ગુજરાતના રમખાણો પર Gujarat Files ફિલ્મ બનાવવા માંગતા ડાયરેક્ટરે પીએમ મોદીને પૂછ્યો સવાલ
બોલિવુડના અન્ય એક ડાયરેક્ટરે ગુજરાતની આ કરુણાંતિકા પર આધારિત ફિલ્મ બનાવવાની જાહેરાત કરી છે. સાથે જ ડાયરેક્ટરે પીએમ મોદીને ટ્વીટ કરીને એક રસપ્રદ સવાલ પણ પૂછ્યો
ઝી મીડિયા/બ્યૂરો :ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મની પોપ્યુલારિટી બાદ ગુજરાતના ગોધરા હત્યકાંડ પર ફિલ્મ બનાવવાની સોશિયલ મીડિયા પર માંગ ઉઠી છે. હાલ ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. ત્યારે બોલિવુડના અન્ય એક ડાયરેક્ટરે ગુજરાતની આ કરુણાંતિકા પર આધારિત ફિલ્મ બનાવવાની જાહેરાત કરી છે. સાથે જ ડાયરેક્ટરે પીએમ મોદીને ટ્વીટ કરીને એક રસપ્રદ સવાલ પણ પૂછ્યો છે.
ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સને અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો છે. કાશ્મીરી પંડિતો પર બનેલી આ ફિલ્મ સોશિયલ મીડિયાથી લઈને કિટી પાર્ટી અને પાનના ગલ્લા પર ચર્ચાનુ કેન્દ્ર બની છે. લોકો તેના ભરપેટ વખાણ કરી રહ્યાં છે. આ ફિલ્મ સત્ય ઘટના પર આધારિત છે. ત્યારે સોશિયલ મીડિયા પર લોકો ફિલ્મના ડાયરેક્ટરને અન્ય સત્ય ઘટનાઓ પર ફિલ્મ બનાવવા ફરમાઈશ કરી રહ્યાં છે. જેમાં ગુજરાતની પણ એક કરુણાંતિકા સામેલ છે. ત્યારે બોલિવુડના ડાયરેક્ટર વિનોદ કાપડીએ ગુજરાત ફાઈલ્સ પર ફિલ્મ બનાવવાની તૈયારી બતાવી છે. આ બાબતને લઈને તેમણે ટ્વીટ કરી છે, જેમાં પ્રધાનમંત્રીને લઈને સવાલ પૂછ્યો છે.
પીહુ, મિસ ઠનકપુર હાજિર હો... જેવી ફિલ્મોના ડાયરેક્ટર વિનોદ કાપડીએ પ્રધાનમંત્રી મોદીને ટેગ કરીને ટ્વીટ કરી કે, ‘ગુજરાત ફાઈલ્સ #GujaratFiles ના નામથી તથ્યોના આધાર પર, આર્ટના આધાર પર હું ફિલ્મ બનાવવા તૈયાર છું, અને તેમાં પ્રધાનમંત્રી હાલ જેવુ કરી રહ્યા છે, તેવો ભરોસો એ ફિલ્મ માટે પણ આપે.
પ્રધાનમંત્રીએ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મના વખાણ કર્યાં છે. એક વીડિયોમાં પીએમ કહી રહ્યા છે કે, જે લોકો ફ્રીડમ ઓફ એક્સપ્રેશન્સનો ઝંડો લઈને ફરી રહ્યા છે તે આખી જમાત 5-6 દિવસથી ગભરાઈ ગઈ છે. ત્યારે પીએમના આ વીડિયોને ટેગ કરીને વિનોદ કાપડીએ કહ્યુ કે, શું તમે દેશની સામે મને ભરોસો અપાવશો કે ફિલ્મી રિલીઝ નહિ રોકો?
આ સત્ય ઘટનાઓ પર ફિલ્મ જોવા માંગે છે લોકો
ઉલ્લેખનીય છે કે, હાલ સોશિયલ મીડિયા પર #TheKashmirfiles ની સાથે જ #Godhra પણ ટ્રેન્ડ કરી રહ્યું છે. લોકો દ્વારા વિવેક અગ્નિહોત્રીને કાશ્મીર ફાઈલ્સ બાદ વિભાજન પર ધ 1947 ફાઈલ્સ, ટ્રેનમાં આગ પર ધ ગોધરા ફાઈલ્સ, પોલીસ પર ફાયરિંગમાં ધ કારસેવક ફાઈલ્સ અને ગેસકાંડને લઈને ધ ભોપાલ ફાઈલ્સ બનાવવાની ફરમાઈશ કરવામાં આવી છે. ધ કાશ્મીર ફાઈલ્સ જોઈને ખુશ થયેલા લોકોએ તેઓ જોવા માંગતા ફિલ્મોનું લિસ્ટ શેર કર્યુ છે. એક શખ્સે ટ્વીટમાં કહ્યુ કે, તેઓ 1969 Gujarat riots, 1985 Gujarat riots, 2002 Gujarat riots, 2006 Vadodara riots, 2015 Bharuch riots પર ફિલ્મો જોવા માંગે છે.
ઉલ્લેખનીય છે કે, ધ કાશ્મીર ફાઈલ્સ સત્ય ઘટના પર આધારિત ફિલ્મ છે, જેમા વિવેક અગ્નિહોત્રીએ 90 ના દાયકામાં થયેલા વિવાદને રજૂ કર્યો છે. ફિલ્મે ચારેતરફથી વાહવાહી લૂંટી છે. ફિલ્મ સતત બોક્સ ઓફિસ પર કલેક્શન વધારી રહી છે. ફિલ્મને જોયા બાદ અનેક લોકો હવે એવી ઘટના પર ફિલ્મ જોવા માંગે છે, જે કરુણાંતિકા સાબિત થઈ હોય, જેમા ગોધરા હત્યાકાંડ પણ સામેલ છે.