ઈફ્કોવાળી ના થાય માટે ભાજપે ના આપ્યો મેન્ડેટ : નાફેડમાં કુંડારિયા, ઈફ્કોમાં સંઘાણી
Nafed Election Update: સૌરાષ્ટ્ર ભાજપના દિગ્ગજ નેતા અને સતત બે ટર્મથી રાજકોટથી સાંસદ મોહન કુંડારિયાના શિરે બંધાયો સાફો. નાફેડની ચૂંટણીમાં બિન હરીફ બન્યા મોહન કુંડારિયા. જાણો કેવી રીતે ચૂંટણીની આખી પ્રક્રિયા...
Nafed Election Update: નાફેર્ડની ચૂંટણીને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે. સૌરાષ્ટ્ર ભાજપના દિગ્ગજ નેતા અને રાજકોટના વર્તમાન સાંસદ મોહન કુંડારિયાની નાફેડની ચૂંટણીમાં બિન હરીફ જીત થઈ છે. આ સાથે મોહન કુંડારિયા બની ગયા છે નાફેડના નવા ડિરેક્ટર. સહકારી ક્ષેત્રની મોટી ચૂંટણીમાંથી એક ગણાતી નાફેડની ચૂંટણીમાં આખરે કુંડારિયા કમાલ કરી ગયાં. લોકસભાની ચૂંટણીમાં ભલે આ વખતે ભાજપે તેમનું પત્તુ કાપીને પરસોત્તમ રૂપાલાને રાજકોટની ટીકિટ આપી દીધી હોય પણ નાફેડમાં કુંડારિયાએ બાજી મારી લીધી છે.
સૌરાષ્ટ્રમાં તો સહકારી ક્ષેત્રના અગ્રણીઓની ચાલશે
ભાજપને આ ચૂંટણીમાં પણ ડર લાગતાં તેમને મેન્ડેટ જાહેર કરવાનું ટાળતાં ભાજપની આબરૂ તો બચી ગઈ છે પણ સૌરાષ્ટ્રના સહકારના રાજકારણમાં આજે પણ જયેશ રાદડિયાનો સિક્કો ચાલતો હોવાનું પૂરવાર થયું છે. મોહન કુંડારિયાને સહકારી ક્ષેત્રમાં ટેકો આપવાનું ઈનામ મળી ગયું છે. હવે એ સાબિત પણ થઈ ગયું છે પાર્ટી લેવલે ભલે ભાજપ મેન્ડેટ જાહેર કરે પણ સૌરાષ્ટ્રમાં તો સહકારી ક્ષેત્રના અગ્રણીઓની ચાલશે. ભાજપે મોહનભાઈ કુંડારિયા પહેલીવાર ડિરેક્ટર બનતાં હોવાથી મેન્ડેટ ટાળી દીધો હતો.
ઈફકોવાળી ના થાય તેનો ભાજપને હતો ડરઃ
ઉલ્લેખનીય છેકે, ગુજરાતમાં સામાન્ય ચૂંટણીઓની જેમ જ સહકારી સંસ્થાઓનું પણ ખુબ મહત્ત્વ રહેલું છે. એવી જ મહત્ત્વની ગણાતી સંસ્થા એટલેકે, નાફેડનું ચૂંટણીની પ્રક્રિયા દિલ્લી ખાતે ચાલી રહી હતી. જયેશ રાદડિયાની ભાજપ સામે બગાવત અને ત્યાર બાદ તેમની ઈફકોની ચૂંટણીમાં જીતનો મુદ્દો ખુબ ગાજ્યો હતો. જેને પગલે આજે યોજાયેલી નાફેડની ચૂંટણીમાં ઈફકોવાળી ના થાય તે માટે ભાજપના નેતાઓ કામે લાગ્યાં હતાં.
અન્ય ચાર ઉમેદવારોએ પરત ખેંચી ઉમેદવારીઃ
નાફેડની ચૂંટણીમાં ભાજપના અન્ય ઉમેદવારો સહિત કુલ પાંચ લોકોએ ઉમેદવારી નોંધાવી હતી. આજે ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ પરત લેવાની અંતિમ તારીખ હતી. સમય પુરો થાય તે પહેલાં જ કુંડારિયા સિવાયના બાકીના ચાર ઉમેદવારોએ નાફેડની ચૂંટણીમાંથી પોતાની ઉમેદવારી પરત લઈ લીઘી હતી. જેને પગલે મોહન કુંડારિયા બિન હરીફ ચૂંટાઈ ગયા. આ સાથે જ કુંડારિયા બન્યા નાફેડના નવા ડિરેક્ટર.
બિન હરીફ ચૂંટાયા મોહન કુંડારિયાઃ
મહત્ત્વનું છેકે, ભાજપ અહીં ઈફ્કોવાળી થાય એવું ઈચ્છતું નહતું. દેશભરની સાત બેઠકોમાં બે બેઠકો બિન હરિફ રહી છે. બિન હરીફ ડાયરેક્ટર પદે કુંડારિયા ચૂંટાયા છે. રાદડિયા જૂથના ગણાતા મગનભાઈ વડાલિયાએ પણ પોતાની ઉમેદવારી પરત ખેંચી હતી. દિલ્લીમાં આખી ચૂંટણીની પ્રક્રિયા ચાલી રહી હતી. સહકારી ક્ષેત્રમાં આ ચૂંટણીનું ખુબ મહત્ત્વ છે. નાફેડમાં પણ તમામને સમજાવવામાં રાદડિયા સફળ રહ્યાં છે.
સૌરાષ્ટ્રના મોટાભાગના મતદારો અને આગેવાનોને સમજાવવામાં રાદડિયા પરિવારનો દબદબો યથાવત રહ્યો છે. પાટીલ અધ્યક્ષ બન્યા ત્યાર પછી સહકારી ક્ષેત્રમાં ભાજપનું મેન્ડેટ આપવાનું શરૂ કરાયું હતું. જોકે, આ ચૂંટણીમાં ભાજપે કોઈને મેન્ડેટ આપ્યું ન હતું.
એક બેઠક પર જેઠાભાઈ ભરવાડ તો બીજી પર કુંડારિયા બિનહરીફ
ઈફકો બાદ હવે 21 મેએ દિલ્લી ખાતે નાફેડની ચૂંટણી યોજાવાની હતી. નાફેડની ગુજરાતમાં બે બેઠકો છે. જેમાંથી એક બેઠક પર વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઇ ભરવાડ બિનહરીફ ચૂંટાયા છે. જ્યારે એક બેઠક પર ભાજપ તરફી પાંચ ઉમેદવારોએ ફોર્મ ભરતાં રાજકારણ ગરમાયું હતું. રાજકોટના સાંસદ મોહન કુંડારીયાની ટીકીટ કપાતા તેમણે નાફેડની ચૂંટણી માટે ફોર્મ ભર્યું છે. બીજી તરફ જયેશ રાદડિયાના નજીકના ગણાતા મોરબીના મગનભાઇ વડાવિયાએ ફોર્મ ભર્યું છે. હવે 5 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતાં ગુજરાતની બંને બેઠકો બિનહરિફ થઈ ગઈ છે.
આ 5 લોકોએ ભર્યું હતું ફોર્મ
રાજકોટનાં સાંસદ મોહન કુંડારિયાને ટિકિટ ન મળતાં આખરે તેમને સહકાર ક્ષેત્રમાં ઝંપલાવ્યું હતું. જેઓ પહેલીવાર ડિરેક્ટર પદની ચૂંટણી લડી રહ્યાં હતા. મોહનભાઈની સામે જ જયેશ રાદડિયાનાં નજીકના ગણાતા મોરબીનાં મગનભાઈ વડાવિયાએ પણ ફોર્મ ભર્યું હતું. બીજી તરફ બનાસકાંઠાનાં અમૃતભાઈ દેસાઈ અને સાબરકાંઠાનાં મહેશ પટેલ તેમજ ખેડાનાં જશવંતભાઈ પટેલે પણ ફોર્મ ભર્યું હતું, બીજા માની ગયા હતા પણ સાબરકાંઠાના મહેશ પટેલે પાર્ટી કહે તો ફોર્મ પરત ખેંચું એવી જીદ પકડતાં આખરે તેમને પણ મનાવી લેવામાં આવ્યા હતા.