વડોદરા BMW ડ્રીંક એન્ડ ડ્રાઇવ કેસમાં તપાસ કરતા થયો મોટો ખુલાસો, મહારાષ્ટ્રની કાર દમણમાં પાસિંગ માટે કેમ આવી?
BMW Drink And Drive Case : વડોદરામાં હિટ એન્ડ રન..... લક્ઝુરિયસ કાર ચાલકે બાઈક સવાર દંપતીને અડફેટે લેતા મહિલાનું મોત..... કારમાં સવાર લોકો હતા નશાની હાલતમાં.....
BMW Drink And Drive Case રવિ અગ્રવાલ/વડોદરા : વડોદરામાં નશામાં ધૂત BMW કાર ચાલકે બાઈક સવાર દંપતીને અડફેટે લેતાં મહિલાનું મોત નિપજ્યું છે. મહિલાના મોત બાદ લોકોએ કારમાં તોડફોડ કરી હતી. પોલીસે નશેડી કારચાલક સહિત કારમાં સવાર 4 શખ્સોની ધરપકડ કરી જામીન પણ આપી દેતાં અનેક સવાલો ઉઠ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાના અકોટા મુજમહોડા રોડ પર રવિવારની રાત્રે પુરપાટ ઝડપે આવતા BMW કાર ચાલકે બાઈક સવાર દંપતીને અડફેટે લીધી હતી. જેના કારણે બાઈક પર સવાર મહિલા શાહીનબેનનું સ્થળ પર જ કમકમાટી ભર્યું નિપજ્યું હતું. જ્યારે મહિલાના પતિ અયાજ અહેમદને ગંભીર સ્થિતિમાં સારવાર માટે સયાજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. અકસ્માત બાદ લોકોના ટોળા ભેગા થયા હતા. લોકોએ કારચાલક સહિત કારમાં સવાર 4 શખ્સોને મેથીપાક ચખાડી કારમાં તોડફોડ કરી હતી. સ્થાનિકોએ પોલીસ પણ બોલાવી હતી. જેથી પોલીસે સ્થળ પર પહોંચી કાર ચાલક સહિત 4 શખ્સોની ધરપકડ કરી.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે કારચાલક સ્નેહલ પટેલ તેમજ કારમાં સવાર તેના 3 મિત્રો વિશાલ મોરે, સદ્દામ શેખ અને મકસુદ સિંધાએ કારમાં ચિક્કાર દારૂ પીધો હતો. કારચાલક સ્નેહલ પટેલ નશામાં પુરપાટ ઝડપે કાર ચલાવતો હતો. ચારેય મિત્રો અકોટામાં આમલેટ ખાવા જઈ રહ્યા હતા તે સમયે અકસ્માત થયો. મહત્વની વાત છે કે પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું કે આરોપી કારચાલક સ્નેહલ પટેલ BMW નો માલિક નથી. તે એક કંપનીના શો રૂમમાં સેલ્સ મેનેજર તરીકે નોકરી કરે છે. પોલીસે સ્નેહલ પટેલ અને તેના મિત્રો સહિત 4 શખ્સો સામે ગુનો નોંધી ધરપકડ કરી અને જામીન પર પણ છોડી મૂક્યા હતા. જેને લઇ પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે.
મહત્વની બાબત છે કે જે પી પોલીસ સ્ટેશનના અધિકારીની કરતૂતનો પર્દાફાશ થતાં ડીસીપી અભય સોનીએ ફરીથી જામીન પર મુક્ત ચારેય આરોપીઓ સામે અટકાયતી પગલાં લેવડાવી તમામની સઘન પૂછપરછ કરી.
ડીસીપી અભય સોનીની પૂછપરછમાં આરોપીઓએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. જેમાં આરોપી સ્નેહલ પટેલને મહારાષ્ટ્રના કારમાલિક જગદીશ માળીએ દમણમાં કાર પાસીંગ કરાવવા આપી હતી. આરોપી સ્નેહલ પટેલ અને તેના 3 મિત્રો કાર પાસિંગ કરાવવા કારને દમણ લઈ જઈ રહ્યા હતા તે સમયે તેમને ચિક્કાર દારૂ પીધો અને અકસ્માત સર્જ્યો હતો. કાર માલિક જગદીશ માળીએ 30 ડિસેમ્બરે છત્તીસગઢના રાયપુરથી બ્રોકર રાહુલ શાહ મારફતે 65 લાખમાં કાર ખરીદી હતી અને કારને બ્રોકરના કહેવા અનુસાર દમણમાં પાસિગ કરાવવાનું હતું. એટલે પોલીસને આખા મામલામાં આંતર રાજ્ય RTO ટેકસ ચોરીના કૌભાંડની પણ આશંકા છે. તેથી વડોદરા પોલીસે હવે આ દિશામાં પણ તપાસ હાથ ધરી છે. પોલીસે કારના માલિક જગદીશ માળી અને બ્રોકર રાહુલ શાહને પૂછપરછ માટે સમન્સ બજવ્યું છે.
મહત્વની વાત છે કે ડ્રીંક એન્ડ ડ્રાઇવ કેસમાં વડોદરા પોલીસે કાચું કાપ્યું. આરોપીઓ દારૂ ક્યાંથી લાવ્યા તે પણ પોલીસે તપાસ ન કરી. એટલું જ નહિ આરોપીઓને ગણતરીના કલાકોમાં જામીન પર મુક્ત પણ કરી દીધા. હવે ભૂલ સુધારવા પોલીસે આરોપીઓના ફરીથી અટકાયતી પગલાં ભર્યા પણ શું પોલીસ સમગ્ર મામલામાં પીડિત પરિવાર અને મૃતક મહિલાને ન્યાય અપાવશે તે સવાલ ઉઠવા પામ્યો છે.