COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાતમાં હવે રીતસર શિક્ષણ એક વેપાર બની ગયો છે. સ્કૂલો હોય કે કોલેજો હોય તેમના સંચાલકોએ આને એક ધંધો બનાવી દીધો છે. મોટાભાગના શિક્ષણ સંસ્થાનોની એક જ વાત છેકે, પૈસા ક્યાંથી પડાવવા બસ. આ સ્થિતિની વચ્ચે શિયાળામાં સ્કૂલોએ પોતાની મરજી મુજબના સ્વેટરનો ઉપાડો લીધો છે. ત્યારે આ મામલે વાલીઓએ સ્કૂલ સંચાલકોની સામે વિરોધનો સૂર પુરાવ્યો છે. ત્યારે સમગ્ર મામલે ઝી24કલાકના અહેવાલ બાદ સરકારે પણ આ અંગેની નોંધ લીધી છે. ગુજરાત સરકારે પણ સમગ્ર મામલે શાળા સંચાલકો સામે આંખ લાલ કરી છે.


ગુજરાત સરકારે આ મામલે સ્પષ્ટ કરી દીધું છેકે, આ પ્રકારની સ્કૂલ સંચાલકોની લાલિયાવાડી અને શિક્ષણના નામે વેપલો નહીં ચલાવી લેવામાં આવે. ઉલ્લેખનીય છેકે, રાજ્યની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક સ્કૂલોમાં ચોક્કસ પ્રકારના ડ્રેસ સાથે ચોક્કસ પ્રકારના સ્વેટર કે ગરમ કપડાં પાડવામાં આવતી હોવાની ફરિયાદ રાજ્યના શિક્ષણ વિભાગને મળી હતી. 


ફરિયાદ મળી તો સ્કૂલ સંચાલકો સામે પગલાં લેવાશેઃ શિક્ષણ મંત્રી
શિક્ષણ વિભાગને મળેલી ફરિયાદોને પગલે રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફૂલ પાનસેરિયાએ એવી તાકિદ કરી છે કે, સ્કૂલે આવતા ભૂલકાઓ, બાળકોને કોઇપણ ચોક્કસ પ્રકારના સ્વેટર કે ગરમ કપડાં પહેરવાની ફરજ પાડી શકાશે નહીં. રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફૂલ પાનસેરિયાએ એમ પણ જણાવ્યું છેકે, સરકારના આદેશ છતાં પણ જો કોઈ સ્કૂલ વિદ્યાર્થીઓને આવી આવી કોઇ ફરજ પાડતી હશે તો તેની સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવશે. 


વાલીઓ પહેલાં પણ આ મુદ્દે કરી ચુક્યા છે હલ્લાબોલઃ
મહત્ત્વનું છેકે, રાજ્યની સ્કૂલોમાં ચોક્કસ પ્રકારના ડ્રેસ પહેરવામાં આવે છે. આડ્રેસ સાથે સ્કૂલો શિયાળાની ઋતુમાં ચોક્કસ સ્વેટર કે ગરમ કપડાં પહેરે તેવી ફરજ પાડતી હતી. આ પ્રકારની ઘટનાઓ પણ ભૂતકાળમાં બની ગઈ છે. ચોક્કસ પ્રકારના ગરમ કપડાં અને ચોક્કસ પ્રકારના સ્વેટર પહેરવાની ફરજ પાડતી સ્કૂલોએ સામે અગાઉ અનેક વખત વાલીઓએ ઉહાપોહ કર્યો હતો.