જેને આવતીકાલે સાસરે વિદાય કરવાની હતી, તેને પીપીઈ કીટ પહેરાવીને દુનિયામાંથી વિદાય અપાઈ
કોરોના મહામારીમાં સૌથી મોટું જોખમ કોરોના વોરિયર્સ પર છે. જીવને જોખમમાં મૂકીને તેઓ સતત ફરજ બજાવી રહ્યાં છે. અત્યાર સુધી ન જાણે કેટલાય કોરોના વોરિયર્સ આ લડાઈમાં મોતને ભેટ્યા છે. છતાં જુસ્સો હાર્યા વગર અન્ય વોરિયર્સ સતત કામ કરતા રહે છે. વાપીની એક કોરોના વોરિયર જીવન સામેની જંગ હારી ચૂકી છે. પરંતુ દુખદ વાત એ છે, આવતીકાલે 23 એપ્રિલે જેના લગ્ન થવાના હતા, તે જ મોતને ભેટી છે. જેને આવતીકાલે સાસરે વિદાય કરવાની હતી, તેને પીપીઈ કીટ પહેરાવીને દુનિયામાંથી વિદાય આપવાની ફરજ પડી હતી.
ઝી મીડિયા/બ્યૂરો :કોરોના મહામારીમાં સૌથી મોટું જોખમ કોરોના વોરિયર્સ પર છે. જીવને જોખમમાં મૂકીને તેઓ સતત ફરજ બજાવી રહ્યાં છે. અત્યાર સુધી ન જાણે કેટલાય કોરોના વોરિયર્સ આ લડાઈમાં મોતને ભેટ્યા છે. છતાં જુસ્સો હાર્યા વગર અન્ય વોરિયર્સ સતત કામ કરતા રહે છે. વાપીની એક કોરોના વોરિયર જીવન સામેની જંગ હારી ચૂકી છે. પરંતુ દુખદ વાત એ છે, આવતીકાલે 23 એપ્રિલે જેના લગ્ન થવાના હતા, તે જ મોતને ભેટી છે. જેને આવતીકાલે સાસરે વિદાય કરવાની હતી, તેને પીપીઈ કીટ પહેરાવીને દુનિયામાંથી વિદાય આપવાની ફરજ પડી હતી.
કપરાડાના મોટાપોંઢામાં રહેતી મનીષા પટેલ નર્સિંગનો કોર્સ કરી વાપીની ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે સેવા પણ આપી ચૂકી છે. હાલ કોઇ હોસ્પિટલમાં ફરજ બજાવતી ન હતી. પરંતુ પરિવારે આવતીકાલે 23 એપ્રિલે તેના લગ્ન લીધા હતા. તેના લગ્ન માટેની તમામ તૈયારીઓ ચાલી રહી હતી. આ વચ્ચે જ મનીષા કોરોના પોઝિટિવ નીકળી હતી. થોડા દિવસો પહેલા મનીષાને તાવ આવતા તેને સેલવાસની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં વધુ તબિયત લથડતાં વેન્ટિલેટર સારવાર ચાલુ હતી. પરંતુ બુધવારે મનીષા કારોના સામે હારી ગઇ હતી.
જે દિવસે મનીષાનું મોત થયું તે દિવસે તેને લગ્નની પીઠી લાગવાની હતી. ઘરે લગ્નનો મંડપ પણ નાંખી દેવામાં આવ્યો હતો, આવતીકાલે 23 એપ્રિલે તેના લગ્ન હતા. લગ્નની તૈયારીઓ આટોપી લેવાઈ હતી, અને મનીષાના ઘરે આવવાની રાહ જોવાઈ રહી હતી. પરંતુ તે પહેલા જ કન્યા મોતને ભેટી હતી. કોરોનાએ પટેલ પરિવારની ખુશીને છીનવી લીધી હતી.
ઉલ્લેખનીય છે કે, તાપી જિલ્લામાં પણ કોરોનાનો વિસ્ફોટ થયો છે. જિલ્લામાં અત્યાર સુધીના સૌથી વધુ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે. ગત 24 કલાકમાં જિલ્લામાં કુલ 115 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે. હાલ જિલ્લામાં 450 એક્ટિવ કેસ છે. તો સામે 26 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.