દાહોદ તાલુકામાં યુથ કોંગ્રેસનો નેતા બન્યો બુટલેગર, પોલીસે વિદેશી દારૂ સાથે કરી ધરપકડ
લો હવે ગુજરાત યુથ કોંગ્રેસના નેતા દારૂ વેંચતા ઝડપાયા છે. એલસીબીએ કાર્યવાહી કરતા કોંગ્રેસ નેતાને જેલ હવાલે કર્યાં છે. હમણાં હમણાં નેતાઓના કાંડ ગુજરાતમાં વાયરલ થઈ રહ્યાં છે. ભાજપના નેતાઓ બાદ હવે કોંગ્રેસના નેતા દારૂમાં પકડાયા છે.
દાહોદઃ ગુજરાતમાં દારૂબંધી હોવાની માત્ર મોટી-મોટી વાતો કરવામાં આવે છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અનેક જગ્યાએ દારૂનું ખુલ્લેઆમ વેચાણ થાય છે. ગુજરાત પોલીસ કાર્યવાહી કરી દારૂ વેચતા બુટલેગરોની ધરપકડ કરતી હોય છે. હવે તો નેતાઓ પણ આ ધંધામાં જોડાઈ ગયા છે. 2 દિવસ પહેલાં જ અમદાવાદના એક રાજકીય અગ્રણી દારૂમાં પકડાયા હતા. જે સમયે કોંગ્રેસે મોટો હોબાળો કર્યો હતો. હવે દાહોદમાં કોંગ્રેસ યુથ પ્રમુખ દારૂ વેચતા ઝડપાયો છે. 27 જુલાઈએ એલસીબીએ બાતમીના આધારે દાહોદ કોંગ્રેસના યુથ પ્રમુખને ઝડપી પાડ્યો હતો.
કોંગ્રેસનો યુથ પ્રમુખ કરતો હતો દારૂનું વેચાણ
પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ એલસીબીએ બાતમીના આધારે દાહોદ તાલુકાના યુથ કોંગ્રેસ પ્રમુખ સુનિલ રામસિંહ બારીયાના ઘર પર રેડ પાડી હતી. ત્યારે કોંગ્રેસના આ નેતાના ઘરેથી પાંચ હજારનો દારૂ ઝડપાયો હતો. ક્રાઈમ બ્રાન્ચે વિદેશી દારૂ સાથે કોંગ્રેસ નેતાને ઝડપી પાડ્યો હતો.
દારૂ સાથે ઝડપાયેલા કોંગ્રસ નેતા સુનિલ રામસિંગ બારીયા મૂળ ઉસરવાણ ટીંડોરી નિશાળ ફળિયામાં રહે છે. હાલ તો તેની સામે આગળની કાર્યવાહી કરતા જેલ હવાલે કરાયો છે.