ગુજરાતે એમપી પર ઢોળ્યો દોષનો ટોપલો, રૂલ લેવલ ન જાળવતાં ગુજરાતમાં પૂર આવ્યું
![ગુજરાતે એમપી પર ઢોળ્યો દોષનો ટોપલો, રૂલ લેવલ ન જાળવતાં ગુજરાતમાં પૂર આવ્યું ગુજરાતે એમપી પર ઢોળ્યો દોષનો ટોપલો, રૂલ લેવલ ન જાળવતાં ગુજરાતમાં પૂર આવ્યું](https://gujarati.cdn.zeenews.com/gujarati/sites/default/files/styles/zm_500x286/public/2023/09/18/485024-guj-flood-news.jpg?itok=4atdHk5p)
ગુજરાતમાં ભારે વરસાદને કારણે ઘણા જિલ્લામાં પૂર જેવી સ્થિતિ ઊભી થઈ છે. નર્મદા, ભરૂચ સહિત અન્ય જિલ્લાઓમાં ભારે પાણીને કારણે મુશ્કેલી ઉભી થઈ છે. આ વચ્ચે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે મધ્યપ્રદેશમાંથી વધુ પાણી છોડવામાં આવતા પૂરની સ્થિતિ ઊભી થઈ છે.
ગાંધીનગરઃ ગુજરાતમાં આજે નર્મદા ડેમમાંથી છોડાયેલા પાણીના પગલે ભરૂચ અને અંકલેશ્વરની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. નર્મદાના પાણીના કારણે કેટલાક વિસ્તારોમાં તો એક માળ સુધી પાણી પહોંચ્યા છે. સરકાર બચાવ કરી રહી છે પણ સામે વિપક્ષ પસ્તાળ પાડી રહી છે. ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના ખેડૂતોની પાણીની બુમરાણ વચ્ચે હાલમાં લાખો ક્યૂસેક પાણી દરિયામાં છોડી દેવાની ફરજ પડી છે. રાજ્યમાં આજે નર્મદાના પાણીને પગલે અમદાવાદ મુંબઈ હાઈવે પર પાણી ભરાતાં વાહન વ્યવહાર ખોરવાયો હતો તો ટ્રેનો પણ કેન્સલ કરી દેવાઈ હતી. રાજ્યમાં 12 હજાર લોકોના સ્થળાંતર વચ્ચે અંકલેશ્વરમાં શોર્ટ સર્કિટથી કરંટ લાગતાં 2 લોકોના મોત થયા હોવાના પણ અહેવાલો છે. ગુજરાતમાં 5 દિવસ ભારે વરસાદની આગાહી છે. ડેમના 23 દરવાજા 3 મીટર સુધી ખુલ્લા રાખી ડેમમાંથી વહાવેલા પાણીને પગલે નર્મદા આજે ભયંકર રીતે વહી રહી છે. એમપીની એક ભૂલને કારણે હજારો ગુજરાતીઓને પૂરનો સામનો કરવો પડ્યો છે.
ગુજરાતમાં સપ્ટેમ્બરમાં મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ સારો વરસાદ પડ્યો છે. નર્મદા નદીના કેચમેન્ટ વિસ્તારમાં સારો વરસાદ પડવાના કારણે પાણીની આવક વધી છે. સરકારે આજે ખુલાસો કર્યો છે કે, ઓમકારેશ્વર ડેમથી 4.53 લાખ ક્યુસેક પાણી છોડાતાં નર્મદા નદીના સરદાર સરોવર ડેમથી પાણી છોડવાની ફરજ પડી છે. જેને પગલે ગુજરાતમાં પૂરની સ્થિતિ છે. ગુજરાત સરકારે દોષનો ટોપલો એમપી સરકાર પર ઢોળ્યો છે. ભરૂચ, પંચમહાલ અને અંકલેશ્વર નર્મદાના પાણીમાં ડૂબ્યા છે.
આ પણ વાંચોઃ અંબાલાલ પટેલની નવી આગાહી! સૌરાષ્ટ્ર અને કચ્છવાળા સાચવજો, 3 દિવસ વારો પાડી દેશે વરસાદ
સરકારે જાહેરમાં કહ્યું છે કે, મધ્ય પ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી રૂટ લેવલ કરતાં પણ વધુ પાણી છોડવામાં આવ્યું છે. ગુજરાતના નર્મદા ડેમમાં પાણીની ખૂબ જ આવક હતી જેના કારણે પાણી છોડવાની ફરજ પડી છે. બંધની ક્ષમતાના 110 ટકા જેટલું પાણી આવ્યું છે. આજે ગાંધીનગરમાં એક બેઠકમાં સમીક્ષા દરમ્યાન જણાવવામાં આવ્યું હતું કે, વરસાદ પ્રભાવિત જિલ્લાઓમાં NDRFની 10 અને SDRFની 10 ટીમ તૈનાત કરવામાં આવેલી છે. એટલુ જ નહિ વધુ 5 ટીમ NDRFની અને SDRFની 13 ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે,અત્યાર સુધીમાં રાજ્યના 8 જિલ્લાઓના 12644 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર અને 7 જિલ્લાઓના 822 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે.
રાજ્યના અનરાધાર વરસાદથી ૮૦ ડેમ ૯૦ ટકાથી ઉપર ભરાઈ ગયેલા છે. મોટા ભાગના વિસ્તારોમાંથી પાણીના લેવલમાં ઘટાડો થઈ રહ્યો છે. જો કે કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારના અમરેલી અને ભાવનગર સિવાયના તમામ જિલ્લાઓમાં હજુ પણ ભારે વરસાદની આગાહી હોવાથી વહીવટી તંત્રને એલર્ટ રાખવામાં આવ્યું છે. નાગરિકો સરકાર અને વહીવટી તંત્ર તરફથી મળતી સૂચનાઓનું પાલન કરે તેવી અપીલ છે. વરસાદને કારણે કોઈ જાનહાનિ કે મોટી માલહાનિ થઈ નથી. પશુઓ અંગે આજે મોડી સાંજ સુધીમાં સર્વે ચાલુ કરવામાં આવશે.
આ પણ વાંચોઃ હવે સૌરાષ્ટ્રનો વારો : 4થી 10 ઈંચ વરસી શકે છે વરસાદ, હવામાન વિભાગે આપી આ ચેતવણી
ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓ નર્મદા, ભરૂચ, વડોદરા, દાહોદ, પંચમહાલ, ગાંધીનગર અને આણંદના વિવિધ વિસ્તારોમાંથી આજે બપોરે ૨ વાગ્યા સુધીમાં કુલ ૧૨,૪૪૪ વ્યક્તિઓને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. તે ઉપરાંત નર્મદા, ભરૂચ, વડોદરા, દાહોદ, પંચમહાલ અને આણંદ ખાતેથી આર્મી, એરફોર્સ, એન.ડી.આર.એફ અને એસ.ડી.આર.એફની વિવિધ ટુકડીઓ દ્વારા ૬૧૭ વ્યક્તિઓને રેસ્ક્યું કરી સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube