ઝી બ્યૂરો, અમદાવાદઃ ચોમાસામાં વરસાદી પાણીના ભરાવાને કારણે મચ્છરજન્ય રોગચાળો પણ વકરતો હોય છે. આવી સ્થિતિમાં આરોગ્ય તંત્રનું કામ પણ મહત્ત્વનું બની રહે છે. ત્યારે ગુજરાતના એક વિસ્તારમાં હાલ રોગચાળાએ દહેશત ફેલાવી છે. અહીં વાત થઈ રહી છે આણંદ જિલ્લાના ઉમરેઠ ટાઉનની. આણંદ જિલ્લાનાં ઉમરેઠ શહેરમાં કાઝીવાડા અને ખાટકીવાડમાંથી એક કિશોર અને એક વૃદ્ધનો રીપોર્ટ કોલેરા પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. આ કેસ બાદ અહીં ફફડાટ ફેલાયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોલેરાનો કેસ મળતા તાત્કાલિક આરોગ્ય વિભાગ દ્વારા જુદી જુદી 25 ટીમો બનાવાઈ છે અને કોલેરા રોગ નિયંત્રણ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં આરોગ્ય વિભાગની ટીમો દ્વારા ડોર ટુ ડોર સર્વે હાથ ધરવામાં આવ્યો છે. સાથે જ લોકોને ORSના પેકેટ, દવા અને ક્લોરિનની ટેબલેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. તો આ ઉપરાંત જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા ઉમરેઠ શહેરનાં કાઝીવાડા અને ખાટકીવાડ સહીત પાંચ કિલોમીટરનાં વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. 


ઉલ્લેખનીય છેકે, છેલ્લા થોડા દિવસોથી ઉમરેઠ શહેરમાં ઝાડા-ઉલટીના કેસ વધી રહ્યા છે. જેમાં કેટલાક દર્દીઓને સામુહિક આરોગ્ય કેન્દ્રમાં તો અન્ય દર્દીઓને ઘરે સારવાર આપવામાં આવી હતી. હાલ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં દસ જેટલા દર્દીઓ ઈન્ડોર દર્દીઓ તરીકે સારવાર લઈ રહ્યા છે. ત્યારે વકરતાં કોલેરાને કાબૂમાં લેવા માટે એપેડમીક અધિકારી સહીત આરોગ્ય વિભાગની ટીમોએ જુદા જુદા વિસ્તારોમાંથી આઠ જેટલા લીકેજ શોધી કાઢ્યા છે. અને પાલિકાનાં ચીફ ઓફીસરને આ લિકેજ તાત્કાલીક બંધ કરવા માટે જણાવ્યું છે.