બાવળામાં સફેદ કપડા પહેરેલ વ્યક્તિએ બોગસ મતદાન કરાવ્યું, Video Viral
ગાંધીનગર બેઠકમાં આવતા બાવળાના બાપુપુરા ગામમાં બોગસ મતદાન થયાનો વીડિયો વાયરલ થયો છે. જેમાં એક શખ્સ મતદાન મથકમાં ઘૂસીને ખુલ્લેઆમ બોગસ મતદાન કરાવી રહ્યો છે. ત્યારે મુખ્ય ચૂંટણી અધિકારીએ આ અંગે તપાસનાં આદેશ આપ્યા છે.
હિતલ પારેખ/ગાંધીનગર :ગાંધીનગર બેઠકમાં આવતા બાવળાના બાપુપુરા ગામમાં બોગસ મતદાન થયાનો વીડિયો વાયરલ થયો છે. જેમાં એક શખ્સ મતદાન મથકમાં ઘૂસીને ખુલ્લેઆમ બોગસ મતદાન કરાવી રહ્યો છે. ત્યારે મુખ્ય ચૂંટણી અધિકારીએ આ અંગે તપાસનાં આદેશ આપ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના બાવળાના બાપુપુરા ગામ બૂથ નંબર-1માં બોગસ મતદાન થયુ હોવાનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં શંકાસ્પદ રીતે બોગસ મતદાન કરાતુ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. સફેદ કપડા પહરેલ વ્યક્તિ બોગસ વોટિંગ કરાવી રહ્યો છે તેવું વીડિયોમાં દેખાય છે. ત્યારે વીડિયોમાં સફેદ કપડામાં જોવા મળી રહેલો આ શખ્સ અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ જિતેન્દ્રસિંહ ચૌહાણ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. વીડિયોમાં એક વ્યક્તિ મતદાર યાદીમાં નામ જોઈને તેના નામ સામે સહી કરી રહ્યો છે, જ્યારે બીજો વ્યક્તિ ઈવીએમ પાસે ઉભો રહીને વોટિંગ કરી રહ્યો છે.
બાપુપુરાના વાયરલ વીડિયો મામલે મુખ્ય ચુંટણી અધિકારી એસ. મુરલીક્રિષ્ણને તપાસના આદેશ આપ્યા છે. તેમણે કહ્યું કે, મતદાન પૂરુ થયા બાદ આ ક્લીપ મારી સામે આવી હતી, જેના બાદ મેં તપાસના આદેશ આપ્યા છે. મને ટેલિફોનિક રિપોર્ટ જ રાત્રે મળ્યો હતો, બાપુપુરા મતદાન મથકમાં આવુ કંઈ બન્યું હોય તેને સમર્થન મળતુ નથી. તેથી મેં વીઝીટ અને વીડિયો આધારે તપાસ કરાવી. ત્યારે તે અંગે પણ કોઈ માહિતી મળી નથી. વીડિયોગ્રાફીની પણ ચકાસણી કરાઈ છે. કથિત વીડિયો આ ચૂંટણી કે આ કેન્દ્રને લગતો જણાતો નથી, અથવા કોઈ અન્ય સ્થળ કે ભૂતકાળની ચૂંટણીનો આ વીડિયો હોય તેવું જણાઈ રહ્યું છે. ત્યારે આ દિશામાં તપાસ કરવા અંગે હવે મેં સૂચના આપી દીધી છે. હું વીડિયોમાં બતાવેલ વ્યક્તિને ઓળખતો નથી.
ઉલ્લેખનીય છે કે, આ બાપુપુરા ગામમાં 90 ટકા જેટલુ મતદાન નોંધાય છે. તો બીજી તરફ, ઝી 24 કલાક આ વીડિયોની પુષ્ટિ કરતુ નથી. આ વીડિયો અંગે કોંગ્રેસે કહ્યું કે, અમે આ મામલે ચૂંટણી પંચમાં ફરિયાદ કરીશું તથા આ બૂથ પર ફરીથી મતદાન કરવામાં આવે તેવી અપીલ કરીશું. કોંગ્રેસના ગાંધીનગરના ઉમેદવાર સી.જે.ચાવડા દ્વારા આ વીડિયો અંગે ચૂંટણી પંચને ફરિયાદ કરવામાં આવી છે.