JUNAGADH પહોંચી જનઆશીર્વાદ યાત્રા, મનસુખ માંડવીયાએ માં અંબાના આશીર્વાદ લીધા
* જૂનાગઢમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાની જન આશિર્વાદ યાત્રા પૂર્ણ
* જન આશિર્વાદ યાત્રાના બીજા દિવસે મનસુખ માંડવીયાએ માઁ અંબાજીના દર્શન કર્યા
* જીલ્લાના ગામોમાં યાત્રાનું ઉષ્માભેર સ્વાગત કરાયું
* ચાંપરડા બ્રહ્માનંદ આશ્રમ ખાતે સ્વાગત સન્માન બાદ સભાને સંબોધન કર્યું
* વિસાવદર ખાતે સરદાર પટેલને પુષ્પાંજલી અર્પણ કરી ઠેર ઠેર સ્વાગત કરાયું
* જૂનાગઢ જીલ્લામાં જન આશિર્વાદ યાત્રા વિસાવદર ખાતે પૂર્ણ
* કેન્દ્રીય મંત્રીની જન આશિર્વાદ યાત્રા અમરેલી જીલ્લા તરફ રવાના
જૂનાગઢ : જીલ્લામાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયાની જન આશિર્વાદ યાત્રાનો બીજો દિવસ હતો. બીજા દિવસે સૌપ્રથમ મનસુખભાઈ માંડવીયાએ રોપવેની સફર કરી, ગિરનાર પર્વત પર માઁ અંબાજીના દર્શન કર્યા અને વિધિવત પૂજા અર્ચના કરી હતી. જેમાં મેયર ધીરૂભાઈ ગોહેલ, શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા સહીતના સ્થાનિક નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
યાત્રાના બીજા દિવસે પત્રકાર પરિષદમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ નિવેદન આપતાં જણાવ્યું કે, કોરોનાની સંભવિત ત્રીજી લહેર માટે 23 હજાર કરોડનું પેકેજ આપવામાં આવ્યું છે. જન આશિર્વાદ યાત્રાને લઈને નિવેદન આપતાં તેમણે જણાવ્યું કે જન આશિર્વાદ યાત્રામા લોકોનો ઉત્સાહ જોવા મળ્યો. જનતાએ જે રીતે અભિવાદન કર્યું તે જોતાં લાગે છે કે, ચુંટણીનો માહોલ નથી છતાં દેશ અને રાજ્યની જનતાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર અપાર શ્રધ્ધા છે.
જનતાના આશિર્વાદ માટે નીકળેલી યાત્રા છે. ભાજપ જનતાની પાર્ટી છે, પરિવારની પાર્ટી નથી, જનતાના આશિર્વાદથી જનતા માટે જનતાના આશિર્વાદથી બનેલી પાર્ટી છે. ભાજપ સત્તામાં આવ્યા પછી સત્તાને સાધન તરીકે નહીં સેવા તરીકે કરે છે. દુનિયામાં કોઈપણ વેક્સિન શોધાતી હતી ત્યારે પાંચથી સાત વર્ષે તે ભારતમાં આવતી હતી પરંતુ કોરોનામાં દેશના વૈજ્ઞાનિકોએ દુનિયાની સાથે જ વેક્સિન બનાવી લીધી. દેશમાં એક જ દિવસમાં 88 લાખ લોકોને વેક્સિન અપાઈ, દુનિયાનું સૌથી મોટું વેક્સિનેશન અભિયાન ભારતમાં ચાલી રહ્યું છે. હવે એક જ દિવસમાં એક કરોડ લોકોને વેક્સિન આપવાનું લક્ષ્યાંક છે. એક સમય હતો કે દેશમાં બંધુકો અને ગોળીઓ ઈમ્પોર્ટ કરવી પડતી હતી. આજે ભારત પોતે હથિયારો વિકસાવી રહ્યું છે.
પત્રકાર પરિષદ બાદ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયાના હસ્તે ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો. ભૂતપૂર્વ સાંસદ સ્વ. શ્રીમતી ભાવનાબેન ચીખલીયા ફાઉન્ડેશનને અમદાવાદના ઈરાદા ફાઉન્ડેશન દ્વારા એક ઓક્સિજન પ્લાન્ટ અર્પણ કરવામાં આવ્યો સાથે મોબાઈલ ડેન્ટલ ક્લીનિકને કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ કાર્યાન્વિત કર્યા હતા.
જૂનાગઢ શહેરના કાર્યક્રમો બાદ જન આશિર્વાદ યાત્રા પાદરીયા, ખડીયા અને બિલખા થી પસાર થઈ હતી જ્યાં યાત્રાનું સ્વાગત કરાયું અને વિસાવદર તાલુકાના ચાંપરડા બ્રહ્માનંદ આશ્રમ ખાતે પહોંચી હતી. જ્યાં કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા સાંસદ રાજેશ ચુડાસમા સહીતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. બ્રહ્માનંદ આશ્રમ ખાતે મુક્તાનંદ બાપુ દ્વારા મનસુખભાઈ માંડવીયાનું સ્વાગત સન્માન કરાયું, કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ, આગેવાનો, સ્થાનિક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
જન આશિર્વાદ યાત્રા ચાંપરડાથી વિસાવદર ખાતે પહોંચી હતી. જ્યાં બાઈક રેલી સાથે યાત્રાનું સ્વાગત કરાયું. વિસાવદરના સ્થાનિક આગેવાનોએ મનસુખભાઈ માંડવીયાનું સ્વાગત કર્યું. સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી અને સ્થાનિક આગેવાનો દ્વારા મનસુખભાઈનું અભિવાદન કરવામાં આવ્યું હતું. વિસાવદર ખાતે જૂનાગઢ જીલ્લાની જન આશિર્વાદ યાત્રા પૂર્ણ થઈ હતી અને યાત્રા અમરેલી જીલ્લા તરફ રવાના થઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube