ઉદ્યોગપતિઓની જેમ કરોડોનું ટર્નઓવર કરતા ગુજરાતના મોસ્ટ વોન્ટેડ બુટલેગરોની આવી છે મોડસ ઓપરેન્ડી
Mehsana News : . ગુજરાતમાં વિદેશી દારૂની ઘૂસણખોરીમાં મુખ્ય સૂત્રધાર તરીકે સૌથી પહેલું નામ વિનોદ સિંધીનું લેવાય છે. મહેસાણા એલસીબી પોલીસને બુટલેગર વિનોદ સિંધીના ભાગીદાર બુટલેગર આશુ અગ્રવાલને પકડી લેવામાં સફળતા મળી
તેજસ દવે/મહેસાણા :ગુજરાતમાં દર વર્ષે કરોડોનો વિદેશી દારૂ આવે છે, વેચાય છે અને પીવાય છે. વિદેશી દારૂના આ રેકેટમાં બુટલેગર વિનોદ સિંધીનું નામ મોખરે છે. ત્યારે મહેસાણા પોલીસને બુટલેગર વિનોદ સિંધીના ભાગીદાર આશુ અગ્રવાલને પકડી લેવામાં મોટી સફળતા મળી છે. આશુ અગ્રવાલની ધરપકડ બાદ દારૂની હેરાફેરી મામલે મોટા ખુલાસા થઈ શકે છે. વિનોદ સિંધી બુટલેગર આશુ અગ્રવાલ સાથે મળી ગુજરાતમાં ગોપાલસિંઘ નામનો ઉપયોગ કરી દારૂ સપ્લાય કરતો હોવાનો ખુલાસો થયો છે. એકલા મહેસાણા જિલ્લામાં આ ટોળકીનો 1.76 કરોડ નો દારૂ પકડાયો છે. ત્યારે કેવી રીતે ચાલતું હતું આ રેકેટ જુઓ.
ગુજરાતમાં દારૂ બંધી વચ્ચે દર વર્ષે કરોડોનો વિદેશી દારૂ ઘૂસાડાય છે. આ બુટલેગરો ઉદ્યોગપતિઓની જેમ કરોડો રૂપિયાનું ટર્ન ઓવર કરે છે. ગુજરાતમાં વિદેશી દારૂની ઘૂસણખોરીમાં મુખ્ય સૂત્રધાર તરીકે સૌથી પહેલું નામ વિનોદ સિંધીનું લેવાય છે. જે ગુજરાત પોલીસના વોન્ટેડ બુટલેગર લિસ્ટમાં સામેલ છે. બુટલેગર વિનોદ સિંધીને હાલ ગુજરાત પોલીસ શોધી રહી છે. જો કે કરોડોનો દારૂ નો વેપલો કરનાર બુટલેગર વિનોદ સિંધી હજુ પણ પોલીસ પકડથી દુર છે. તો વળી એવી પણ ચર્ચા ચાલી રહી છે કે વિનોદ સિંધી દુબઈ ભાગી ગયો છે. ત્યારે મહેસાણા એલસીબી પોલીસને બુટલેગર વિનોદ સિંધીના ભાગીદાર બુટલેગર આશુ અગ્રવાલને પકડી લેવામાં સફળતા મળી છે. બુટલેગર આશુ અગ્રવાલની પૂછપરછમાં દારૂના રેકેટને લઈને મોટા ખુલાસા થયા છે.
આ પણ વાંચો : કમાઉ વહુ પાસેથી પણ સાસરીવાળાઓએ દહેજ માંગ્યું, ત્રાસ સહન થતા કરી આત્મહત્યા
દારૂ ઘૂસાડવાની મોડસ ઓપરેન્ડી
ગુજરાતમાં દારૂ ઘૂસાડવાનું રેકેટ કોઈ ફિલ્મી સ્ટોરી થી કમ નથી. બુટલેગર આશુ અગ્રવાલે પોલીસ સમક્ષ ચોંકાવનારા ખુલાસા કર્યાં છે. આ નેટવર્ક વિશે મહેસાણા ડીવાયએસપી આરઆર દેસાઈએ કહ્યું કે,
- બુટલેગર આશુ અગ્રવાલ ગુજરાતમાં 5 ભાગીદાર સાથે મળી દારૂ ઘુસાડતો હતો.
- જેમાં વિનોદ સિંધી 50 ટકા, સુનિલ દરજી 20 ટકા, આનંદપાલ સિંહ ઉર્ફે દીક્ષા 15 ટકા, આશુ અગ્રવાલ 10 ટકા અને લક્ષ્મણ 5 ટકાના ભાગીદાર બની ગુજરાતમાં દારૂ ઘુસાડતા હતા.
- આ શખ્સોએ ગોપાલસિંઘ નામની બોગસ ઓળખ ઉભી કરી હતી અને જ્યાં પકડાય ત્યાં ગોપાલસિંઘનો માલ હોવાનું જણાવવાનું કહેવામાં આવતું.
- ગુજરાતમાં હરિયાણા અને રાજસ્થાનથી દારૂ ગુજરાતમાં લવાતો હતો.
- દારૂનો જથ્થો પહોંચાડવા ખોટા નામથી વાહનનું રજિસ્ટ્રેશન થતું હતું.
- વાહન ચાલક બીજા રાજ્યમાંથી લાવવામાં આવતા હતા.
- એક ટ્રીપ બાદ વાહન ચાલકને છૂટો કરી દેવાતો હતો.
આ પણ વાંચો : આ છે ગુજરાતની કડવી વાસ્તવિકતા, નદી વચ્ચેથી નીકળી નનામી , ખેતર ખેડવા મહિલાએ બળદની જગ્યા લીધી
પોલીસથી બચવા અન્ય દેશના નંબરનો ઉપયોગ થતો
આશુ સામે મહેસાણામાં 25, બનાસકાંઠામાં 2, પાટણમાં 2 અને ગાંધીનગરમાં 1 ગુનો નોંધાયેલો છે. પોલીસ પકડથી બચવા આફ્રિકા અને અન્ય દેશના નંબરનો ઉપયોગ કરી વોટ્સએપ મારફતે કોલ થતો હતો. તો નાણાંકીય ટ્રાન્સફર ખોટા નામે આંગડિયા પેઢીમાં હવાલા પડતા હતા.
મહેસાણા પોલીસ દ્વારા હજુ પણ બુટલેગર આશુ અગ્રવાલની સતત પૂછપરછ ચાલી રહી છે. હજુ પણ આ મામલે આગામી સમયમાં મોટા ખુલાસા થઇ શકે છે. જો કે આ બુટલેગરને ગાડીને સેફ પહોંચાડવામાં કોણ મદદ કરતું હતું તે હજુ પોલીસ સમક્ષ સ્પષ્ટ નથી થયું. જેને લઈને પોલીસ દ્વારા હાલમાં આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.