અમદાવાદ: અમદાવાદના પૂર્વ વિસ્તાર મણિનગરની એલ.જી. હોસ્પિટલમાંથી 25મી મેના રોજ એક 12 વર્ષના બાળકના અપહરણના સમાચાર આવતા પોલીસતંત્રમાં દોડધામ મચી ગઈ હતી. જે બાળકનું અપહરણ  થયું એવું માનવામાં આવી રહ્યું હતું તે બાળક જ્યારે મળ્યો ત્યારે ચોંકાવનારો ખુલાસો થયો. હકીકતમાં આ બાળકનું અપહરણ નહતું થયું પરંતુ તે ગુમ થયો હતો અને પોતાની મરજીથી રેલવે સ્ટેશન જતો રહ્યો હતો અને નડિયાદથી મળી આવ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાત જાણે એમ છે કે રાહુલ નામના 12 વર્ષનો આ બાળક 25મી મેના રોજ એલ.જી. હોસ્પિટલમાંથી અચાનક ગુમ થઈ ગયો હતો. ત્રણ દિવસ સતત શોધખોળ કરવા છતાં રાહુલનો કોઈ પત્તો ન જડ્યો. આખરે થાકીને પિતાએ પોલીસમાં અપહરણની ફરિયાદ લખાવી. જેને પગલે પોલીસે રાહુલની શોધ માટે આકાશપાતાળ એક કરવા માંડ્યાં.


જો કે રાહુલ જ્યારે મળી આવ્યો ત્યારે એ વાતનો ખુલાસો થયો કે તે 25મીના રોજ તેના પિતા દિનેશ વિશ્વકર્મા સાથે હોસ્પિટલ આવ્યો હતો. જ્યાંથી તે ટ્રેન જોવા માટે એટલો ઉત્સુક હતો કે મણિનગર રેલવે સ્ટેશન પહોંચી ગયો. જેવો તે ટ્રેનમાં ચડ્યો કે ટ્રેન ચાલુ થઈ ગઈ હતી. રાહુલ ટ્રેનમાં નડિયાદ પહોંચી ગયો. અચાનક અજાણ્યા શહેરમાં આવી જતા રાહુલ ગભરાઈ ગયો. ગભરાયેલા બાળકને જોતા જ આરપીએફના જવાને તેની પૂછપરછ કરી અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જાણ કરી.


ત્યારબાદ નડિયાદ પોલીસે મણિનગર પોલીસનો સંપર્ક કર્યો અને રાહુલનું તેના પરિવાર સાથે મિલન કરાવ્યું. બાળક પાછો મળી જતા પરિવારમાં હર્ષોલ્લાસનું વાતાવરણ છવાઈ ગયું. માતા પિતા એકદમ ખુશ થઈ ગયા.