રઘુવીર મકવાણા/બોટાદ :ઉનાળામા તળાવો, ચેકડેમ, નદી સૂકાભઠ્ઠ થઈ જાય છે. ચારે તરફથી માણસોની પાણીની પોકાર ઉઠે છે. ત્યારે અબોલ જીવોનું શું. આ પ્રાણીઓ ક્યાં જવાના છે. એક તરફ તળાવ જ્યાં સૂકાભઠ્ઠ થઈ રહ્યા છે. ત્યાં પાણીમાંના માછલા મરી જાય છે. જેના તરફ કોઈ ધ્યાન આપતુ નથી. ત્યારે બોટાદના ખાલી કૃષ્ણ સાગર તળાવમાં મરતા માછલાં ને બચાવવા અભિયાન હાથ ધરાયુ. શહેરના એક બિલ્ડરનો જીવદયા પ્રેમ જાગ્યો છે. તળાવમાંના માછલાંને બચાવવા પાણીના ટેન્કર દ્વારા તળાવમાં પાણી નાંખવાનુ શરૂ કરાયું. કૃત્રિમ તળાવ બનાવી તેમાં માછલાંને મૂકી જીવ બચાવવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બોટાદ શહેરનું એક માત્ર હાર્ટસમા કૃષ્ણ સાગર તળાવમાં સૌની યોજના અંતર્ગત પાણી છોડી અને તળાવ ભરવામાં આવ્યું હતું. જેને લઈ અસંખ્ય જળચર જીવ આ તળાવમાં ફરતા થયા હતા. પરંતુ સમય જતાં તળાવ ધીમે ધીમે ખાલી થવા લાગ્યું,જેને લઈ અનેક માછલાં અને કાચબાના મોત થયા હતા. હાલ સ્થિતિ એવી છે કે, તળાવમાં માત્ર પાણીના ખાબોચિયા ભરેલા છે. તેમાં રહેલા માછલાનો જીવ બચાવવા જીવદયા પ્રેમીઓએ અભિયાન હાથ ધર્યુ છે. 



શહેરના બિલ્ડર હિરેન પટેલ અને રણજીતભાઈ વાળાનો જીવદયા પ્રેમ સામે આવ્યો છે. તેઓએ સ્થળ તળાવની મુલાકાત લઈને પ્લાન બનાવ્યો હતો. તળાવમાંના માછલાઓને બચાવવા આજે પાણીના ટેન્કરથી પાણી નાંખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. કૃષ્ણસાગર તળાવમાં કૃત્રિમ તળાવ ભરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. 30 ફૂટ બાય 30 ફૂટનું કુત્રિમ તળાવ બનાવી તેમાં પાણી ભરી તળાવના અલગ અલગ ખાબોચિયામાં રહેલા તમામ જળચર જીવોને તેમાં એકત્રિત કરાશે. આમ, જીવોને બચાવવાની કામગીરી શરૂ થતાં લોકોએ વખાણ કર્યા હતા. સાથે જ સરકાર સામે રોષ પણ ઠાલવ્યો હતો.