દવા આપવાના નામે ડબ્બા પર ચઢાવી વિદ્યાર્થિનીઓની છેડતી કરતો હતો લંપટ આચાર્ય!
વિદ્યાર્થિનીઓની છેડતી કરનાર આશ્રમશાળાના લંપટ આચાર્ય સામે પોસ્કો અને એટ્રોસીટી દાખલ...સુરત જિલ્લાના માંડવી તાલુકાના નરેણ આશ્રમ શાળામાં 5 ઓક્ટોબર, 2024ના રોજ વિદ્યાર્થિનીઓની છેડતીની ઘટના સામે આવી છે.
- માંડવીની આશ્રમ શાળામાં આચાર્ય દ્વારા વિદ્યાર્થીની સાથે છેડતીનો મામલો
- આદિજાતિ મંત્રી કુવરજી હળપતીનું નિવેદન
- શિક્ષણ જગત માટે શરમ જનક ઘટના
- આશ્રમ શાળાના આચાર્યની ધરપકડ કરી લેવામાં આવી છે
ઝી બ્યૂરો, અમદાવાદઃ સુરત જિલ્લાના માંડવી તાલુકાના નરેણ આશ્રમ શાળામાં 5 ઓક્ટોબર, 2024ના રોજ વિદ્યાર્થિનીઓની છેડતીની ઘટના સામે આવી છે. આ કેસમાં સરકાર પક્ષે ફરિયાદ નોંધાવી છે. એવી પણ માહિતી પોલીસ તપાસ દરમિયાન સામે આવી છેકે, લંપટ આચાર્ય યોગેશ નાથુ પટેલે ધોરણ 7 અને 8માં ભણતી 4 વિદ્યાર્થિનીઓને પોતાના રૂમમાં બોલાવી છાતીના ભાગે હાથ ફેરવી હોઠ પર ચુંબન કરતો હતો. ઉલ્લેખનીય છે કે, 24 જુલાઈએ બનેલી આ ઘટના અંગે સુરત જિલ્લા આદિજાતિ આશ્રમશાળા અધિકારીએ ફરિયાદ નોંધાવી છે. સુરતના માંડવીની આશ્રમ શાળાના રૂમમાં દવાના ડબ્બા, મંદિર અને આંતરવસ્ત્રો, રસોડામાંથી બીજી ઓરડીનો રસ્તો હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે.
દવાઓ આપવાના બહાને આચાર્ય કરતો હતો વિદ્યાર્થિનીઓને અડપલાંઃ
પોલીસ તપાસમાં લંપટ આચાર્યના રૂમમાં ખુરશીઓ, ફ્રીઝ, દવાઓના ડબ્બાઓ તથા આચાર્યના આંતરવસ્ત્રો સહિત અનેક વસ્તુઓ વેર વિખેર હાલતમાં જોવા મળી હતી. આચાર્ય દ્વારા વિદ્યાર્થિનીઓને આપવામાં આવતી દવાઓના ડબ્બાઓ પર પડી હતી. આ દવાઓ લેવા અને આપવાના નામે આ આચાર્ય વિદ્યાર્થિનીઓને પોતાના રૂમમાં બોલાવીને અડપલાં કરતો હતો. વિદ્યાર્થિનીઓ જ્યારે બીમાર હોય છે, ત્યારે તેમની પ્રાથમિક સારવાર માટે જે દવા જરૂરી હોય છે, તે આચાર્યના રૂમમાં મૂકવામાં આવેલી હતી. જેનો આચાર્ય વિદ્યાર્થિનીઓનો અડપલાં કરીને ફાયદો ઉઠાવતો હતો. આ આચાર્યના રૂમમાં શરબત બનાવવા, દવા લેવા, કપડાં ધોવાના બહાને અથવા કપડાં સૂકવવાના બહાને વિદ્યાર્થિનીઓને બોલાવવામાં આવતી હતી.
લંપટ આચાર્યના રૂમની પાછળ એક રસોડું પણ છે અને આ રસોડામાં એક દરવાજો પણ છે જે પાછળની સાઈડ બનાવવામાં આવેલી ઓરડીમાં જાય છે. ત્યાં ઘરઘંટી મૂકીને લોટ દળવામાં આવે છે. આ જગ્યાએ એવી છે કે જેના પર કોઈની નજર ન પડે. આ ઓરડીમાંથી આશ્રમશાળાની પાછળ જવા માટેનો એક બીજો એક દરવાજો હતો. આચાર્યના રૂમની પાછળ આવેલી ઓરડીની પાછળ વોશરૂમ અને બાથરૂમ પણ હતા. જ્યાં વિદ્યાર્થિનીઓ પાસે કપડાં ધોવડાવવાનું પણ કામ કરાવવામાં આવતું હતું. આ દરમિયાન પણ આચાર્ય વિદ્યાર્થિનીઓ સાથે એકલતાનો લાભ લઈને તેમની સાથે અધમ કૃત્ય કરતો હોવાની આશંકા છે. આ જગ્યા એવી છે કે, જ્યાં વિદ્યાર્થિની અને આચાર્ય સિવાય બીજું કોઈ પણ ન આવે અને ત્યાં તેને જે અધમ કૃત્ય કરવું હોય તે કરી શકે તેવી જગ્યા છે.
પોલીસને આ અંગે જાણ થતા તાત્કાલિક જે બાળકીઓએ આચાર્ય દ્વારા છેડતી કરવામાં આવી હોય તેમના નિવેદન લેવાનું ચાલુ કરી દેવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં 35 વિદ્યાર્થિનીઓના પોલીસ દ્વારા નિવેદન નોંધી લેવામાં આવ્યા છે. આ નિવેદનના આધારે પોલીસે વિદ્યાર્થીઓનીઓના મેડિકલ પરીક્ષણ પણ કરાવવાનું ચાલુ કરી દીધું હતું. અત્યાર સુધીમાં છ જેટલી વિદ્યાર્થિનીઓના મેડિકલ પરીક્ષણ થયા છે. જેમાં એક 13 વર્ષની વિદ્યાર્થિનીના પ્રાઇવેટ પાર્ટ પર નિશાન પર મળી આવ્યા હોવાની આશંકા છે.
આદિજાતિ રાજ્ય મંત્રી કુંવરજી હળપતિએ જણાવ્યું હતુંકે, સુરત જિલ્લાના માંડવી તાલુકાના નરેણ આશ્રમમાં જે બન્યુ તે ખરેખર શિક્ષણ જગત માટે શરમજનક ઘટના છે. આશ્રમ શાળાના આચાર્યની ધરપકડ કરી લેવામાં આવી છે. આચાર્ય સામે પોસ્કો અને એટ્રોસીટી કલમો લગાવવામાં આવી છે. આચાર્યને સસ્પેન્ડ કરવા માટેની પણ પ્રોસેસ શરૂ કરી દીધી છે. આવી ઘટના હવે પછી ન બને તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવશે.