હિતેન વિઠલાણી, અમદાવાદ: અમદાવાદના સિંધુ ભવન રોડ પર ફરીથી હિટ એન્ડ રનની ઘટના ઘટી. આ નબીરાઓ ક્યારે સુધરશે? સ્પીડના શોખે ફરીથી એક નિર્દોષનો જીવ લીધો. પૂરપાટ ઝડપે આવતા થાર ગાડીના ચાલકે બાઈક ચાલકને ટક્કર મારતા બાઈક ચાલક 50 ફૂટ દૂર ઉછળીને પડ્યો. આ અકસ્માતમાં બાઈક ચાલકે જીવ ગુમાવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

17 વર્ષના યુવકનું મોત
મળતી માહિતી મુજબ અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલા સિંધુ ભવન રોડ પર મોડી રાતે આ અકસ્માત સર્જાયો. થાર ગાડીએ બાઈક ચાલકને અડફેટે લેતા અકસ્માતમાં 17 વર્ષના જયદીપ સોલંકીનું મોત નિપજ્યું. અકસ્માત સર્જીને થાર ગાડી ચાલક ફરાર થઈ ગયો. થાર ગાડી પૂર ઝડપે ચલાવી  બાઈક ચાલકને 50 ફૂટ ઉછાળ્યો હતો. જેના કારણે બાઈક ચાલકને ગંભીર ઈજાઓ થઈ. 



નાસ્તો કરવા નીકળ્યા અને મોત ભરખી ગયું
બાઈક ચાલક જયદીપ વિપુલભાઈ સોલિંકી  તેના મિત્રનું બાઇક હોન્ડા શાઈન GJ 32AB9981લઈને સિંધુ ભવન રોડ, ઓરનેટ પાર્ક ચાર રસ્તા પાસે પસાર થતી વખતે મહિન્દ્રા થાર કાર નં.GJ 27ED 0106 ના ચાલકે પૂરઝડપે અને બેદરકારીથી કાર ચલાવતા અકસ્માત સર્જ્યો અને થાર ગાડી સ્થળ પર છોડીને ભાગી ગયો. ગંભીર રીતે ઘાયલ થયેલા જયદીપને બોપલ ટ્રોમા સેન્ટર ખાતે સારવાર માટે લઈ જવાયો પરંતુ ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું. એવું કહેવાય છે કે બાઈક ચાલક સાથે તેના મિત્રો નાસ્તો કરવા રાત્રે નીકળ્યા હતા અને આ દરમિયાન આ દુર્ઘટના ઘટી. ટ્રાફિક પોલીસે આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે. 



માલિકનું નામ મયુર સિંહ ટાંક
અકસ્માત સર્જનાર ગાડીના માલિકનું નામ મયુરસિંહ ટાંક હોવાનું સામે આવ્યું છે. મયુરસિંહ ટાંકે ગાડી તેના પરિચિત હિરેન શાહના નામે લીધી હતી. કાર માલિક સાથે વાત કરતા ગાડી છેલ્લા 4 દિવસથી તેમના પરિચિતને આપી હોવાનુ જણાવ્યું. કાર માલિકનું કહેવું છે કે આ અકસ્માત અંગે તેમને ખ્યાલ નથી.