ચેતન પટેલ/સુરત : દક્ષિણ ગુજરાતના ખેડૂતો દ્વારા બુલેટ ટ્રેન અંગેની જમીન સંપાદન મામલે હાઇકોર્ટમાં રીટ દાખલ કરવામાં આવી હતી. જે બનાવમાં આજે હાઇકોર્ટમાં ચુકાદો હતો. જોકે જજમેન્ટ અધૂરું હોઈ આવતા ગુરુવારે આ અંગે ચુકાદાની તારીખ આપવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેકટ એવા બુલેટ ટ્રેન અંગે દક્ષિણ ગુજરાતના ખેડૂતો પહેલાથી જ વિરોધ નોંધાવી રહ્યા છે. 192 ગામોના 3500 જેટલા પરિવારની જમીન આ બુલેટ ટ્રેન પ્રોજેકટ અંતર્ગત જઈ રહી છે. જંત્રી મુજબ નહિ, પરંતુ બજાર કિંમતે પોતાની જમીનના રૂપિયા ચૂકવવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી હતી. જો કે સરકાર તરફથી જંત્રી મુજબ પૈસા આપતા ખેડૂતોએ હાઇકોર્ટમાં રીટ દાખલ કરી હતી. જે અંગે આજે હાઇકોર્ટમાં ચુકાદો આવનાર હતો. જોકે જજમેન્ટ અધૂરું હોઈ આ કેસમાં 7મી ફેબ્રુઆરીએ ચુકાદા અંગે તારીખ પડી હતી. 


જે રીતે ખેડૂતો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો હતો તે અંગે જાપાનની ઝીકા સંસ્થા દ્વારા પણ ખેડૂતોની સાથે મિટિંગ કરી સ્થળ વિઝીટ કરવામાં આવી હતી. આ અંગે ઝીકાએ સરકારને પોતાનો રિપોર્ટ પણ આપ્યો છે. હાલ ખેડૂતોને આશા છે કે જે ચુકાદો આવશે તે ખેડૂતોના પક્ષમાં જ આવશે.