકા, રાણપુર, ચુડા થઈ લીમડી ખાતે પૂરી થવાની છે.
આ પણ વાંચો- Gujarat: 8 મહાનગર પાલિકાઓમાં રાત્રિ કર્ફ્યૂની અવધિ લંબાવાઈ, આ તારીખ સુધી રહેશે અમલ
દેવુસિંહચૌહાણ રતનપુરથી પાટણ સુધી મેળવશે જનતાના આશીર્વાદ
કેન્દ્રીય રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણ આજથી પોતાની જન આશીર્વાદ યાત્રાનો પ્રારંભ કરવાના છે. રતનપુરથી તેમની યાત્રા શરૂ થશે અને પાટણ ખાતે સમાપ્ત થશે.
આ છે દર્શના જરદોશનો કાર્યક્રમ
કેન્દ્રીય રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશ પોતાની જન આશીર્વાદ યાત્રાનો પ્રારંભ કરી ચુક્યા છે. દર્શનાબેને રવિવારથી પોતાની યાત્રાની શરૂઆત કરી છે. દર્શનાબેન સોખડાથી વલસાડ સુધી જનતાના આશીર્વાદ મેળવવાના છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube