ઉદય રંજન/ અમદાવાદ: રાજ્યમાં ડ્રગ્ઝનું દૂષણ વધતું જઈ રહ્યું છે, ત્યારે બોપલ હાઈપ્રોફાઈલ ડ્રગ્સકાંડના મામલામાં મોટો ખુલાસો થયો છે. સમગ્ર કેસમાં અત્યાર સુધી શહેરના માલેતુજાર લોકોના દીકરાઓના નામ સામે આવ્યા હતા. પરંતુ હવે આ કેસમાં શહેરમાં ધનાઢ્ય અને મોટા ગજાના પરિવારની દીકરીઓના નામ પણ સામે આવવા લાગ્યા છે. હાલ આ ઘટનામાં 03 જેટલી યુવતીઓના નામ પણ સમગ્ર કેસમાં સામે આવ્યા છે, તમામ મહિલાઓ વંદિત પટેલ પાસેથી ડ્રગ્ઝ મંગાવતા હતા. ત્રણેય મહિલાઓ આરોપી વંદિત પટેલ પાસેથી અમેરિકી ડ્રગ્સ ખરીદતી હોવાનું સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. બોપલમાં પકડાયેલા ડ્રગ્સ કાંડના તાર અમેરિકા કે કેનેડા સુધી જ નહીં, પરંતુ ઈન્ટરનેશનલ ડ્રગ્સ માફિયા સાથે પણ જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. ડ્રગ્સ માફિયા વિક્કી ગોસ્વામી અને તેનો ભત્રીજો વિપુલ સાથે આ સમગ્ર રેકેટ ચલાવવામાં આવતું હતું. પરંતુ પહેલીવાર ડ્રગ્સ પેડલર તરીકે ત્રણ યુવતીઓનો ઉપયોગ કરવામાં આવતો હોવાની માહિતી મળતા ખળભળાટ મચ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદના બોપલના હાઈપ્રોફાઈલ ડ્રગ્સ કાંડ મામલે અનેક મોટા ખુલાસાઓ થઈ રહ્યા છે. શહેરના ધનાઢ્ય અને જાણીતા પરિવારની મહિલાઓના નામ ડ્રગ્સકાંડમાં સામે આવતા યુવકોને આકર્ષવા અનેક પેતરા અજમાવતી હોવાનું સામે આવ્યું છે. આ મહિલાઓ શહેરના વંદિત પટેલ પાસેથી ડ્રગ્સ મંગાવતી હતી. પૂછપરછ દરમિયાન ત્રણ મહિલાઓના નામ સામે આવ્યા છે. ઈલેક્ટ્રોનિક વસ્તુની આડમાં ડ્રગ્સ મંગાવાતું હતું.


અમદાવાદના બોપલના હાઈપ્રોફાઈલ ડ્રગ્સ કાંડમાં ત્રણ મહિલાઓના નામ સામે આવ્યા બાદ અનેક મોટા સવાલો ઉદ્દભવી રહ્યા છે. હજુ પણ ડ્રગ્સ માફીયાના સંપર્કમાં કેટલા અમદાવાદી યુવક યુવતીઓ છે, કોણ છે એ 705 યુવક-યુવતી જે વંદિત પાસેથી ડ્રગ્સ લેતા હતા. એ ત્રણ મહિલાઓ કોણ છે જે વંદિત પાસેથી ડ્રગ્સ લેતી હતી?, બોપલના વંદિત જેવા હજુ કેટલા ડ્રગ્સ સપ્લાયરો ગુજરાતમાં ખુલ્લેઆમ ફરી રહ્યા છે. અમેરિકા જેવા દેશોમાંથી વંદિતને ડ્રગ્સ કોણ મોકલતું હતું? આ તમામ સવાલો હાલ ચર્ચાનો વિષય બન્યા છે.


વિપુલ ગોસ્વામી અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી એક સ્કૂલમાં અભ્યાસ કરતો હતો, ત્યારે તેણે એક ગ્રુપ બનાવીને શહેરના જાણીતા બિલ્ડરો, પોલીસ અધિકારીઓ અને શહેરના માલેતુજાર લોકોના દીકરા-દીકરીઓ સાથે મિત્રતા કેળવી હતી. જેમાં વંદિત પટેલનો પણ સમાવેશ થતો હતો. વંદિત પટેલ સાથે મિત્રતા કેળવ્યા બાદ વિપુલ ગોસ્વામી અને તેના ગ્રુપમાં રહેલા લોકો અવાર નવાર બોપલના એક ફાર્મ હાઉસમાં પાર્ટીઓનું આયોજન કરતા હતા. તેમાં દારૂ અને ડ્રગ્સની અનેકવાર પાર્ટીઓ યોજાતી હતી. જેના કારણે અનેક યુવક યુવતીઓ ડ્રગ્સના બંધાણી બન્યા હતા.


આવી રીતે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયા વિક્કી ગોસ્વામીએ તેના ભત્રીજા વિપુલ ગોસ્વામી અને વંદિત પટેલ સાથે મળીને ગુજરાતમાં એક મજબૂત નેટવર્ક બનાવ્યું હતું. ધીરેધીરે મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાં પણ મજબૂત નેટવર્ક ઉભું કરાયું છે. આરોપીઓ ડ્રગ્સકાંડમાં ક્રિપ્ટો કરન્સી અને ડાર્કવેબનો ઉપયોગ કરતા હતા. અને આવી રીતે ડ્રગ્સકાંડનું સમગ્ર ષડયંત્ર ચાલતું હતું. તમને જણાવી દઈએ કે મુંબઈમાં ઝડપાયેલા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનના તાર પણ ગુજરાતના ડ્રગ્સકાંટ સાથે સંકળાયેલા નીકળે તેવી શક્યતા જોવામાં આવી રહી છે.


યુવકોને આકર્ષવા યુવતીઓનો ઉપયોગ કરાતો હતો.
બોપલ ડ્રગ્સકાંડમાં ઉષા, સંજના અને શિવાંગી નામની ત્રણ યુવતીઓને પણ પહેલા ડ્રગ્સની બંધાણી બનાવવામાં આવી હતી, ત્યારબાદ માફિયાઓ તેમનો પેડલર તરીકે ઉપયોગ કરતા હોવાનું જાણવા મળ્યું છે. રાજ્યના ઈતિહાસમાં પ્રથમવાર યુવતીઓનો ડ્રગ્સ પેડલર તરીકે ઉપયોગ થતો હોવાનું જાણવા મળ્યુ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube