રૂપાલા અને ક્ષત્રિયોના વિવાદ પર નીતિન પટેલનું નિવેદન સાંભળી હચમચી ગયા સૌ કોઈ
Loksabha Election 2024: ક્ષત્રિયો દ્વારા એવી પણ ચિમકી ઉચ્ચારવામાં આવી છેકે, ઉમેદવારની ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ ૧૯મી એપ્રિલ છે. જો રૂપાલા ફોર્મ પરત નહી ખેંચે તો ગુજરાતમાં ભાજપ વિરૂધ્ધ ચૂંટણી પ્રચારને વેગીલો બનાવાશે.
Rupala Controversy: કેન્દ્રીય મંત્રી અને રાજકોટથી ભાજપના લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા હાલ સૌથી વધુ ચર્ચામાં છે. એ ચર્ચાનું કારણ છે તેમણે ક્ષત્રિય સમાજ અંગે કરેલી ટિપ્પણી. હાલમાં જ એક જાહેરસભામાં તેમણે ક્ષત્રિય સમાજ અંગે વિવાદિત ટિપ્પણી કરી અને ત્યાર બાદ લોકસભાની ચૂંટણી પહેલાં જ ગુજરાતમાં રીતસર ભડકો થયો. પોતાના વિવાદિત નિવેદન બદલે રૂપાલાએ ત્રણ-ત્રણ વાર બે હાથ જોડીને ક્ષત્રિયોની માફીઓ માગી. સરકારના તમામ મંત્રીઓ, ગુજરાત ભાજપનું આખું પ્રદેશ સંગઠન પણ આ મુદે ક્ષત્રિયોને મનાવવાનો કરી રહ્યું છે પ્રયાસ.
ફરી ચર્ચામાં આવ્યું નીતિનકાકાનું નામ
એટલું જ નહીં ત્યાં સુધી કે ખુદ ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલે પણ આ આંદોલન સમેટી લેવા મુદ્દે ક્ષત્રિયોને ઘણી વિનંતીઓ કરી. જોકે, ક્ષત્રિયો ટસના મસના થયા. ત્યારે હવે આ મુદ્દે ચર્ચામાં આવ્યું છે ગુજરાત ભાજપના વધુ એક દિગ્ગજ નેતાનું નામ. એ નામ છે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું..રૂપાલાએ કરેલી વિવાદિત ટિપ્પણી બાદ ક્ષત્રિયોનું આંદોલન હવે દિન પ્રતિદિન વધુને વધુ ઉગ્ર બની રહ્યું છે. ગુજરાત સરકારના મંત્રીઓ, પ્રદેશ ભાજપના હોદ્દેદારો અને ભાજપના લોકસભાના ઉમેદવારો પણ હવે રૂપાલા મુ્દે ખુલીને સમર્થન કરી રહ્યાં છે. એવામાં ફરી ચર્ચામાં આવ્યું નીતિનકાકાનું નામ. એટલેકે, ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી.
ક્ષત્રિય આંદોલન અંગે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું સૌથી મોટું નિવેદનઃ
ગુજરાતના પૂર્વ નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે રૂપાલા અને ક્ષત્રિય આંદોલન અંગે પોતાની પ્રતિક્રિયા આપી. ક્ષત્રિયોના વિવાદ પર પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુંકે, હિંદુઓના પૂજનીય ભગવાન શ્રીરામ ક્ષત્રિય જ છે. તમામ પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ આવે તેવી અભિલાષા છે. દરેક પ્રશ્નોનું સુખદ નિરાકણ આવે એ જરૂરી છે. રામના નામે રાજનીતિના થવી જોઈએ. મહત્વનું છે કે, આજે રામ નવમીના અવસર પર નીતિન પટેલે જગન્નાથ મંદિરમાં દર્શન કર્યા હતા. જે સમયે તેમણે ક્ષત્રિયોના વિવાદમાં સમાધાનની આશા વ્યક્ત કરી.
ક્ષત્રિયો મામલે નીતિન પટેલ એવું તો શું બોલ્યાં?
નીતિન પટેલે જણાવ્યુંકે, ભગવાન રામ સમગ્ર હિંદુઓના પૂજનીય છે જે ક્ષત્રિય છે. ભગવાન રામને હું પ્રાર્થના કરું છું કે જે પણ પ્રશ્નો હોય તેનો સુખદ નિરાકરણ થાય. રામ એટલે સત્ય, પવિત્રતા, ક્ષમા, ઉદારતા...તેમના આશિર્વાદથી સમગ્ર વિશ્વનું જીવન ચાલે છે.જ્યાં જ્યાં હિન્દૂ વસે છે ત્યાં રામનવમી ઉજવાય છે. 24 કલાકથી રામ ધૂન ચાલુ છે. વર્ષો વર્ષ સુધી રામ લલા માત્ર છાવણીમાં બિરાજમાન હતા. હવે આયોધ્યામાં મંદિરનું કામ પૂર્ણ થઇ ચૂક્યું છે.
બધા મર્યાદામાં રહે તે જરૂરી
નીતિન પટેલે વધુમાં જણાવ્યુંકે, બધાની લાગણીને કારણે આ વર્ષે પ્રથમ વખત ભવ્ય મંદિરમાં ઉજવાઈ રહ્યું છે. અત્યાર સુધીમાં કરોડો લોકો દર્શન કરી ચુક્યા છે. બધા મર્યાદામાં રહે તે જરૂરી છે. દેશની રક્ષા કરવી હોય તો ભગવાનના આશિર્વાદ મેળવવા જોઈએ. ધર્મ અને દેશ એક જ છે.
ગુજરાતમાં રીતસર ભડકો થયો
કેન્દ્રીય મંત્રી અને ભાજપના લોકસભાના રાજકોટના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના એક નિવેદન બાદ ગુજરાતમાં ઉભો થયો છે વિરોધનો વંટોળ. ક્ષત્રિય સમાજ અંગે રૂપાલાની વિવાદિત ટિપ્પણી હવે ભાજપને ભારે પડી રહી છે. કારણકે, રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ સાથે ક્ષત્રિયો હવે રસ્તા પર ઉતરીને આંદોલન કરી રહ્યાં છે. આંદોલન અલગ-અલગ પાર્ટમાં વહેંચીને બાપુઓ પણ આ વખતે પાટીદારવાળી કરી રહ્યાં છે. જો આંદોલન લાંબુ ખેંચાયું તો લોકસભાની ચૂંટણીઓ પર તેની માઠી અસર પડશે.
૧૯મીએ ફરી ક્ષત્રિય સંકલન સમિતીની બેઠક
ઉલ્લેખનીય છેકે, ક્ષત્રિયો દ્વારા એવી પણ ચિમકી ઉચ્ચારવામાં આવી છેકે, ઉમેદવારની ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ ૧૯મી એપ્રિલ છે. જો રૂપાલા ફોર્મ પરત નહી ખેંચે તો ગુજરાતમાં ભાજપ વિરૂધ્ધ ચૂંટણી પ્રચારને વેગીલો બનાવાશે. તા.૭મીએ મતદાનના દિવસે પણ ભાજપના ઉમેદવારને મત આપશો નહી તેવી મતદારોને અપીલ કરવામાં આવશે. આમ, અત્યાર સુધી રૂપાલાનો જ વિરોધ કરવામાં આવી રહ્યો હતો પણ હવે ક્ષત્રિયોએ ભાજપ સામે મોરચો માંડ્યો છે. આગામી તા, ૧૯મીએ ફરી ક્ષત્રિય સંકલન સમિતીની બેઠક મળનાર છે જેમાં આંદોલનની રણનિતી ઘડવામાં આવશે અને વધુ આંદોલનાત્મક કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવશે.